Trending News
સ્થાનિક સમાચાર

તપાસ ટીમ ગયાના કલાકોમાં જ અંજાર  પીજીવીસીએલ કચેરીના રેકોર્ડ રૂમમાં ભડકી આગ 

20 June



મહત્વના દસ્તાવેજો અને ફર્નિચર બળીને ખાખ, આગ અકસ્માત કે પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ ? શહેરમાં ચર્ચાઓ તેજ : રાજકોટ-ભાવનગરની ટીમે ત્રણ દિવસ તપાસ કરી, સોમવારે ફરી આવવાની હતી

અંજાર - કચ્છઉદય : શહેરમાં બસ સ્ટેશન નજીક આવેલી પશ્ચિમ ગુજરાત વિજ કંપનીની સિટી ઓફિસમાં આજે સવારે બનેલી આગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે. ઓફિસના રેકોર્ડ રૂમમાં અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઊઠતાં મહત્વના દસ્તાવેજો, ફાઈલો અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.આગની ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે, કારણ કે તાજેતરમાં જ રાજકોટ અને ભાવનગરથી આવેલી તપાસ ટીમે આ ઓફિસમાં સતત ત્રણ દિવસ સુધી વિવિધ બાબતોની તપાસ હાથ ધરી હતી. આજે સવારે તપાસ ટીમ પરત ફરી હતી અને આગામી સોમવારે ફરીથી તપાસ માટે આવવાની હતી. જોકે, ટીમ પરત ગયા બાદ થોડા જ સમયમાં રેકોર્ડ રૂમમાં આગ લાગતા સમગ્ર ઘટનાક્રમને લઈને શહેરમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અંજાર નગરપાલિકા પાસે માત્ર નાનું ફાયર ફાઈટિંગ મશીન ઉપલબ્ધ હોવાથી આગ જેવી ગંભીર પરિસ્થિતિમાં તેનો પૂરતો ઉપયોગ થઈ શક્યો નહોતો. આગ ઝડપથી ફેલાતી હોવાથી વરસામેડી સ્થિત વેલસ્પન કંપનીમાંથી મોટું ફાયર ફાઈટર તાત્કાલિક બોલાવવામાં આવ્યું હતું. ફાયર ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં રેકોર્ડ રૂમમાં રહેલા અનેક મહત્વના દસ્તાવેજો, સરકારી ફાઈલો, રેકોર્ડ અને ફર્નિચર આગની ઝપેટમાં આવી સંપૂર્ણપણે બળી ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, રાજકોટ અને ભાવનગરથી આવેલી તપાસ ટીમે ઓફિસની વિવિધ કામગીરી, હિસાબી દસ્તાવેજો અને અન્ય રેકોર્ડની તપાસ હાથ ધરી હતી. ત્રણ દિવસ સુધી ચાલેલી આ તપાસ 
પૂર્ણ કરીને ટીમ આજે સવારે પરત ફરી હતી. તપાસ પ્રક્રિયા રજાના કારણે થોડા સમય માટે મુલતવી રાખી સોમવારે ફરી શરૂ થવાની હતી. પરંતુ તપાસ ટીમના પરત જવાના કલાકોમાં જ રેકોર્ડ રૂમમાં આગ લાગતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. 
લોકોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે આ માત્ર એક અકસ્માત છે કે પછી કોઈ મહત્વના પુરાવા અને દસ્તાવેજો નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે આ બાબતે હાલ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હાલ આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાનું સાચું કારણ બહાર આવશે.

...

Comments

COMMENT / REPLY FROM