સંકલનની બેઠકમાં સત્તાપક્ષના ધારાસભ્યએ પ્રશ્નોનો મારો ચલાવ્યો
મોટા ધાવડાના હક્કપત્રકની બુકો ગુમ થવા બાબતે પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું કાર્યવાહી કરવા માંગો છો કે નહીં? : ત્રણ વર્ષ પહેલા મંજુર થયેલા નખત્રાણા બાયપાસનું મુખ્યમંત્રીએ ખાતમુર્હૂત કર્યા છતાં કામ શરૂ ન થયું : ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે રસ્તા, પાણી, વીજળી, સિંચાઈના પ્રશ્નો રજુ કર્યા : જિલ્લા સંકલનની બેઠકમાં ચાર ધારાસભ્ય ગેરહાજર
ભુજ - કચ્છઉદય : આજે મહિનાના ત્રીજા શનિવારે ભુજમાં કલેકટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. સામાન્ય રીતે કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાતી હોય છે. પરંતુ આજે કલેકટરની અનુપસ્થિતિમાં અધિક કલેકટર પાર્થ કોરડીયાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ભુજ અને અબડાસાના ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાબેન હુણે પ્રજાના પ્રશ્નો રજુ કર્યા હતા.અબડાસાના ધારાસભ્યએ એક સાથે ર૩ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. મોટા ભાગના પ્રશ્નો એવા છે કે, તેઓએ ગત સંકલનમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ નિંભર તંત્ર ધારાસભ્યના પ્રશ્નોને ન સાંભળતું હોય તો સામાન્ય અરજદારોની હાલત શું થતી હશે ? તે અનુભવી શકાય તેમ છે. આ સિવાય ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે શહેર અને તાલુકાના વિસ્તારમાં રસ્તાના કામો, પાણી, વીજળી, સિંચાઈ સહિતના પ્રશ્નો રજુ કર્યા હતા. આજની બેઠકમાં અન્ય ચાર ધારાસભ્ય ગેરહાજર રહ્યા હતા. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ અગાઉથી જ સંકલનના પ્રશ્નો બાબતે કલેકટરનુંં લેખિતમાં ધ્યાન દોર્યું હતું. ખાસ કરીને તેમણે નખત્રાણામાં ટાઉનહોલની કામગીરી કયારે પુરી થશે ? દયાપર કોલેજનું ખાતમુર્હૂત થયું છે પરંતુ કામ હજુ સુધી શરૂ થયું નથી. નખત્રાણામાં જામરી અને તલ - લૈયારી ડેમની કામગીરી વિલંબમાં કેમ છે ? મોટા ધાવડા ગામમાં નમુના નંબર છ ની હક્કપત્રકની બુકો ગૂમ છે. અગાઉ જિલ્લા સંકલનમાં પ્રશ્ન પુછયો હતો. મામલતદારને રજુઆત કરી છે. છતાં કોઈ કામગીરી થઈ નથી. કાર્યવાહી કરવા માંગો છો કે નહીં ? તેવો સ્પષ્ટ સવાલ તંત્રને પુછી લીધો હતો. આ ઉપરાંત નખત્રાણા બાયપાસ ત્રણ વર્ષ પહેલા મંજુર થઈ ગયો છે. મુખ્યમંત્રીએ ખાતમુર્હૂત કર્યું છે. છતાં કામ શરૂ થયું નથી. અત્રે યાદ અપાવી દઈએ ગુજરાતના માર્ગ અને મકાન વિભાગનો સ્વતંત્ર હવાલો પણ ખુદ મુખ્યમંત્રી પાસે છે. આ સિવાય ગજણસર ગામનું રેવન્યુ રેકર્ડ લુડબાય પંચાયતમાંથી રદ્ કરી આમારા ગ્રામ પંચાયતમાં દાખલ કરવા બાબતે પણ કામગીરી થઈ નથી. ભુજમાં બહુમાળી ભવન પાસે રજીસ્ટર કચેરીની રેકર્ડ શાખામાં ચાલુ દિવસોમાં પણ બે કલાક માટે ચોથા વર્ગના એક કર્મચારી હાજર રહે છે. અપુરતા સમય અને સ્ટાફના કારણે દુર દુરથી આવતા લોકોને સમયસર રેકર્ડ મળતો નથી. નાછુટકે તેઓને ભુજમાં રોકાવું પડે છે. સમય બગડે છે, ખર્ચ થાય છે અને લાભ મળતો નથી. ખરેખર અહીં સ્ટાફ મુકો તેમજ આવી જ હાલત કલેકટર કચેરીની દફતર અને રેકર્ડ શાખાની છે. નખત્રાણામાં લીફરી ફાટકથી નવાવાસ (રવાપર), લક્ષ્મીપર રોડ નવો બની ગયો છે. જે રોડ વર્ષોથી ડામર રોડ ચાલુ છે, પણ કોઈ ખેડૂત ચાલવા દેતા નથી. હકીકતમાં આ રોડ ખેડૂતની માલિકીની જમીનમાંથી પસાર થાય છે. જો પસાર થતો હોય તો વળતર ચુકવ્યું છે કે નહીં ? આ સિવાય ગામડાઓમાં રમત ગમતના મેદાનને મંજુરી, અબડાસાના કેટલા ખેડૂતોના કનેકશન બાકી છે ? વાયોર ગામે લીંબારા ડેમ આધારીત પાણી પુરવઠા યોજનાની પ્રગતિ, નખત્રાણાના અમુક તલાટીઓ લગ્ન નોંધણીના પ્રમાણપત્રમાં ગોળ સિક્કા મારતા નથી. અબડાસાના ખુઅડા ગામે ખેતીવાડીના ૪૦ વર્ષ જુના વીજ વાયરો ન બદલાતા રોજ ફોલ્ટના ખેડૂતોનું પાક બગડે છે.
ગામડામાં કોમ્યુનિટી હોલ, અટલવાડી બનાવવા માટે ગ્રાન્ટની ફાળવણી, નખત્રાણા, અબડાસા અને લખપતમાં કેટલી ૧૯૬ર ચાલુ છે અને બીજી કયારે ચાલુ કરશો ? નારાયણ સરોવરની ૧૦૮ સેવાની અનિયમિતતા, નખત્રાણા, અબડાસા અને લખપતમાં પંચાયત સિંચાઈ ખાતા દ્વારા કેટલા જુના ડેમ - તળાવોના સુધારણા માટે દરખાસ્ત મોકલવામાં આવી, અબડા દાદા સ્થાનક, રામ મંદિર - રામવાડા, યક્ષદેવ મંદિરના જીર્ણોધ્ધારની કામગીરી, પાંચ લાખથી ઉપરના ગ્રાન્ટના કુવા બનાવવા અને ગટર લાઈન માટે અમલીકરણની જવાબદારી કયા વિભાગની છે ? ભુજ નખત્રાણા ફોરલેનની કામગીરી અટકેલી છે. હાલમાં રીસર્ફેસીંગ કરાયું પરંતુ દેવપરથી નખત્રાણા સુધીનો ૧૦ કિ.મી.નો રોડ કેમ અધુરો મુકી દેવાયો ? જાલુ ગામની જમીન બાબતે હાઈકોર્ટ દ્વારા ઓરલ ઓર્ડર અપાયો છે ત્યારે વન વિભાગે શું કામગીરી કરી તેનો અહેવાલ માંગ્યો હતો. ધારાસભ્ય કેશુભાઈ પટેલે પણ પ્રજાલક્ષી મુદ્દા ઉઠાવ્યા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાબેન હુણ માટે આ પ્રથમ સંકલનની બેઠક હતી. તેઓએ પણ લોકોના પ્રશ્ન રજુ કરી નિરાકરણ માટે જણાવ્યું હતુું. અધિક કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં પ્રાંત અધિકારીઓ, મામલતદાર, પોલીસના અધિકારીઓ સહિત તમામ વિભાગોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
..........
અબડાસા ધારાસભ્યએ સંકલનમાં પાણી, વીજળી અને ઘાસની ટ્રેનની કરી માંગ
ભુજ : અહીં કલેકટર કચેરી ખાતે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં અબડાસાના ધારાસભ્યે વિસ્તારના વિવિધ પ્રશ્નોને લઈને તંત્ર સમક્ષ રજૂઆતો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હાલમાં વરસાદ ખેંચાતા અબડાસા, લખપત અને નખત્રાણા વિસ્તારમાં પીવાના
પાણીની ગંભીર અછત સર્જાઈ છે, જેથી તાત્કાલિક પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે. ધારાસભ્યે જણાવ્યું કે ખેડૂતો ખેતીકામમાં વ્યસ્ત હોવા છતાં પૂરતી વીજળી મળતી નથી. અનેક ગામોમાં વીજ વાયરો જૂના અને તૂટેલી હાલતમાં છે તેમજ ફોલ્ટના કારણે વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે, જેના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે. કોઠારા પીજીવીસીએલ કચેરીમાં ફોન કરવા છતાં જવાબ મળતો ન હોવાની ફરિયાદ પણ તેમણે ઉઠાવી હતી. આ ઉપરાંત દયાપર કોલેજનું કામ જંગલ ખાતાની મંજૂરીના અભાવે અટવાયેલું હોવાનું જણાવ્યુ હતું. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પશુઓને રોગચાળાથી બચાવવા માટે સમયસર રસીકરણ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. ધારાસભ્યે પર્યટન વિકાસના કામોને ગતિ આપવા, જૂના વીજ વાયરો બદલવા તેમજ લોકોની રજૂઆતોનો તાત્કાલિક નિકાલ લાવવા માંગ કરી હતી. સાથે જ શાળાઓ શરૂ થઈ ગઈ હોવાથી વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સમયસર એસટી બસ દોડાવવા રજૂઆત કરી હતી. વરસાદના અભાવે
પશુચારા સંકટની સ્થિતિ ઊભી થઈ રહી હોવાનું જણાવી તેમણે જણાવ્યું કે કચ્છના અનેક દાતાઓ ઘાસ પહોંચાડવા તૈયાર છે, પરંતુ સરકાર દ્વારા ઘાસની વિશેષ ટ્રેન ફાળવવામાં આવે તો રાહત કામગીરીને વધુ વેગ મળી શકે છે.
........
સગીર વયના છોકરા-છોકરીઓ ભાગી જાય છે તે બાબતે ચિંતા સેવી
જિલ્લામાં સગીર વયના છોકરા - છોકરીઓ પ્રેમ સંબંધના કારણે ઘરમાંથી ભાગી જાય છે. આવા કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે તેઓને પરત લાવ્યા બાદ પોલીસ અને માતા - પિતા દ્વારા તેઓને સમજાવવામાં આવે છે પરંતુ તેઓ સમજતા નથી અને લગ્ન ન કરાવીએ તો આપઘાતની ધમકી આપે છે. આ ખુબ ગંભીર મુદ્દો છે. આવા સંવેદનશીલ કિસ્સામાં શું કરવું જોઈએ તેમજ આવી ઘટનાઓ અટકે તે માટે પણ અબડાસાના ધારાસભ્યએ મુદ્દો ઉઠાવ્યો હતો.
......

Comments