‘બચાવો બચાવો’ની બૂમોથી આદિપુરમાં તંત્રની દોડધામ મહિલાની શોધખોળ માટે પોલીસ મેદાને : ડ્રોનની લેવાઈ મદદ
પૂર્વ કચ્છના જોડીયાનગરમાં ચોંકાવનારી ઘટના
પોલીસતંત્ર આ ઘટનામાં ખાણખનીજ વિભાગ - પૂર્વે કચ્છને કેમ ન જોડે ?
આ પટામાં માટી રેતી ખનીજ ચોરીની અગાઉ પણ ઉભી થઇ ચૂકી છે ફરીયાદો
કોઇ મહિલા છે ? કે પછી સ્પીકર મૂકીને અગાઉ જેમ કિડાણા પટામાં તંત્ર પોલીસને ઘટનાસ્થળે તેડાવી માટી - રેતી - ખનીજ ચોરીને પકડાવવાની જાગૃત નાગરીકની યુકિત છે?
ગાંધીધામ : કચ્છના આદિપુર શહેરમાંથી એક ચોંકાવનારી અને રહસ્યમય ઘટના સામે આવી છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આદિપુરના ટાગોર રોડ વિસ્તારમાં આવેલી અવાવરુ ઝાડીઓમાંથી એક મહિલાના દર્દનાક અવાજે સમગ્ર પંથકને ધ્રુજાવી દીધો હતો.
મળતી માહિતી મુજબ, આદિપુરના વ્યસ્ત ગણાતા ટાગોર રોડ વિસ્તારની બાજુમાં આવેલી બાવળની ગીચ ઝાડીઓમાંથી અચાનક એક અજાણી મહિલાના “બચાવો... બચાવો...” ના કરુણ અવાજો સંભળાયા હતા. આ અવાજ એટલો ભયભીત હતો કે આસપાસના સ્થાનિક લોકો અને તબેલા વિસ્તારના રહીશો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે, ગીચ બાવળો અને અંધારા જેવા માહોલને કારણે કંઈ સ્પષ્ટ દેખાયું ન હતું, જેથી સ્થાનિકોમાં કોઈ અણબનાવ બન્યો હોવાની આશંકાએ દોડધામ મચી ગઈ હતી.
...........
સુરક્ષા એજન્સીઓ એલર્ટ
ગાંધીધામ : કોઈ અનિચ્છનીય ઘટના કે અપહરણ જેવો ગુનો ન બન્યો હોય તે દિશામાં પોલીસે તાત્કાલિક આસપાસના સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. બાવળની ઝાડીઓ એટલી ગીચ અને દુર્ગમ હતી કે પોલીસ જવાનો માટે અંદર જઈને તાત્કાલિક તપાસ કરવી મુશ્કેલ બની રહી હતી. આથી, સમય બગાડ્યા વિના ટેક્નોલોજીનો સહારો લેવામાં આવ્યો હતો. પોલીસે આધુનિક ડ્રોન કેમેરા હવામાં ફ્લાય કરાવીને સમગ્ર અવાવરુ વિસ્તારમાં ઝીણવટભરી શોધખોળ શરૂ કરી હતી.
..........
સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ
ગાંધીધામ :આ ઘટનાને પગલે ટાગોર રોડ પર સેંકડો લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર પણ આ ઘટના વાયરલ થતાં જાતભાતની અફવાઓ અને ચર્ચાઓએ જોર પકડ્યું છે. મહિલા કોઈ મુસીબતમાં ફસાઈ હતી, તેની સાથે કોઈ ગુનો આચરવામાં આવ્યો છે કે પછી આ કોઈ માનસિક અસ્વસ્થ મહિલાની બૂમો હતી, તે અંગે રહસ્ય ઘેરાયું છે.હાલમાં પોલીસ ડ્રોન ફૂટેજ અને સ્થાનિક લોકોના નિવેદનોના આધારે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. સમગ્ર આદિપુર પંથકમાં આ ઘટના અત્યારે ભારે ચર્ચાનો વિષય બની છે.
.........
પોલીસ કાફલો અને LCB ઘટનાસ્થળે
ગાંધીધામ : સ્થાનિક લોકોએ આ મામલે સહેજ પણ વિલંબ કર્યા વગર તુરંત જ પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો મોટો કાફલો અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગણતરીની મિનિટોમાં ટાગોર રોડ પર
પહોંચી ગઈ હતી.
.......

Comments