કચ્છમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનો ધમધમાટ શરૂ
જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાઓ આખરી ઓપ અપાયો : રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને સોળ જેટલા ઉચ્ચ અધિકારીઓ સહિત જિલ્લાના સાંસદ, ધારાસભ્યો અને પદાધિકારીઓ રૂટ મુજબ શાળાઓની મુલાકાત લઈને ભૂલકાઓને ઉત્સાહભેર શાળા પ્રવેશોત્સવ કરાવશે : સમગ્ર જિલ્લામાં કુલ ૧૧૫ જેટલા ચોક્કસ રૂટ નક્કી કરાયા : બાલવાટિકા અંતર્ગત ૩૫,૦૦૦ થી પણ વધુ નાના ભૂલકાઓ પ્રથમ વખત શાળાના પગથિયાં ચડશે
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં આગામી તારીખ ૨૩, ૨૪ અને ૨૫ ના રોજ યોજાનારા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તમામ વહીવટી અને શૈક્ષણિક તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે વિગત આપતાં જમાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્રના વડા અને કલેક્ટર શ્રી રાણાવસિયા તેમજ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ સરના સીધા માર્ગદર્શન હેઠળ ટીમ એજ્યુકેશન દ્વારા આ મહોત્સવને સફળ બનાવવા માટે રાત-દિવસ એક કરીને આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આ શૈક્ષણિક મહોત્સવમાં રાજ્ય કક્ષાએથી લઈને સ્થાનિક કક્ષા સુધીના તમામ મહાનુભાવો અને વહીવટી અધિકારીઓ પ્રત્યક્ષ જોડાઈને ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારના બાળકોને આવકારશે.
આ વર્ષના પ્રવેશોત્સવ કાર્યક્રમની રૂપરેખા આપતા જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે જણાવ્યું હતું કે, રાજ્ય કક્ષાએથી રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા ઉપરાંત સોળ જેટલા ઉચ્ચ વહીવટી અધિકારીઓ આ મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએથી સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ, તમામ ધારાસભ્યો, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ અધિક્ષક (એસપી) સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ જુદા જુદા વિસ્તારોમાં પ્રવેશોત્સવની કમાન સંભાળશે. સમગ્ર જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા કુલ ૧૧૫ જેટલા ચોક્કસ રૂટ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં દરેક અધિકારી અથવા પદાધિકારી પ્રતિદિન ત્રણ શાળાઓની રૂબરૂ મુલાકાત લેશે. આમ, ત્રણ દિવસના આ મહોત્સવ દરમિયાન પ્રત્યેક મહાનુભાવ કુલ નવ શાળાઓની મુલાકાત લઈને નવોદિત બાળકોને કુમકુમ તિલક અને શૈક્ષણિક કીટ આપીને શાળામાં પ્રવેશ કરાવશે. આ માટે શાળાઓના આચાર્યો અને શિક્ષકો સાથે ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજીને જરૂરી તમામ સાવચેતી અને તૈયારીઓ અંગે સચોટ સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે.કચ્છ જિલ્લામાં આ વર્ષે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના આંકડાકીય વિગતોની વાત કરીએ તો, જિલ્લાની વિવિધ સરકારી શાળાઓમાં શરૂ કરાયેલી બાલવાટિકા અંતર્ગત ૩૫,૦૦૦ થી પણ વધુ નાના ભૂલકાઓ પ્રથમ વખત શાળાના પગથિયાં ચડશે. ગત શૈક્ષણિક વર્ષ દરમિયાન ઉંમરના કારણે અથવા અન્ય કોઈ વ્યાજબી કારણોસર ધોરણ ૧ માં પ્રવેશ મેળવવાથી વંચિત રહી ગયેલા જિલ્લાના આશરે ૧૫૦૦ જેટલા બાળકોને પણ આ વર્ષે શોધીને ધોરણ ૧ માં વિધિવત પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સ્તરે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાના ભાગરૂપે આ વર્ષે ધોરણ ૯ અને ધોરણ ૧૧ માં અંદાજે ૬૦,૦૦૦ થી વધારે વિદ્યાર્થીઓ નવો પ્રવેશ મેળવીને પોતાનો આગળનો અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા દરેક રૂટના આયોજનમાં આ વખતે વિશેષ નવતર પ્રયોગ કરીને બે માધ્યમિક શાળાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી ઉચ્ચ શિક્ષણના સ્તરે પણ દેખરેખ રાખી શકાય.ગુજરાત સરકારના મહત્વાકાંક્ષી ’બેક ટુ સ્કૂલ’ અભિયાન અંતર્ગત જિલ્લા શિક્ષણ વિભાગે ખાસ ઝુંબેશ ચલાવી છે, જેના પરિણામે અધવચ્ચેથી અભ્યાસ છોડી ચૂકેલા આશરે ૫૦૦૦ જેટલા પુનઃ પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓની ઓળખ કરી લેવામાં આવી છે. આ તમામ બાળકોને પ્રવેશોત્સવના દિવસો દરમિયાન ફરીથી શાળાના મુખ્ય પ્રવાહમાં ભેળવીને તેમનું શૈક્ષણિક ભવિષ્ય સુરક્ષિત કરવા માટેના સઘન પ્રયાસો વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે, તાજેતરમાં મંજૂર થયેલી નવી ઇન્ટિગ્રેટેડ ૪૮ શાળાઓ, જેમાં અગાઉની ૧૧ અને નવી ૩૭ શાળાઓનો સમાવેશ થાય છે, તે તમામ શાળાઓમાં પણ વર્તમાન સમયમાં પ્રવેશ પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે અને આ શાળાઓના બાળકોને પણ પ્રવેશોત્સવ મહોત્સવ અંતર્ગત જ આવરી લેવામાં આવશે. આવતીકાલ સાંજ સુધીમાં તમામ રૂટ પર જતા અધિકારીઓ અને પદાધિકારીઓને શૈક્ષણિક કીટ સહિતની સામગ્રી પહોંચાડી દેવામાં આવશે અને વહીવટી તંત્ર જિલ્લાના આ શૈક્ષણિક ઉત્સવને ભવ્ય રીતે ઉજવવા માટે સજ્જ છે.
----------

Comments