ભુજના ઘોડાર ચોક ખાતે મોહરમ નિમિત્તે દસ દિવસીય મજલીસ કાર્યક્રમનું આયોજન
ભુજ - કચ્છઉદય : શહેરના ઐતિહાસિક ઘોડાર ચોક વિસ્તારમાં રાજાશાહીના સમયથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ મોહરમ નિમિત્તે ખાસ મજલીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સૈયદ અહમદ શાહ હુસૈનીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કરબલાના તાજદાર હઝરત ઇમામ હુસૈનની પવિત્ર યાદને કાયમ રાખવાનો છે. ઇસ્લામિક ઇતિહાસમાં ઇમામ હુસૈનની શહાદત એક અજોડ ઘટના છે જે દુનિયાભરના તમામ માનવીઓને સચ્ચાઈ અને માનવતાના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. આ દસ દિવસીય ધાર્મિક કાર્યક્રમ દરમિયાન શહાદતના સાચા સંદેશ અને બોધપાઠ વિશે વિસ્તૃત બયાન કરવામાં આવશે. આ સાથે જ અહીં આવનારા તમામ શ્રદ્ધાળુઓ માટે નિયાઝ પ્રસાદની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ દસ દિવસીય ધાર્મિક વિધિઓના અંતે કચ્છ સહિત સમગ્ર દેશમાં અમન, શાંતિ, સુકૂન અને ભાઈચારો જળવાઈ રહે તેમજ આપણો દેશ હિન્દુસ્તાન દિન-પ્રતિદિન પ્રગતિના પંથે આગળ વધે તેવી ખાસ દુઆ પણ કરવામાં આવશે.
---------

Comments