અબડાસા તાલુકામાં અપૂરતા વીજ પુરવઠા અને વીજ ફોલ્ટથી ખેડૂતો પરેશાન
અધિકારીઓ ફોન બંધ કરીને ગાયબ રહેતા હોવાની ચીફ એન્જિનિયરને રજૂઆત
નલિયા - કચ્છઉદય : અબડાસા તાલુકામાં સતત વીજ ફોલ્ટ અને અપૂરતા વીજ પુરવઠાને કારણે ખેડૂતો અને ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ અંગે અબડાસા ભાજપ બક્ષીપંચ મોરચાના માજી પ્રમુખ અને ખીરસરાના માજી સરપંચ રજાક એમ. હિંગોરા દ્વારા પીજીવીસીએલના ચીફ એક્ઝિક્યુટિવ એન્જિનિયરને રજૂઆત કરવામાં આવી છે. અબડાસા તાલુકાના મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે અને હાલમાં ખેડૂતોએ કપાસ સહિતના ખરીફ પાકનું વાવેતર કર્યું છે. પાક હજુ માત્ર ૧૦ દિવસનો જ થયો છે ત્યારે જ વીજ કટોકટી સર્જાતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. તાલુકાનો મોટો વિસ્તાર કોઠારા પીજીવીસીએલ વિભાગ હેઠળ આવે છે, જ્યાં ખેડૂતોને દિવસ દરમિયાન માંડ ૨ થી ૩ કલાક જ વીજ પુરવઠો મળી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે છેલ્લા પંદર દિવસથી કોઠારા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરનો સરકારી મોબાઈલ નંબર સતત સ્વિચ ઓફ આવી રહ્યો છે. જ્યારે ખેડૂતો અને સ્થાનિક આગેવાનો રૂબરૂ રજૂઆત કરવા કચેરીએ જાય છે ત્યારે કોઈ જવાબદાર અધિકારી હાજર મળતા નથી. જેના કારણે અરજદારો ભારે રોષે ભરાયા છે. આ પ્રકારની સમસ્યા માત્ર કોઈ એક ગામ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર અબડાસા તાલુકાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે મહિનાથી આ સિલસિલો સતત ચાલી રહ્યો છે. ખેતીની આ મહત્વપૂર્ણ સિઝનમાં પાકને મોટું નુકસાન થાય તે પહેલાં ચીફ એન્જિનિયર કક્ષાએથી આ બાબતની તાત્કાલિક તપાસ કરાવવામાં આવે, બેજવાબદાર અધિકારીઓને કડક સૂચના આપવામાં આવે અને વારંવાર સર્જાતા વીજ ફોલ્ટની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી નિયમિત વીજ પુરવઠો પુરો પાડવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.
------

Comments