કચ્છની જી.કે. જનરલ સિવિલ હોસ્પિટલમાં કાયમી સિવિલ સર્જન આપો
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં આવેલી જી.કે. જનરલ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ચાર મહિના કરતાં વધુ સમયથી કાયમી સિવિલ સર્જનની જગ્યા ખાલી હોવાના કારણે દર્દીઓ અને સામાન્ય જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર બાબતને ધ્યાને લઈને ભુજ નગરપાલિકાના નગરસેવિકા અંજલીબેન ગોર દ્વારા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પ્રફુલભાઈ પાંસરીયાને કચ્છ કલેક્ટર મારફતે એક લેખિત પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે.તેમણે પત્રમાં જણાવ્યું છે કે, આ હોસ્પિટલ કચ્છ જિલ્લાની એકમાત્ર મોટી હોસ્પિટલ છે જે અદાણી ગ્રુપને સુપ્રત કરવામાં આવી છે અને તેના મુખ્ય વડા તરીકે કલેક્ટર કાર્યરત છે. સિવિલ સર્જનની ગેરહાજરીના કારણે દર્દીઓને અન્યત્ર રીફર કરવા માટેની સહી, એમએલસી (મેડીકો લીગલ કેસ)ની કામગીરીમાં વિલંબ, રમતગમત ક્ષેત્રે બહાર જતા વિદ્યાર્થીઓ માટેના સર્ટિફિકેટ, સરકારી નોકરી માટે યુવા-યુવતીઓના વેરિફિકેશન સર્ટિફિકેટ તેમજ બી.પી.એલ. દર્દીઓને મળતી નાણાકીય રાહતો જેવા અનેક વહીવટી કાર્યો અટકી પડ્યા છે. આ તમામ પ્રશ્નો સીધી રીતે પ્રજાને સ્પર્શતા હોવાથી ભુજ સિવિલ હોસ્પિટલ ખાતે કાયમી સિવિલ સર્જનની નિમણૂંક કરવામાં આવે તેવી ઉગ્ર માંગ નગરસેવિકા દ્વારા કરવામાં આવી છે.
------------

Comments