મુંદરા કોકેઈન કેસ : NIA ટેરર-ફંડીંગ હવાલા કૌભાંડ મુદ્દે કેમ ન આદરે છાનબીન ?
મુન્દ્રા કોકેઈન કેસમાં મોટો ખુલાસો, ૧૧૫૦ કરોડના ડ્રગ્સનું આંતરરાષ્ટ્રીય કનેક્શન બહાર : સૌથી મોટો સવાલ છે કે ભારત ટ્રાન્જિસ્ટ પોઈન્ટ હોવાનો ખુલાસો થઈ ચૂકયો છે, તો પછી આટલા મોટી રકમના ડ્રગ્સનો જથ્થામાં મની લોન્ડરીંગ-હવાલો કઈ રીતે, કઈ ચેનલથી કયા પહોંચવાનો હતો? તેના મુખ્ય સુત્રધારો કોણ હતા? મોટા જહાજમાથી નાની બોટમાં કોકેઈન લઈ જવાનો હતો, તો પછી સ્થાનિક કડીઓ તેમાં કોણ રહેલી છે : ગાયબ પેકેટ કેટલા અને ગુમ થયેલ શખ્સનું શું?
કોકેઈન વાળા જહાજે ૧૯૬ દિવસની લાંબી મુસાફરી અને ૭ દેશોના ૨૩ બંદરો વટાવીને કરવામાં આવેલી આ હિલચાલ આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓની કાર્યપદ્ધતિનું ચોંકાવનારું ઉદાહરણ
ભુજઃ ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા મુન્દ્રા દરિયાકાંઠેથી પકડાયેલા રૂા. ૧,૧૫૦ કરોડના કોકેઈન કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, ’એમવી યુરોપ’ નામના જહાજે ૭ દેશોના ૨૩ બંદરો અને ૪૦ એન્કરેજ પોઈન્ટ્સ વટાવીને ૧૯૬ દિવસની લાંબી મુસાફરી કરી ભારત પહોંચ્યું હતું. ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા મુન્દ્રા બંદર નજીકથી ઝડપાયેલું ૧,૧૫૦ કરોડ રૂપિયાનું કોકેઈન માત્ર એક ગુનો નથી, પરંતુ તે ભારતની સુરક્ષા સામે ઊભો થયેલો એક ગંભીર પડકાર છે. ’એમવી યુરોપ’ નામના જહાજ દ્વારા ૧૯૬ દિવસની લાંબી મુસાફરી અને ૭ દેશોના ૨૩ બંદરો વટાવીને કરવામાં આવેલી આ હિલચાલ આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓની કાર્યપદ્ધતિનું ચોંકાવનારું ઉદાહરણ છે. તપાસમાં જે રીતે ભારતને માત્ર એક ’ટ્રાન્ઝિટ પોઈન્ટ’ તરીકે વાપરવાની યોજના સામે આવી છે, તે ચિંતાજનક છે. ડ્રગ્સને સ્થાનિક બોટ મારફતે અલગ-અલગ સ્થળે સંગ્રહિત કરી, ત્યારબાદ એર કાર્ગો દ્વારા અન્ય દેશોમાં મોકલવાનું કાવતરું એજન્સીઓની સતર્કતાને કારણે નિષ્ફળ રહ્યું છે. જોકે, આ ઘટનાના મૂળમાં રહેલી કેટલીક બાબતો તપાસના નવા પાસાઓ ખોલે છે. જહાજમાંથી એક પેકેટનું ગાયબ હોવું અને ક્રૂ મેમ્બર્સ દ્વારા નાણાકીય લાલચમાં ડ્રગ્સની હેરાફેરી થવી, તે આંતરરાષ્ટ્રીય નેટવર્કની ઊંડી પહોંચ દર્શાવે છે. હવે જરૂર છે કે એજન્સીઓ માત્ર ડ્રગ્સ પકડવા સુધી સીમિત ન રહેતા, તેની પાછળની લોકલ કડીઓ અને સમગ્ર સપ્લાય ચેઈનને તોડવા પર ધ્યાન કેન્દ્રિત કરે. ભારતીય દરિયાકાંઠાની સુરક્ષા વધુ કડક બનાવવી અનિવાર્ય છે, જેથી આપણી ભૂમિનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ગુનેગારો કરી ન શકે. આ કેસ આવનારી પેઢીઓ અને દેશની સુરક્ષા માટે એક લાલબત્તી સમાન છે.
..............
તપાસના મહત્વના સવાલો : એજન્સી શોધે જવાબ.!
૧.‘એમવી યુરોપ’ જહાજે ૧૯૬ દિવસની લાંબી મુસાફરી દરમિયાન જે ૭ દેશો અને ૨૩ બંદરોની મુલાકાત લીધી હતી, શું તે તમામ દેશોની સુરક્ષા એજન્સીઓની આ જહાજ પર કોઈ શંકા કે નજર હતી. ૨.જહાજ પરથી કોકેઈનના જથ્થાને સ્થાનિક બોટમાં ટ્રાન્સફર કરવાની યોજનામાં સામેલ સ્થાનિક કડીઓ કઈ હતી અને આ ગેરકાયદેસર કામમાં કયા ભારતીય નાગરિકો કે એજન્ટોની ભૂમિકા હોઈ શકે છે ૩.તપાસમાં બહાર આવ્યું છે કે મૂળ કન્સાઇનમેન્ટમાંથી એક પેકેટ ગાયબ છે, તો શું આ પેકેટ જહાજના ક્રૂ મેમ્બર્સ દ્વારા રસ્તામાં જ વેચી દેવાયું છે કે પછી તે બજારમાં પહોંચી ચૂક્યું છે ૪.જો ભારત માત્ર એક ‘ટ્રાન્ઝિટ પોઈન્ટ’ હતું, તો આ ડ્રગ્સને એર કાર્ગો મારફતે કયા દેશોમાં મોકલવાનું મુખ્ય આયોજન હતું અને તેના અંતિમ ખરીદદારો કોણ હતા ૫. જહાજના ક્રૂ મેમ્બર્સ દ્વારા દરિયામાં ફેંકવામાં આવેલી કોકેઈનની બેગો સિવાય શું જહાજમાં અન્ય કોઈ
છુપાયેલા ડ્રગ્સ કે શંકાસ્પદ વસ્તુઓ હોવાની શક્યતા છે ૬. આટલા વિશાળ સ્તરના નાણાકીય વ્યવહારો માટે કયા પ્રકારની મની લોન્ડરિંગ ચેનલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેનો માસ્ટરમાઇન્ડ કોણ છે?

Comments