Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં સ્થપાશે નવું ‘એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ’ પોલીસ સ્ટેશન

19 June

કચ્છ સહિતના સરહદી વિસ્તારમાં ડ્રગ્સની બદી અટકાવવા ગૃહ વિભાગનો નિર્ણય



પૂર્વ કચ્છ, પશ્ચિમ કચ્છ, મોરબી, બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદનો થશે સમાવેશ : ડીજીપીના સીધા નેતૃત્વમાંં આ પોલીસ સ્ટેશન દ્વારા ડ્રગ્સના કેસો કરાશે : કચ્છના દરિયા કાંઠે તણાઈને આવતા પેકેટો સાથે ઓરિસ્સા અને પંજાબથી આવતી ખેપ પર નિયંત્રણ આવશે તેવી આશા : નવા પોલીસ સ્ટેશનમાં સ્ટાફની હવે ફાળવણી થશે



ભુજ - કચ્છઉદય : ડીજીટલ યુગમાં ગુનાખોરીનું ચિત્ર પણ બદલાયું છે. અગાઉ સાયબર માફીયાઓની કમર ભાંગવા માટે દરેક જિલ્લામાં સાયબર પોલીસ સ્ટેશનો શરૂ કરવામાં આવ્યા તેમજ રેન્જ સ્તરે પણ સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરાયા છે. આ ઉપરાંત સમગ્ર રાજયમાં દારૂ અને જુગારની બદીને ડામવા ગાંધીનગરમાં એસએમસીનું અલગથી પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. જે બાદ હવે નવા ડીજીપીએ ડ્રગ્સની બદી ડામવા માટે મોટો નિર્ણય કર્યો છે. અગાઉ તમામ થાણાઓને કેસ કરવા સુચના આપતા કચ્છના પોલીસ સ્ટેશનોના અમલદારોને ગાંજો મળવા લાગ્યો છે અને હવે રાજયમાં કુલ્લ છ ઝોનમાં નવા નાર્કોટીકસ પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. આ પોલીસ સ્ટેશનનું મુખ્ય કામ ડ્રગ્સ પકડયાનું હશે. જો આ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગાંજો કે ડ્રગ્સ પકડશે તો સ્થાનીક પોલીસની બેદરકારી સામે આવશે. જેથી આગામી સમયમાં કડક કામગીરી કરવી જરૂરી બની રહેશે. સંવેદનશીલ અને વ્યૂહાત્મક સરહદી જિલ્લા કચ્છમાં છેલ્લા લાંબા સમયથી દરિયાઈ માર્ગે કરોડો રૂપિયાનું બિનવારસુ ચરસ અને હેરોઈન મળી આવવાના બનાવો ચિંતાનો વિષય બન્યા છે. આ સિવાય પૂર્વ કચ્છના ઔદ્યોગિક વિસ્તારો, કંડલા-મુન્દ્રા જેવા મોટા બંદરો અને હાઈવે નેટવર્કનો ઉપયોગ કરીને પંજાબ, હરિયાણા તેમજ રાજસ્થાન તરફથી ઘૂસાડવામાં આવતા એમડી ડ્રગ્સ અને હેરોઈનનું નેટવર્ક પણ સક્રિય બન્યું છે. અત્યાર સુધી સ્થાનિક પોલીસ આ માફિયાઓ સામે મોરચો સંભાળી રહી હતી, પરંતુ હવે ડ્રગ્સના આ આંતરરાજ્ય નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે રાજ્ય સરકારે ભુજ ખાતે સમર્પિત એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ ઝોનલ પોલીસ સ્ટેશનની સ્થાપના કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગૃહ વિભાગ દ્વારા ગઈકાલે ૧૮ જૂનના બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા અનુસાર, રાજ્યમાં નાર્કોટિક્સના ગુનાઓ રોકવા માટે જે ૬ સમર્પિત પોલીસ સ્ટેશનો મંજૂર કરાયા છે, તેમાં સરહદી જિલ્લા તરીકે કચ્છને વિશેષ પ્રાધાન્ય આપીને ભુજ ખાતે આ અલાયદું સ્ટેશન સક્રિય કરવામાં આવશે.મહત્વની બાબત એ છે કે, પશ્ચિમ કચ્છમાં અબડાસા, માંડવી અને લખપતના દરિયા કિનારે બીનવારસુ ડ્રગ્સ પકડાય છે. પૂર્વ કચ્છમાં ઓરિસ્સાથી ટ્રેન મારફતે ગાંજો અને પંજાબ હરીયાણાથી વાહનો મારફતે એમડી અને હેરોઈન આવે છે. બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદને રાજસ્થાનની સરહદ ટચ કરતી હોઈ ત્યાંથી ડ્રગ્સ આવે છે. તેમજ મોરબી સીરામીક હબ હોવાથી કેમીકલ ડ્રગ્સનું વહન થવાની સંભાવના વધારે છે. જેથી પંજાબ-હરિયાણા સુધી લંબાયેલા ડ્રગ્સના નેટવર્કના મૂળ સુધી પહોંચી શકાશે. હાલમાં પરીપત્ર કરી દેવાયો છે. આગામી સમયમાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના સ્ટાફની નિમણુંક કરતા પોલીસ સ્ટેશન અમલમાં આવતા નવી ઈમારત ન બને ત્યાં સુધી જિલ્લાની જ કોઈ કચેરીમાં પોલીસ સ્ટેશન શરૂ થાય તેવી શકયતા છે. ભુજ સિવાય અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં એન્ટી નાર્કોટીકસ ટાસ્ક ફોર્સની રચના કરી પોલીસ સ્ટેશન કાર્યરત કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.



..............................

ડીવાયએસપીની દેખરેખમાં પોલીસ સ્ટેશન કાર્યરત કરાશે

ભુજ ખાતે શરૂ થનાર આ સ્પેશિયલ પોલીસ સ્ટેશનના વડા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના ઉચ્ચ અધિકારી રહેશે. આ પોલીસ સ્ટેશન માત્ર કચ્છ પૂરતું સીમિત નહીં રહે, પરંતુ આંતરરાજ્ય અને સરહદી ડ્રગ્સ સ્મગલિંગના રૂટને ધ્યાનમાં રાખીને તેની હેઠળ વિશાળ કાર્યક્ષેત્ર સોંપવામાં આવ્યું છે. ભુજના પોલીસ સ્ટેશનમાં પૂર્વ કચ્છ, પશ્ચિમ કચ્છ, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ અને મોરબીનો સમાવેશ કરાયો છે. જાહેરનામા મુજબ, ભુજ ઝોનમાં ફરજ બજાવતા પીએસઆઈ અને તેનાથી ઉપરના રેંકના તમામ અધિકારીઓને ગુનાઓની સ્વતંત્ર તપાસ કરવા અને કેસ દાખલ કરવા માટે પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ  તરીકેની સંપૂર્ણ સત્તાઓ આપવામાં આવી છે. આ સમગ્ર માળખું ગાંધીનગર ખાતે બેસતા રાજ્યના ડીજીપી અને એડીશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસના સીધા માર્ગદર્શન હેઠળ ઓપરેટ થશે. આ ફોર્સમાં કેન્દ્રીય એજન્સીઓ જેવી કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓને પણ ડેપ્યુટેશન પર સામેલ કરી શકાશે. 



 

Comments

COMMENT / REPLY FROM