અકસ્માત પીડિતોને મોટી રાહત : હવે જરૂરી દસ્તાવેજો માટે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં
એફઆઈઆર, પંચનામું, પોસ્ટમોર્ટમ અહેવાલ સહિતના દસ્તાવેજો પીડિત પરિવાર અને વીમા કંપનીના અધિકૃત પ્રતિનિધિને વિનામૂલ્યે આપવાની ફરજ
ભુજ-કચ્છઉદય : માર્ગ અકસ્માત બાદ વળતર અને વીમા દાવાની પ્રક્રિયામાં સૌથી મોટી મુશ્કેલી જરૂરી દસ્તાવેજો મેળવવાની રહેતી હતી. અકસ્માતમાં જીવ ગુમાવનારના પરિવારજનો અથવા ઘાયલ વ્યક્તિઓને એફઆઈઆર, સ્થળ પંચનામું, પોસ્ટમોર્ટમ અહેવાલ, ફોરેન્સિક અહેવાલ અને અન્ય જરૂરી દસ્તાવેજો મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશન અને સરકારી કચેરીઓના ચક્કર કાપવા પડતા હતા. હવે ગુજરાત રાજ્ય માહિતી આયોગના મહત્વપૂર્ણ નિર્ણયથી આવી મુશ્કેલીઓમાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા જાગી છે.
ગુજરાત રાજ્ય માહિતી આયોગે સ્પષ્ટ આદેશ આપતાં જણાવ્યું છે કે મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલ સંબંધિત કેસોમાં અકસ્માત પીડિત, તેમના કાનૂની વારસદારો તથા વીમા કંપનીના અધિકૃત પ્રતિનિધિને અકસ્માત સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવા પોલીસ તંત્રની જવાબદારી રહેશે. આ માટે હવે અલગથી માહિતી અધિકાર કાયદા હેઠળ અરજી કરવાની કે લાંબી પ્રક્રિયાનો સામનો કરવાની જરૂર નહીં રહે.
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે એક વીમા કંપનીના અધિકૃત પ્રતિનિધિએ બે અકસ્માત કેસોના દસ્તાવેજો મેળવવા અરજી કરી હતી. સંબંધિત પોલીસ મથક અને અન્ય તંત્ર દ્વારા માહિતી આપવામાં ન આવતા મામલો રાજ્ય માહિતી આયોગ સમક્ષ પહોંચ્યો હતો. સુનાવણી દરમિયાન આયોગે મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલ સંબંધિત સુધારેલી જોગવાઈઓ તેમજ સર્વોચ્ચ અદાલતના માર્ગદર્શક આદેશોનો ઉલ્લેખ કરીને સ્પષ્ટ કર્યું હતું કે અકસ્માત સંબંધિત માહિતી સમયસર આપવી કાયદેસરની ફરજ છે.આયોગે નોંધ્યું હતું કે માર્ગ અકસ્માત બાદ પીડિત પરિવાર માટે દરેક દિવસ મહત્વનો હોય છે. વીમા દાવા, વળતર અને અન્ય કાનૂની પ્રક્રિયાઓ માટે જરૂરી દસ્તાવેજો સમયસર ન મળતા પરિવારોને આર્થિક અને માનસિક બંને પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી પોલીસ તંત્રે અકસ્માત સંબંધિત માહિતી અને દસ્તાવેજો નક્કી કરેલી સમયમર્યાદામાં ઉપલબ્ધ કરાવવા પડશે.
નિયમો મુજબ અકસ્માત બાદ પ્રથમ અકસ્માત અહેવાલ ૪૮ કલાકમાં, વચગાળાનો અકસ્માત અહેવાલ ૫૦ દિવસમાં અને વિગતવાર અકસ્માત અહેવાલ ૯૦ દિવસમાં તૈયાર કરીને સંબંધિત પક્ષોને ઉપલબ્ધ કરાવવાનો રહેશે. આ તમામ પ્રક્રિયા પીડિતોને ઝડપથી ન્યાય અને વળતર મળે તે હેતુથી નક્કી કરવામાં આવી છે.માહિતી આયોગે રાજ્યના પોલીસ મહાનિદેશક અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને રાજ્યભરના તમામ પોલીસ મથકોમાં આ નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. સાથે જ એવી વ્યવસ્થા ઊભી કરવા જણાવ્યું છે કે અકસ્માત પીડિતો અને તેમના પરિવારજનોને માહિતી મેળવવા માટે અલગથી અરજીઓ કરવાની જરૂર ન પડે અને જરૂરી દસ્તાવેજો સરળતાથી મળી રહે.
રાજ્ય માહિતી આયોગના આ નિર્ણયને અકસ્માત પીડિતોના હિતમાં એક મહત્વપૂર્ણ અને દૂરગામી અસર ધરાવતું પગલું માનવામાં આવી રહ્યું છે. હવે અકસ્માત બાદ દુઃખ અને સંકટની સ્થિતિમાંથી પસાર થતા પરિવારોને દસ્તાવેજો માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની ફરજ નહીં પડે અને વીમા દાવા તથા વળતરની પ્રક્રિયા વધુ ઝડપી, પારદર્શક અને સરળ બની શકશે.
-------

Comments