ભુજ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટના સફાઈ કામદારોના પગાર મુદ્દે ઉગ્ર આક્રોશ
સફાઈ કર્મીઓ દ્વારા સુધરાઈ પ્રમુખને કરાઈ રજુઆત
ભુજ - કચ્છઉદય : ભુજ નગરપાલિકા હેઠળ ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ પદ્ધતિના સફાઈ કામદારોને છેલ્લા આઠ-નવ મહિનાથી અનિયમિત પગાર મળતો હોવાના કારણે તેમનામાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના કચ્છ જિલ્લા અધ્યક્ષ રાજેશ વાઘેલાની આગેવાનીમાં સફાઈ કર્મચારીઓએ આ મુદ્દે નગરપાલિકા કચેરી ખાતે રૂબરૂ પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી. કર્મચારીઓનો આક્ષેપ છે કે સામાન્ય રીતે નિયત સમયમાં મળવો જોઈતો પગાર દર મહિને છેક ૨૫ થી ૩૦ તારીખ સુધી લંબાય છે અને એક મહિનાનો પગાર હંમેશાં એડવાન્સ તરીકે રોકી રાખવામાં આવે છે. આ બાબતે અગાઉ માનવ અધિકાર આયોગ સુધી રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા સંતોષકારક પગલાં લેવાયા નથી. પાલિકા પ્રશાસન આ બાબતને કોન્ટ્રાક્ટરની જવાબદારી ગણાવી રહ્યું છે, જ્યારે કોન્ટ્રાક્ટર પાલિકા તરફથી નાણાં ન છૂટ્યા હોવાનું બહાનું ધરી રહ્યો છે, જેના લીધે ગરીબ શ્રમિકો મુશ્કેલીમાં મુકાયા છે.
હાલમાં ભુજ શહેરમાં સફાઈ કામદારોની સંખ્યા ઘટીને અડધી થઈ ગઈ હોવા છતાં, ઉપલબ્ધ કર્મચારીઓ ધોમધખતા તડકામાં અને વિપરીત પરિસ્થિતિઓમાં પણ બમણું કામ કરીને શહેરને સ્વચ્છ રાખી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે નગરપાલિકાના પ્રમુખે આગામી બે દિવસમાં ચીફ ઓફિસર અને કોન્ટ્રાક્ટર સાથે પરામર્શ બેઠક યોજીને આ જટિલ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવાની ખાતરી આપી છે. સફાઈ કામદાર સંગઠને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસમાં તેમના પગારની અનિયમિતતા અંગે કોઈ યોગ્ય અને સકારાત્મક નિર્ણય નહીં લેવાય, તો તમામ કર્મચારીઓ સફાઈ કામગીરીથી અળગા રહીને હડતાળ પર ઉતરી જશે.
----------

Comments