ભુજમાં સિટી બસ સેવા શરૂ કરવા ધારાસભ્ય કેશુભાઈ પટેલ સમક્ષ રજૂઆત
ભુજ-કચ્છઉદય : ભુજ શહેરમાં વધતી વસ્તી, વિસ્તરતા રહેણાંક વિસ્તારો અને દૈનિક અવરજવરની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સીટી બસ સેવા શરૂ કરવાની માંગ સાથે સર્વોત્તમ ભુજ સંઘર્ષ સમિતિ દ્વારા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સમક્ષ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
સમિતિના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ભુજ શહેરમાં વિવિધ વિસ્તારો વચ્ચે જાહેર પરિવહનની સુવિધાનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓ, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, નોકરીયાત વર્ગ તેમજ સામાન્ય નાગરિકોને રોજિંદી અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. શહેરના વિકાસ અને ભાવિ જરૂરિયાતોને અનુરૂપ સુવ્યવસ્થિત સીટી બસ સેવા શરૂ કરવામાં આવે તો નાગરિકોને સસ્તી, સુરક્ષિત અને સરળ પરિવહન સુવિધા મળી શકે. આ રજૂઆત અંગે ધારાસભ્ય કેશુભાઈ પટેલે હકારાત્મક અભિગમ વ્યક્ત કરી સમિતિના સભ્યો સાથે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શહેરના વિકાસલક્ષી પ્રશ્નોના નિરાકરણ માટે લોકભાગીદારી મહત્વની છે અને સમિતિ દ્વારા કરવામાં આવતી રચનાત્મક રજૂઆતોને યોગ્ય સ્તરે પહોંચાડવા તથા જરૂરી કાર્યવાહી માટે પ્રયાસ કરવામાં આવશે. સાથે જ તેમણે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જનહિતના પ્રશ્નોમાં તંત્રનો સહયોગ મેળવવા માટે સામૂહિક પ્રયાસો જરૂરી છે.
સર્વોત્તમ ભુજ સંઘર્ષ સમિતિએ આશા વ્યક્ત કરી હતી કે શહેરના નાગરિકોના લાંબા સમયથી પડતર રહેલા આ પ્રશ્નનો હકારાત્મક ઉકેલ આવશે અને ભુજમાં સીટી બસ સેવા શરૂ કરવા માટે રાજ્ય સરકાર તથા સંબંધિત વિભાગો દ્વારા જરૂરી પગલાં લેવામાં આવશે. આ પ્રસંગે સમિતિ વતી ડો. નેહલ વૈધ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભુપેન્દ્રભાઈ મહેતા, સમાભાઈ તથા દતેશ ભાવસાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શહેરના જાહેર પરિવહન સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત રજૂઆત કરી હતી.
--------

Comments