Trending News
સ્થાનિક સમાચાર

પાનધ્રોમાં કિંમતની જમીન પર થયેલ ગેરકાયદે કોમર્શિયલ દબાણો પર બુલડોઝર ફેરવાયું

18 June


મામલતદાર અને નારાયણ સરોવર પોલીસની સંયુક્ત કાર્યવાહી : સીમેન્ટ બ્લોક ફેક્ટરી, ઓટો ગેરેજ અને માટીની દુકાનો જમીનદોસ્ત કરીને રૂ. ૩૫ લાખથી વધુની સરકારી જમીન મુક્ત કરાવાઈ


ભુજ - કચ્છઉદય :  કચ્છ જિલ્લાના સરહદી લખપત તાલુકામાં સરકારી જમીનો પર પગપેસારો કરનારા ભૂમાફિયાઓ અને દબાણકર્તાઓ સામે વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. લખપત તાલુકાના વર્માનગર - પાનધ્રો મધ્યે સરકારી લાખોની કિંમતની કિંમતી જમીન પર ખડકાયેલા ગેરકાયદેસર કોમર્શિયલ દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. નખત્રાણાના મદદનીશ કલેક્ટરની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ લખપત મામલતદાર કચેરીની ટીમ તેમજ નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના કાફલાએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ત્રણ જેટલા કોમર્શિયલ દબાણોને સંપૂર્ણપણે જમીનદોસ્ત કરી દીધા છે. તંત્રની આ અચાનક અને કડક કાર્યવાહીથી સ્થાનિક સ્તરે દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ ગેરકાયદેસર દબાણો હટાવવાની ઝુંબેશની વિગતો મુજબ, ગત સબ આરઓ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાલુકામાં સરકારી જમીનો પર થતા નવા દબાણો શોધવા અને તેને તાકીદે દૂર કરવા માટે કડક આદેશો આપવામાં આવ્યા હતા. જેના પગલે લખપત મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી દ્વારા દબાણકર્તાઓ સામે વ્યુહાત્મક આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. મહેસૂલ વિભાગના અધિકારીઓ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથેની સંયુક્ત ટીમે પાનધ્રો વિસ્તારમાં ધામા નાખ્યા હતા અને ગેરકાયદે પ્રવૃત્તિઓથી ધમધમતા કોમર્શિયલ એકમોને તોડી પાડવાની કામગીરી શરૂ કરી હતી.
આ મેગા ડિમોલિશન ડ્રાઈવ અંતર્ગત તંત્ર દ્વારા વર્માનગરના જુદા જુદા સર્વે નંબરોમાં ચાલતા ત્રણ વ્યવસાયિક એકમો પર ત્રાટકવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ કાર્યવાહીમાં વર્માનગરના સર્વે નંબર ૨૫૫/પૈકી ૧ પર યાકુબ રમઘાન રાયમા દ્વારા ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહેલી સીમેન્ટ બ્લોકની વિશાળ ફેક્ટરીને તોડી પાડવામાં આવી હતી. આ ફેક્ટરી દ્વારા સરકારી જમીનનો બહુ મોટો હિસ્સો દબાવી રાખવામાં આવ્યો હતો, જેની જંત્રી મુજબની આંકવામાં આવેલી કિંમત અંદાજે રૂા. ૩૩,૯૯,૪૮૦જેટલી થવા જાય છે. તંત્રએ આ આખી ફેક્ટરીનું ગેરકાયદે બાંધકામ હટાવીને સરકારી જમીન ખુલ્લી કરાવી લીધી છે.
ત્યારબાદ તંત્રનો કાફલો સર્વે નંબર ૨૫ પર આગળ વધ્યો હતો, જ્યાં અન્ય બે મોટા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં હનીફ ઇસાક રાયમા દ્વારા સરકારી જમીન પર અનધિકૃત રીતે ઉભું કરવામાં આવેલું ઓટો ગેરેજ, મોટર ગેરેજ તેમજ સર્વિસ સ્ટેશન તોડી પાડવામાં આવ્યું હતું. આ ગેરેજ આશરે ૯૦૦ ચોરસ ફૂટ જેટલી સરકારી જગ્યા રોકીને બેઠું હતું, જે જમીનની સરકારી જંત્રી મુજબની કિંમત રૂા. ૩૫,૨૮૦ થાય છે. આ જ સર્વે નંબરમાં ઇબ્રાહીમ રમજાન રાયમા દ્વારા ચલાવવામાં આવતી મચ્છી વેચાણની માટીની દુકાનોને પણ વહીવટી તંત્રએ નેસ્તનાબૂદ કરી દીધી હતી. આ મચ્છીની દુકાનો અંદાજે ૧૮૦૦ ચોરસ ફૂટના વિસ્તારમાં પથરાયેલી હતી અને તે જમીનની કિંમત રૂા. ૭૦,૫૬૦ આંકવામાં આવી હતી.
આમ, મામલતદાર કચેરી અને પોલીસ તંત્રના સંયુક્ત પ્રહારને કારણે પાનધ્રો વિસ્તારમાંથી જંત્રીની કિંમત મુજબ કુલ રૂા. ૩૫,૦૫,૩૨૦ની કિંમતી સરકારી જમીન પલકવારમાં ભૂમાફિયાઓના સકંજામાંથી મુક્ત કરાવી લેવામાં આવી છે. વહીવટી તંત્રના આ આકરા વલણથી સરકારી જમીનો પર ગેરકાયદે બાંધકામ કરનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
--------  -----

Comments

COMMENT / REPLY FROM