૨૦૧૦ પહેલાંના વરિષ્ઠ શિક્ષકોને ’ટેટ’ પરીક્ષામાંથી મુક્તિ આપો
ભુજમાં શૈક્ષિક મહાસંઘના ધરણા : કચ્છ જિલ્લાના તમામ ૧૦ તાલુકામાંથી ઉમટેલા શિક્ષકોએ કલેક્ટર મારફતે વડાપ્રધાન અને કેન્દ્રીય શિક્ષણમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું
ભુજ - કચ્છઉદય : ભુજમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, કચ્છ જિલ્લા ઘટક દ્વારા શિક્ષકોની પડતર માગણીઓ અને વરિષ્ઠ શિક્ષકોની વેદનાને વાચા આપવા માટે એક વિશાળ જિલ્લા કક્ષાનો ધરણા કાર્યક્રમ યોજાયો હતો. ભુજના સરસ્વતી શિશુ મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના તમામ ૧૦ તાલુકાઓમાંથી મુખ્ય કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ ધરણા કાર્યક્રમ દરમિયાન શિક્ષકોએ પોતાની માગણીઓ સંતોષવા માટે શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવ્યો હતો.આ ધરણા કાર્યક્રમ અંગે વિગતો આપતા કચ્છ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ રણધીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આહ્વાન પર આજે સમગ્ર દેશમાં અને ગુજરાતના તમામ ૩૩ જિલ્લાઓમાં આ પ્રકારે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. ઉચ્ચત્તમ ન્યાયાલયના એક ચુકાદા અનુસાર વર્ષ ૨૦૧૦ પહેલાં નોકરીમાં નિમણૂક પામેલા વરિષ્ઠ શિક્ષકો માટે પણ નવી નિમણૂક પામતા શિક્ષકોની જેમ જ શિક્ષક પાત્રતા કસોટી એટલે કે ’ટેટ’ પરીક્ષા ઉત્તીર્ણ કરવી ફરજિયાત કરવામાં આવી છે, જે તદ્દન અન્યાયકર્તા છે.સંગઠનના અધ્યક્ષે વધુમાં ઉમેર્યું હતું કે, તેમની મુખ્ય અને એકમાત્ર માગણી એ છે કે ૨૦૧૦ પહેલાંના જેટલા પણ શિક્ષકો વર્ષોથી સેવા આપી રહ્યા છે, તેઓને આ ’ટેટ’ પરીક્ષામાંથી સન્માનપૂર્વક મુક્તિ આપવામાં આવે. આ સંદર્ભે કેન્દ્ર સરકાર સકારાત્મક દિશામાં વિચારીને આવા વરિષ્ઠ શિક્ષકો કાયદાકીય રીતે સુરક્ષિત થાય તે મુજબના યોગ્ય પગલાં ભરે તે ખૂબ જ જરૂરી છે. જો આગામી સમયમાં આ વ્યાજબી માગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો રાષ્ટ્રીય કક્ષાએથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જે પણ સૂચનાઓ અને આગામી કાર્યક્રમો આપવામાં આવશે, તે મુજબ કચ્છ જિલ્લાના શિક્ષકો પણ આ લડતને વધુ ઉગ્ર બનાવશે.
સરસ્વતી શિશુ મંદિર ખાતે શાંતિપૂર્ણ રીતે ધરણા અને સભા પૂર્ણ કર્યા બાદ, ઉપસ્થિત ૧૫૦ જેટલા મુખ્ય શિક્ષક અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ એક રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી તરફ પ્રયાણ કર્યું હતું. આ રેલી કલેક્ટર કચેરીએ પહોંચ્યા બાદ શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો દ્વારા કચ્છ જિલ્લા કલેક્ટરના માધ્યમથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્ર સરકારના શિક્ષણમંત્રીને સંબોધીને એક વિસ્તૃત આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું, જેથી આ ગંભીર બાબત કેન્દ્ર સરકાર સુધી પહોંચાડી શકાય. શૈક્ષિક મહાસંઘ દ્વારા આ આખા આયોજનને વ્યાપક સમર્થન મળ્યું હોવાનું અને શિક્ષકોના હિતમાં આ લડત ચાલુ રાખવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રાંત સહમંત્રી અમરાબાઇ રબારી, રામસંગજી જાડેજા,, અલ્પેશ જાની,,રમેશ ગાગલ, લખધીરસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, રાખીબેન રાઠોડ, મનુભા સોઢા વગેરે હાજર રહ્યા હતા.
-----

Comments