Trending News
સ્થાનિક સમાચાર

લોડાઈની પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાઓ બન્યા ચિંતાનો વિષય

18 June


કલેક્ટરની સૂચના છતાં નવા વર્ગખંડોનું કામ શરૂ ન થતાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે વાલીઓમાં ઉઠ્યા પ્રશ્નો


ભુજ - કચ્છઉદય : ભુજ તાલુકાના લોડાઈ ગામના કેશવનગર વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડાઓ અને કન્યા શૌચાલયની સમસ્યાને લઈને ફરી એકવાર ગંભીર ચિંતા વ્યક્ત થઈ રહી છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સુરક્ષાથી સીધો સંબંધ ધરાવતા આ પ્રશ્નના ઉકેલ માટે જિલ્લા સ્તરે રજૂઆતો અને પત્રવ્યવહાર થયા હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર કામગીરી શરૂ ન થતા ગ્રામજનો અને વાલીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
મળતી વિગતો મુજબ જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન શાળાના જર્જરિત ત્રણ ઓરડાઓ તથા કન્યા શૌચાલયની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતને ધ્યાનમાં લઈ જિલ્લા કલેક્ટરે માર્ગ અને મકાન વિભાગને એક મહિનાની અંદર ત્રણ નવા ઓરડાઓની વ્યવસ્થા કરવા તેમજ દસ દિવસમાં કન્યા શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવા ભલામણ કરી હતી. જોકે, કલેક્ટરશ્રીના આ નિર્દેશોને બે મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સ્થળ પર કોઈ બાંધકામની કામગીરી શરૂ થઈ નથી.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તા. ૨૩ એપ્રિલ, ૨૦૨૫ના રોજ કરાયેલા પત્રવ્યવહારમાં પણ સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે શાળાના ત્રણ વર્ગખંડો જર્જરિત હાલતમાં છે અને નવા ઓરડાઓ માટે મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારબાદ સંકલન બેઠક શાળા, ભુજ દ્વારા તા. ૨૮ એપ્રિલ, ૨૦૨૫ના પત્રમાં પણ આ પ્રશ્નની ગંભીર નોંધ લેવામાં આવી હતી. તેમ છતાં આજે જૂન મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં કોઈ પ્રગતિ જોવા મળતી નથી.
સ્થાનિક સ્ત્રોતોના જણાવ્યા મુજબ સંબંધિત ઇજનેરે પણ હાલના ઓરડાઓ ઉપયોગ માટે સુરક્ષિત ન હોવાનું સ્વીકાર્યું હોવાનું કહેવાય છે. છતાં શાળાના નાના વિદ્યાર્થીઓને એ જ જર્જરિત ઓરડાઓમાં બેસાડી શિક્ષણ કાર્ય ચાલુ રાખવામાં આવી રહ્યું છે. આ સ્થિતિને કારણે વાલીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે અને તેઓ પોતાના બાળકોની સલામતી અંગે સવાલો ઉઠાવી રહ્યા છે. લોડાઈ ગામ કચ્છના એવા વિસ્તારમાં આવેલું છે જે ભૂકંપ ઝોન-૫ હેઠળ આવે છે. દેશના સૌથી વધુ ભૂકંપ સંવેદનશીલ વિસ્તારોમાં ગણાતા આ વિસ્તારમાં જર્જરિત ઇમારતોને લઈને ખાસ સાવચેતી રાખવાની જરૂરિયાત રહે છે. આવી સ્થિતિમાં જો કોઈ કુદરતી આફત કે અન્ય કારણસર ઓરડાઓને નુકસાન પહોંચે અને વિદ્યાર્થીઓને જાનહાનિ કે ઈજા થાય તો તેની જવાબદારી કોની રહેશે તેવો સવાલ ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ગ્રામજનો અને વાલીઓએ જિલ્લા તંત્ર સમક્ષ માંગ કરી છે કે જિલ્લા કલેક્ટરશ્રીના નિર્દેશો બાદ પણ કામ કયા તબક્કે અટક્યું છે તેની સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં આવે. માર્ગ અને મકાન વિભાગ તરફથી મંજૂરી બાકી છે કે અન્ય કોઈ વહીવટી પ્રક્રિયાને કારણે વિલંબ થઈ રહ્યો છે તે અંગે પણ ખુલાસો કરવાની માંગ ઉઠી રહી છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં શાળાના નવા વર્ગખંડોના બાંધકામની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવે તેમજ કન્યા શૌચાલયની જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ હવે વધુ જોર પકડી રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે જ્યાં બાળકોના ભવિષ્ય અને સલામતીનો પ્રશ્ન હોય ત્યાં વિલંબ કોઈપણ સંજોગોમાં યોગ્ય ગણાવી શકાય નહીં. 
-------------

Comments

COMMENT / REPLY FROM