ટપ્પર-દુધઈપટ્ટા માં પોણા કરોડના દારૂ કાંડમાં કયા ‘હરદેવ’ ની ભુંડિ ભૂમિકા?
કુખ્યાત બુટલેગરોને દુધઈ પટ્ટામાં ગોઠવણ પાછળ હરદેવનો કેટલો હાથ?
સમયની માંગઃ એલસીબી ભલે આ કેસની તપાસ કરી રહી હોય, પરંતુ સમગ્ર પોણા કરોડના દારૂ કેસમાં ‘હરદેવ’ કોણ છે અને તેની શું ગોઠવણ હતી, તે અંગે સમાંતર અને સંપૂર્ણ પારદર્શક તપાસ થાય તે જ હાલના સમયની મુખ્ય માંગ
પોણા કરોડની આ ખેપ પહેલી વાર જ હતી, કે અગાઉ પણ હરદેવની ગોઠવણીથી પુનો-રામો અહી આવી ખેપ ઉતારી ચૂકયા છે? હરદેવના મોબાઈલ કોલ ડીટેલ્સની કરો ચકાસણી તો ઘણુ બધુ બહાર આવશે?
નાના કર્મીઓ પર પોણા કરોડના દારૂનું ઠીકરું ફોડવાની આટલી બધી ઉતાવળ કેમ કરાઈ? અગાઉ એસએમસીની રેઈડ પણ વિવિધ વિસ્તારોમાં પડી ચુકી છે, કેટલાકમાં તો હજુય પગલા નથી લેવાયા અને કેટલાકમાં મહીનાઓ બાદ પગલા લેવાયાના કિસ્સાઓ છે..? તો પછી આ પ્રકરણમાં સસ્પેન્સન માટે આટલી બધી ઉતાવળ કેમ કરી દેવાઈ?
ગાંધીધામ : કચ્છ (પૂર્વ) એલસીબીએ તાજેતરમાં જ દુધઈ પોલીસ મથકની હદમાં આવતા અંજારના ટપર વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો એક બહુ મોટો જથ્થો ઝડપી પાડીને ચકચાર મચાવી દીધી છે. પોણા કરોડથી પણ વધુની કિંમતના આ દારૂ પ્રકરણમાં એલસીબીએ ગુનો નોંધી તપાસનો દોર પોતાના હાથમાં રાખ્યો છે, જેમાં અત્યાર સુધી ૯ જેટલા શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જોકે, બે કુખ્યાત બુટલેગરો અને વાડીનો માલિક હજુ પણ પોલીસ પકડથી દૂર છે.આ સમગ્ર પ્રકરણમાં હવે કાયદો અને વ્યવસ્થાના જાણકારો વચ્ચે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ચર્ચા એવી છે કે આ પોણા કરોડના દારૂના નેટવર્કમાં ‘હરદેવ’ નામના કોઈ પાત્રની મોટી ભૂમિકા હોઈ શકે છે. પુના-’રામા’ જેવા કુખ્યાત અને મોટા બુટલેગરોને અન્યત્ર સ્થળેથી ખસેડીને દુધઈ પટ્ટામાં આખું નેટવર્ક ગોઠવી આપનાર ક્યાંક ને ક્યાંક આ ‘હરદેવ’ તો નથી ને? જો પોલીસ આ દિશામાં ઝીણવટભરી અને કડક તટસ્થ તપાસ કરે, તો કુખ્યાત બુટલેગરો કોની રહેમનજર હેઠળ અહીં સામ્રાજ્ય ચલાવી રહ્યા હતા તે સહિત આખેઆખી ભ્રષ્ટ વહીવટી સિન્ડિકેટનો મોટો ખુલાસો થઈ શકે તેમ છે.એલસીબી હાલ આ કેસની તપાસ ચલાવી રહી છે, ત્યારે આ સમગ્ર પોણા કરોડના દારૂ કેસમાં ‘હરદેવ’નો શું હાથ છે અને તે કયો હરદેવ છે, તેની સમાંતર અને પારદર્શક તપાસ થાય તે સમયની માંગ બની રહી છે.
.......
બીટ જમાદારનું શું ગજું? હરદેવ સામે કરો લાલઆંખ :પૂર્વ કચ્છ એસપીશ્રી કરાવે કડક તપાસ
’
જયા સુધી આ પટ્ટામાથી હરદેવને નહીં દુર કરાય ત્યાં સુધી પુના-રામા જેવાઓના મોટા દારૂના અડ્ડાઓ-નેટવર્ક ધમધમતા જ રહેશે : આ હરદેવ પર કોની છે રહેમનજર? જિલ્લા બહાર ફેકી દેવાયા છતા ફરી ફરીને તે આ જ જીલ્લામાં કોની મહેરબાનીથી ગોઠવાઈ જાય છે?
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તાજેતરમાં જ પુના-રામા જેવા મોટા ગજાના બુટલેગરોના ૭૯ લાખથી વધુના દારૂ પર સપાટો બોલાવવામા આવ્યો હતો અને આ કેસમાં સ્થાનિક પોલીસમાં એક બીટ જમાદારને ફીટ કરાયા હોવાની સ્થિતી સામે આવવા પામી રહી છે. આવા સમયે જાણકારો સવાલ કરી રહ્યા છે કે, પોણા કરોડનો દારૂ અને તે પણ પુના-રામા જેવા માથાભારે બુટલેગરોના નેટવર્ક-સિન્ડીકેટનો હોય તો તેને રોકવો એ કોઈ બીટ જમાદારના હાથની વાત બની શકે ખરી? બીટ જમાદારની સામે અહી લાલઆંખ કરાઈ છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, હકીકતમાં પૂર્વ કચ્છ એસપીશ્રીએ તપાસ કરવાની જરૂર છે કે, બીટ જમાદારનું શું ગજું હોય.! હરદેવ સામે લાલઆંખ કરો તો જ આ વિસ્તારમાં આવા મોટા દારૂના નેટવર્ક પર બ્રેક લાગી શકે છે. પુના-રામા જેવાઓની સાથેની ભ્રષ્ટ સિન્ડીકેટનો ભાગ આ હરદેવ હોવાનુ માનવામા આવી રહ્યુ છે. હરદેવ આવા બેનામી અને ખોટા વ્યંહવારોથી અધધ કમાણી કરી અને જિલ્લા ફેરબદલીઓ થતી હોવા ઉપરાંત પણ ફરી ફરીને આ જ જિલ્લામાં ગોઠવાઈ જતો હોવાનુ પણ દર્શાય છે. કહેવાય છે કે, એસપીશ્રીએ તપાસ કરવાની જરૂર છે કે, જિલ્લા ફેરદબલી થયા બાદ પાછા આવા તત્વો કેમ અહી ફરી ફરીને ગોઠાવઈ રહ્યા છે? કોની મહેરબાનીથી હરદેવ જિલ્લા બહારથી ફરી આ જ જિલ્લામાં મોકાની જગ્યાએ આવી ગયો છે?
..........
- તો ભ્રષ્ટ સિન્ડિકેટનો થાય ખુલાસો
ગાંધીધામ : જો હરદેવ નામના શખ્સની ભુમીકા આ પ્રકરણમાં ઉંડાણપૂર્વક ચકાસવામા આવશે તો આ દિશામાં કુખ્યાત બુટલેગરો કોની રહેમનજર અને આશીર્વાદ હેઠળ આ વિસ્તારમાં સક્રિય થયા તે સહિત આખેઆખી ભ્રષ્ટ વહીવટી સિન્ડિકેટનો મોટો ખુલાસો થઈ શકે તેમ છે.
........
એલસીબીના દરોડામાં દુધઈ બીટ જમાદાર
પર ગાજ વરસી : બેને સસ્પેન્ડ કરી દેવાયા
દુધઈ પોલીસ મથકના રમેશભાઈ દેવજીભાઈ અને રાહુલભાઈ મધુભાઈને કરાયા સસ્પેન્ડ
એકદમ સાધારણ-નિદોર્ષ કર્મીઓના કયાંક આ પ્રકરણમાં ખોટા ભોગ નથી લેવાયાને? ફેરવિચારણાઓ થવી જોઈએ? દોષિતોને ઘી કેળા અને નિદોર્ષ -ફરજ નિષ્ઠ કર્મીઓને સજા તો નથી થઈ ગઈ ને? : જાણકારોના સવાલ
ગાંધીધામ : તાજેતરમાં જ પૂર્વ કચ્છ એલસીબી દ્વારા કુખ્યાત બુટલેગરોના પોણા કરોડથી વધુના દારૂના કટીંગ પર સફળ દરોડો અંજારના ટપ્પર ગામ જે દુધઈ પોલીસ મથક વિસ્તારની હદમાં આવે છે ત્યાં પાડયો હતો. આ પ્રકરણમાં દુધઈ પોલીસ મથકના બીટ જમાદાર સહિત કુલ્લ બે કર્મીઓ પર કડકાઈ કરવામા આવી હોવાનુ માલુમ પડી રહ્યુ છે. દુધઈના બીટ જમાદારની જવાબદારી ફીટ કરી અને તેમને સસ્પેન્ડ કરવામા આવ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.
........
ડીજીપીશ્રી રાજ્યવ્યાપી કરાવે તપાસ? જિલ્લા બહાર બદલી
થવા છતાં એ જ જિલ્લામાં પુનઃ ગોઠવણ કઈ રીતે?
બદલીઓ માટે લાખોના આંધણઃ આટલી મોટી રકમો આવે છે ક્યાંથી?
ગાંધીધામ : જાણકારોનું કહેવું છે કે, રાજ્યના નવનિયુક્ત ડીજીપી શ્રી નરેન્દ્રસિંહ મલિકે પણ આ બાબતે ગંભીરતાથી સામી દ્રષ્ટિએ તપાસ કરાવવાની જરૂર છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે જે પોલીસ કર્મચારીઓની ગંભીર ક્ષતિઓને કારણે જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવી હોય, તેઓ ફરી-ફરીને એ જ જિલ્લામાં અને એ પણ મોકાની કે મલાઈદાર જગ્યાઓ ઉપર કઈ રીતે ગોઠવાઈ જાય છે? બદલી કરનાર ઉચ્ચ અધિકારીને તેનામાં કંઈક ખામી દેખાઈ હશે ત્યારે જ તેને જિલ્લા બહાર ફેંકવામાં આવ્યો હોય ને! તેમ છતાં, આવા અમુક તત્વો ફરીથી ગોઠવણ કરીને મૂળ જિલ્લામાં પરત આવી જાય છે.આક્ષેપો થઈ રહ્યા છે કે કરોડોની રકમો આપીને આવી બદલીઓ કરાવવામાં આવે છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે અમુક કર્મચારીઓ પાસે બદલી કરાવવા માટે આટલી મોટી રકમ લાવે છે ક્યાંથી?
....

Comments