Trending News
સ્થાનિક સમાચાર

ભૂકંપમાં નાશ પામેલા મકાનની જમીન પર નવા બાંધકામનો કબજો મેળવવા ભાડૂતની ટ્રસ્ટને નોટિસ

17 June


ભુજ - કચ્છઉદય : ભુજમાં વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપ દરમિયાન ઉપલીપાલ રોડ પર આવેલું ભાડૂત અશોક યુ. માંકડનું મકાન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. તે સમયે સરકાર દ્વારા કરવામાં આવેલી મોજણી અને પંચનામાની ચતુર દિશા મુજબ, આ મકાનનો સમાવેશ ભુજમાં અમલી બનેલી નવી ટીપી યોજના ૧ માં કરવામાં આવ્યો હતો. જેમાં મકાન માલિક ટ્રસ્ટને અંતિમ ખંડ ૧૧૦ તરીકે આપેલા નવ મૂળ ખંડો પૈકી, ભાડૂતના નિવાસવાળા મૂળ ખંડ ૨૬૧ અને ૨૬૨નો પણ આ અંતિમ ખંડમાં સમાવેશ કરી મકાન માલિક ટ્રસ્ટને ફોર્મ એફથી કબજો સોંપાયો હતો. આ કબજા ફોર્મ એફની કોલમ ૧૬માં સ્પષ્ટ કાનૂની શરત દર્શાવવામાં આવી હતી કે, આ નવા અંતિમ ખંડમાં સમાવિષ્ટ મૂળ ખંડમાં મકાન માલિકના કબજા હક્કો ભૂકંપ વખતે હતા તેટલા જ રહેશે, જેથી ભાડૂતનો કબજો સલામત રહ્યો હતો. તે સમયે ગુજરાતની તત્કાલીન ભાજપ સરકારે ભાડૂત કાયદામાં ખાસ ગેઝેટ બહાર પાડીને ભાડૂતોના મકાનોના રક્ષણ માટે કડક કલમો દાખલ કરી હતી.
આ કલમો પૈકીની કલમ ૧૭(ડી) હેઠળ આરંભમાં જિલ્લા કલેક્ટરના અધિકાર હેઠળની નાયબ કલેક્ટર કોર્ટે ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૮ના હુકમથી મકાન માલિકના ભાડૂત કબજાની જમીન શ્રી સરકાર (સરકારી હસ્તક) કરી સરકારી રાહે પુનઃવસન કરવા આદેશ કર્યો હતો. જોકે, આ હુકમને અધિક જિલ્લા કોર્ટ ભુજે ૨૭ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ રદ કર્યો હતો અને રેન્ટ એક્ટની અન્ય કલમો હેઠળ ભાડૂત કાયદા મુજબ મળવાપાત્ર અન્ય હક્કો આપ્યા હતા. ભાડૂત અશોકભાઈને કોર્ટના હુકમથી અધિકાર મળ્યો હતો, જે મુજબ ભાડૂત કાયદાની ભૂકંપ માટેની ખાસ કલમ અનુસાર જો મકાન માલિક આ જમીન પર નવું બાંધકામ કરે, તો ભાડૂતને ફરીથી ત્યાં નિવાસ કરવાનો હક્ક મળે છે.
આ માટે ભાડૂત કાયદાની કલમ હેઠળ મકાન માલિકને નવા બાંધકામમાં પુનઃનિવાસના ઇરાદાની જાણ કરવાની હોય છે. જો મકાન માલિક ભૂકંપમાં નાશ પામેલા આ ભાડૂતી મકાન પર થયેલા નવા બાંધકામમાં ભાડૂતને નિવાસ ન આપે, તો ભાડૂત કાયદાના ભાગ ૪ ની કલમ ૧૭(ગ) મુજબ તે પોલીસ અધિકારનો ગુનો બને છે. આ બાબતે કાનૂની કાર્યવાહી ચલાવવાનો કે નિર્ણય લેવાનો અધિકાર પ્રથમ વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટને આપવામાં આવ્યો છે. આ કાનૂની જોગવાઈઓ અનુસાર, ભાડૂત અશોક યુ. માંકડને મકાન માલિક ટ્રસ્ટ દ્વારા નવા બાંધકામનો કબજો સોંપવામાં ન આવતાં, તેમણે કબજો મેળવવા માટે ભાડૂત કાયદાની કલમ ૧૭(ખ) મુજબ કાનૂની નોટિસ ફટકારી છે અને કબજો ન મળ્યે ફોઝદારી કેસની ચીમકી ઉચ્ચારી છે.
કચ્છના ભુજ અને અંજાર જેવા વિસ્તારોમાં ભૂકંપમાં નાશ પામેલા મકાનોના અન્ય ભાડૂતો, કે જેમના ભાડૂતી પ્લોટ પર મકાન માલિકોએ નવું બાંધકામ કરી લીધું હોવા છતાં કબજો આપ્યો નથી, તેમને કાયદાકીય માર્ગદર્શન મેળવવામાં આ નોટિસના સમાચાર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. આ બાબતે ભોગ બનેલા અન્ય ભૂકંપગ્રસ્ત ભાડૂતોની સહાય માટે ’ભુજ અંજાર ભૂકંપ ભાડૂત સેલ ટ્રસ્ટ (ઈ. ૧૯૮૨)’ ના સંચાલક અને વિનામૂલ્યે કાનૂની સેવા આપતા હાઇકોર્ટના એડવોકેટ અશોક યુ. માંકડનો સંપર્ક કરી શકાશે. રસ ધરાવતા લોકોએ ફોન કરવાને બદલે માત્ર વોટ્‌સએપ નંબર ૯૭૨૭૮૦૨૯૭૭ અથવા ૬૩૫૨૫૩૬૩૯૫ પર પોતાના કેસની વિગતો લખીને કાનૂની માર્ગદર્શન માટે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
---------- 

Comments

COMMENT / REPLY FROM