Trending News
સ્થાનિક સમાચાર

સહજાનંદ ગુરૂકુળ ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

17 June


વિદ્યારંભ સંસ્કાર, ધો.૧૦-૧રમાં એ-૧ અને એ-ર ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓનો સન્માન તેમજ ધો.૧ થી ૧૧મા ઉચ્ચ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઈનામ વિતરીત કરાયા


ભુજ - કચ્છઉદય : સહજાનંદ ગુરુકુળ ,માનકુવા સંચાલિત પુરુષોત્તમ વિદ્યાલય (ગુજરાતી માધ્યમ) અને એસએસજીએમ સ્કૂલ અંગ્રેજી માધ્યમ)ના સંયુક્ત ઉપક્રમે પૂજનીય સંતોની પ્રેરક ઉપસ્થિતિમાં ગુરુકુળમાં નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમ, ધોરણ ૧૦ અને ધોરણ ૧૨માં એ-૧, એ-૨ અને ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ સહ શિષ્યવૃત્તિ અર્પણ તેમજ ધોરણ ૧ થી ૯ અને ધોરણ ૧૧ માં ઉચ્ચ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.સંગીત શિક્ષક રવજીભાઈ આસાણી તેમજ સંગીતવૃંદના વિધાર્થીઓ દ્વારા કાર્યક્રમની શરૂઆત સંગીતમય પ્રાર્થનાથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત પૂજનીય સંતો, ટ્રસ્ટીગણ, નવનિયુક્ત ડાયરેક્ટર રાજેશ ભટ્ટનું પુષ્પગુચ્છ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. હાર્દિકભાઈ વ્યાસે ગુરુકુળના સંસ્કારયુક્ત શિક્ષણ, સહ અભ્યાસિક પ્રવૃત્તિની ઝાંખી કરાવતું પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. પરમ પૂજ્ય સંતોના હસ્તે ગુરુકુળમાં નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમાન ચંદન -તિલકથી ઉમળકાભેર સ્વાગત કરી, નોંધપોથી અને કલમની ભેટ આપવામાં આવી હતી. વર્ષ ૨૦૨૪ -૨૫ ના ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના એ-૧, એ-૨ ગ્રેડ મેળવનારા તેજસ્વી તારલાઓનું સન્માન કરી શિષ્યવૃત્તિના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. ધોરણ ૧ થી ૯ અને ધોરણ ૧૧ના ઉચ્ચ ક્રમાંક ધરાવતા પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓનું સન્માન સહ ઇનામની ભેટ આપવામાં આવી હતી. સાથોસાથ નવનિયુક્ત શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. 
કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ સમાન એવા પૂજનીય મંડલધારી શા.સ્વામી ગોલોક વિહારી સ્વામીજીએ વિદ્યારંભ સંસ્કારનું મહત્વ સમજાવતાં ગુરુકુળની તપોભૂમિને શિલ્પકારની ઉપમા આપી હતી. વિશેષમાં પાષાણમાંથી પારસ બનાવે તે જ સાચું શિક્ષણ એવી શિક્ષણની વિભાવના આપી હતી. પૂજનીય શા.સ્વામી કૃષ્ણ સ્વરૂપ સ્વામીજીએ આશીર્વચન પાઠવતાં કહ્યું હતું કે, જે વિદ્યાર્થી ‘સગવડોમાં સંતોષ’ અને ‘જ્ઞાનપીપાસામાં અસંતોષી’ બને તે જ વિકાસના શિખરો સર કરી શકે તેવું પ્રેરક ઉદબોધન કર્યું હતું.
સમાપન વેળાએ ગુજરાતી માધ્યમના આચાર્ય મદનસિંહ ચાવડાએ શિસ્ત, સેવા અને સંસ્કારના ત્રિવેણી સંગમ સમાન ગુરુકુળની શિક્ષણ પરંપરા અને શિક્ષણેતર પ્રવૃત્તિઓની ઝાંખી કરાવી હતી તેમજ વર્ષ ૨૪ - ૨૫ના ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડમાં વિદ્યાર્થીઓએ મેળવેલી જ્વલંત સિદ્ધિનો અહેવાલ રજુ કરવાની સાથે આભારવિધિ કરી હતી. કાર્યક્રમમાં પૂજનીય સંતો શા.સ્વામી ગોલોક વિહારી દાસજી સ્વામી, શા.સ્વામી કૃષ્ણસ્વરૂપ સ્વામી, શા.સ્વામી ભક્તપ્રિયદાસજી, શા. સ્વામી ઘનશ્યામવલ્લભ સ્વામી, ભુજ મંદિરના અન્ય વડીલ સંતો તેમજ ટ્રસ્ટી લક્ષ્મણભાઈ શિયાણી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સંદર્ભે ડાયરેક્ટર રાજેશભાઈ ભટ્ટ , આચાર્ય મદનસિંહ ચાવડા, અરવિંદભાઈ ગોયલ, હાર્દિકભાઈ વ્યાસનું માર્ગદર્શન સાંપડ્યું હતું.
-----

Comments

COMMENT / REPLY FROM