Trending News
સ્થાનિક સમાચાર

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડે દ્વારા પાલનપુર-સામાખ્યાલી સેક્શનનું નિરીક્ષણ

17 June


ગાંધીધામ - કચ્છઉદય : પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડેએ બુધવારે અમદાવાદ મંડળના પાલનપુર-સામાખ્યાલી રેલવે સેક્શનનું વ્યાપક નિરીક્ષણ કર્યું. આ ઉચ્ચસ્તરીય નિરીક્ષણનો મુખ્ય હેતુ રેલવે સંચાલનમાં સુરક્ષા અને સલામતીને વધુ મજબૂત બનાવવો, આધારભૂત ઇન્ફ્રાસ્ટ્‌ર્ક્‌ચ્ર કાર્યોની પ્રગતિનું મૂલ્યાંકન કરવું તેમજ સ્ટેશનો પર ઉપલબ્ધ યાત્રી સુવિધાઓ અને અન્ય વિકાસ કાર્યોની સમીક્ષા કરવી હતો. આ પ્રસંગે તેમની સાથે અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ, મુખ્યાલયના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષોતથા અમદાવાદ મંડળના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
નિરીક્ષણની શરૂઆતમાં મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડે એ ન્યૂ પાલનપુર સ્ટેશન ખાતે ક્રૂ લોબી અને રનિંગ રૂમની વિગતવાર સમીક્ષા કરી. તેમણે ત્યાં સ્થાપિત ક્રૂ મેનેજમેન્ટ સિસ્ટમની કાર્યપદ્ધતિનું બારીકાઈથી અવલોકન કર્યું. મહાપ્રબંધકે ફરજ પર તહેનાત રનિંગ સ્ટાફ (લોકો પાયલોટ અને ગાર્ડ) સાથે સીધો સંવાદ કરી તેમને ઉપલબ્ધ ભોજનની ગુણવત્તા અને અન્ય સુવિધાઓ અંગે પ્રતિસાદ મેળવ્યો, જેના પ્રત્યે સ્ટાફે સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો. આ ઉપરાંત તેમણે બેઝ કિચન, શૌચાલય અને પરિસરની અન્ય વ્યવસ્થાઓનું પણ નિરીક્ષણ કર્યું. તેમના પ્રવાસ દરમિયાન મહાપ્રબંધકે ‘અમૃત સ્ટેશન યોજના’ હેઠળ પુનર્વિકસિત થઈ રહેલા પાલનપુર સ્ટેશનના કાર્યોનું સઘન નિરીક્ષણ કર્યું. તેમણે સ્ટેશન પર પીવાના પાણીની સુવિધા, પ્રતીક્ષાલય, ફૂડ સ્ટોલ, ફૂટ ઓવર બ્રિજ, પ્લેટફોર્મ અને અંડરપાસ સહિત વિવિધ યાત્રી સુવિધાઓની સમીક્ષા કરી તેમજ સમગ્ર સ્ટેશન પરિસરમાં સ્વચ્છતાની સ્થિતિનું વ્યાપક મૂલ્યાંકન કર્યું.સંરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા મહાપ્રબંધકે પાલનપુરથી સામાખ્યાલી વચ્ચેના રેલવે ટ્રેક, લેવલ ક્રોસિંગ ફાટકો, મહત્વપૂર્ણ તથા નાના પુલો, પોઇન્ટ્‌સ, સેક્શનમાં આવેલા કર્વ્સ અને ક્રોસિંગનું સઘન તકનીકી નિરીક્ષણ કર્યું. તેમણે વિન્ડો ટ્રેલિંગ નિરીક્ષણ દ્વારા સુરક્ષા ધોરણોની ચકાસણી કરી અને સંબંધિત અધિકારીઓને વિવિધ સુરક્ષા મુદ્દાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું.મહાપ્રબંધક શ્રી પાંડેએ ભીલડી સ્ટેશન પર સ્ટેશન પુનર્વિકાસ કાર્યની વર્તમાન પ્રગતિ, યાત્રી સુવિધાઓ, રનિંગ રૂમ અને ક્રૂ લોબીનું નિરીક્ષણ કર્યું. અહીં પણ તેમણે રનિંગ સ્ટાફને આપવામાં આવતા ભોજનની ગુણવત્તાની જાતે ચકાસણી કરી. લાકડિયા રેલવે સ્ટેશન ખાતે તેમણે રૂટ રિલે ઇન્ટરલોકિંગ રૂમ અને સ્ટેશન માસ્ટર કેબિનનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. આ ઉપરાંત તેમણે બુકિંગ કાઉન્ટર, ફૂટ ઓવર બ્રિજ, દુર્ઘટના રાહત તબીબી સાધનો તથા પ્લેટફોર્મ વગેરેનું નિરીક્ષણ કર્યું અને યાત્રીઓની સુવિધા માટે શક્ય તમામ શક્ય સુધારાઓ કરવા સૂચનાઓ આપી હતી.મહાપ્રબંધક શ્રી પાંડેએ અમદાવાદ મંડળના પ્રથમ પુનર્વિકસિત સામાખ્યાલી રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું. તે દરમિયાન તેમણે સ્ટેશન પર ઉપલબ્ધ યાત્રી સુવિધાઓની સમીક્ષા કરી તથા માસ્ટર કેબિન, ફૂડ સ્ટોલ, પ્રતીક્ષાલય (વેઇટિંગ રૂમ), બુકિંગ કાઉન્ટર સહિત વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું અને યાત્રીઓ સાથે સંવાદ પણ કર્યો.તેમણે રેલવે કોલોનીની મુલાકાત લીધી અને ત્યાં ઉપલબ્ધ સુવિધાઓની પણ સમીક્ષા કરી. આ દરમિયાન મહાપ્રબંધકે મીઠાના વેપારીઓ સાથે બેઠક યોજી, જેમાં આ ક્ષેત્રમાંથી થતી માલ લોડિંગ વધારવા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. તેમણે જણાવ્યું કે પશ્ચિમ રેલવેએ વર્ષ ૨૦૨૯-૩૦ સુધીમાં ૨૦૦ મિલિયન ટન માલ લોડીંગનું લક્ષ્ય હાંસલ કર્યું છે. અમદાવાદ મંડળને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વધારાના ૪ મિલિયન ટન લોડિંગનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. બેઠક દરમિયાન વેપારીઓ પાસેથી વિવિધ સૂચનો મેળવવામાં આવ્યા તથા રેલ પરિવહન દ્વારા મીઠાના લોડીંગને વધુ પ્રોત્સાહન આપવા માટે જરૂરી પગલાં અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો. વેપારીઓએ જણાવ્યું કે તેમને મંડળના અધિકારીઓ તરફથી સતત સારો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. આ પ્રસંગે ગાંધીધામના એરિયા મેનેજર આશિષ ધાનિયા સહિત રેલવેના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
------------

Comments

COMMENT / REPLY FROM