કચ્છમાં નવી ૪૮ માધ્યમિક શાળાઓને મંજૂરી
નવી શાળાઓમાં પણ રાજ્યમાં કચ્છનો ડંકો : સર્વાધિક માધ્યમિક શાળાઓ મંજૂર : ગ્રામ્ય કક્ષાએ અભ્યાસનું સ્તર સુધરશે : માંડવી ખાતે નવી ઉચ્ચત્તર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની શાળા પણ મંજૂર
ભુજ - કચ્છઉદય : રાજ્ય સરકાર દ્વારા કચ્છને વધુ એક ભેટ મળેલ છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ૩૭ ઇન્ટિગ્રેટેડ શાળાઓના હુકમ જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારને એનાયત કર્યા હતા. ગાંધીનગર ખાતેથી પરત ફરતાં જિલ્લા શિક્ષણાધિકારી એ જણાવ્યું હતું કે, અગાઉ ૧૧ તેમજ આજ રોજ ૩૭ એમ કુલ ૪૮ માધ્યમિક શાળાઓની ફાળવણી કચ્છ જિલ્લા ને કરવામાં આવી છે, ઇન્ટિગ્રેટેડ શાળાઓ વિશે વિગતે જણાવ્યું હતું કે, આ પ્રકારની શાળાઓમાં ધોરણ ૧ થી ૧૨ સુધી બાળકો અભ્યાસ કરી શકશે, પ્રાથમિકના અભ્યાસ બાદ અન્યત્ર જવું પડશે નહી જેથી વાલીઓને સંતાનોના અભ્યાસ માટે સરળતા થઈ જશે, વળી માધ્યમિક શાળામાં મળતી તમામ સુવિધાઓ જેમ કે, સ્ટેમ લેબ, સ્માર્ટ ક્લાસ, રમત ગમતનાં સાધનો વિગેરે નો લાભ ઇન્ટિગ્રેટેડ શાળાઓને મળશે. માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનતાં તેઓએ જણાવ્યું કે, કચ્છ જિલ્લામાં તાલુકાઓ વચ્ચેનું ભૌગોલિક અંતર વધારે હોઈ નવી શાળાઓ મળવાથી ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટશે અને કન્યાઓ નો અભ્યાસ પણ નિર્વિધ્ને ચાલુ રહેશે.
----------
તાલુકા વાઈઝ મળેલ નવી શાળાઓ
ભુજ -૭, માંડવી - ૧, મુન્દ્રા - ૧, લખપત - ૩, નખત્રાણા - ૮, અબડાસા - ૮, અંજાર - ૩, ગાંધીધામ - ૧, ભચાઉ - ૬, રાપર - ૯
-----

Comments