નખત્રાણાના નવાવાસમાં શેરી વચ્ચે ફસાયેલા નંદીનું સફળ રેસ્ક્યુ
ગૌવંશમ ગ્રુપ નખત્રાણા અને ગૌસેવકોની સમયસર કામગીરીથી ગૌવંશને સુરક્ષિત બચાવાયો
નખત્રાણા, તા. ૧૭ : નવાવાસ વિસ્તારમાં બે મકાનો વચ્ચે આવેલી સાંકડી શેરીમાં એક બિનવારસી નંદી મહારાજ ફસાઈ જતાં સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ ગૌવંશમ ગ્રુપ નખત્રાણા ટીમને થતાં જ ટીમના સભ્યો તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.નંદી મહારાજ ખૂબ જ મુશ્કેલ સ્થિતિમાં ફસાયેલા હોવાથી તેમને બહાર કાઢવા માટે ખાસ સાવચેતી સાથે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આશરે એક કલાક સુધી સતત મહેનત બાદ ટીમે સફળતાપૂર્વક નંદી મહારાજને કોઈપણ પ્રકારની ઈજા પહોંચ્યા વગર સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. રેસ્ક્યુ પૂર્ણ થતાં સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. આ બચાવ કામગીરીમાં જે.આર. ગોસ્વામી, ભરતભાઈ રબારી, કલ્પેશભાઈ લુહાર સહિત ગૌવંશમ ગ્રુપ નખત્રાણાની સમગ્ર ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. ઉપરાંત અનેક ગૌપ્રેમીઓ અને ગૌસેવકો પણ સ્થળ પર હાજર રહી આ ભગીરથ કાર્યમાં જોડાયા હતા.
ગૌવંશમ ગ્રુપ નખત્રાણા દ્વારા નિઃસ્વાર્થ ભાવનાથી કરવામાં આવતી ગૌસેવા અને મુશ્કેલીમાં મુકાયેલા ગૌવંશના રક્ષણ માટેની કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી. ટીમ દ્વારા સમયસર કરાયેલા પ્રયાસોના કારણે નંદી મહારાજનો સુરક્ષિત બચાવ શક્ય બન્યો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.
..........

Comments