મુન્દ્રા નજીક ખુલ્લામાં પડેલા બેરલોમાં આગથી ચકચાર
સમાઘોઘા અને નાના કપાયાની ખાનગી કંપનીઓના ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ
મુન્દ્રા-કચ્છઉદય : મુન્દ્રા-મોટા કપાયા માર્ગ પર આવેલા એક ખાનગી ગોડાઉન પાછળ ખુલ્લામાં પડેલા ખાલી બેરલોમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આગના જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂરથી દેખાતા હોવાથી મુન્દ્રા-ભુજ રોડ પરથી પસાર થતાં વાહનચાલકો પણ થોડીવાર માટે થંભી ઘટનાનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા હતા.પ્રાથમિક માહિતી મુજબ, ખાનગી ગોડાઉનની પાછળ ખુલ્લી જગ્યામાં મોટી સંખ્યામાં ખાલી બેરલો પડેલા હતા. આ દરમિયાન અજાણ્યા કારણોસર આગ લાગતાં બેરલો સળગવા લાગ્યા હતા. આગના કારણે ધુમાડાના ગાઢ ગોટા આકાશમાં છવાઈ ગયા હતા અને આગ વધુ વિકરાળ બને તે પહેલાં જ તેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી.ઘટનાની જાણ થતાં નજીકના સમા ઘોઘા અને નાના કપાયા વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીઓના ફાયર બ્રિગેડના વાહનો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયર કર્મચારીઓએ પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી હતી. જહેમત બાદ આગ સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. સદનસીબે આગના બનાવમાં કોઈ જાનહાનિ કે ઈજાના બનાવ બન્યા નહોતા તેમજ નજીકની અન્ય મિલકતોને પણ નુકસાન પહોંચ્યું ન હોવાનું જાણવા મળ્યું છે. સમયસર ફાયર બ્રિગેડ પહોંચતાં આગ વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરવામાં આવી રહી છે.
--------

Comments