પરીક્ષાના પ્રશ્નપત્ર ફૂટવાના કૌભાંડ સામે યુવક કોંગ્રેસ દ્વારા મશાલ રેલી યોજાઈ
ગુજરાત યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓના હક્ક માટે ઉઠ્યો જોરદાર અવાજ : કચ્છના યુવા આગેવાનો પણ જોડાયા
ભુજ - કચ્છઉદય : તબીબી પ્રવેશ પરીક્ષાના પ્રશ્નપત્ર ફૂટવાના કૌભાંડના વિરોધમાં ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી ખાતે ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવવા યોજાયેલી આ રેલીમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં યુવા કાર્યકરો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.કાર્યક્રમમાં અખિલ ભારતીય યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ઉદય ભાનુ ચિભ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પ્રશ્નપત્ર ફૂટવાની ઘટનાઓ દેશના યુવાનોની મહેનત, પ્રતિભા અને ભવિષ્ય સાથે ગંભીર ચેડાં સમાન છે. તેમણે પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. રેલીમાં કચ્છ જિલ્લાની યુવક કોંગ્રેસની ટીમે પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ સમા અબરાર, કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ રાજદીપ દેવોધર તથા જિલ્લા મહામંત્રી આદિલભાઈ હિંગોરજાની આગેવાની હેઠળ કચ્છ જિલ્લાના અનેક યુવા કાર્યકરો આ કાર્યક્રમમાં જોડાયા હતા. તેમણે વિદ્યાર્થીઓના હક્કો અને શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા જાળવવા માટે મજબૂત અવાજ ઉઠાવ્યો હતો.યુવક કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે વર્ષો સુધી અથાક મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે પ્રશ્નપત્ર ફૂટવાની ઘટનાઓ ભારે નિરાશા અને અન્યાય સર્જે છે. આવી ગેરરીતિઓના કારણે લાખો વિદ્યાર્થીઓના સપનાઓને આંચકો પહોંચે છે. તેથી પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને જવાબદાર બનાવવા માટે અસરકારક પગલાં ભરવાની જરૂરિયાત છે. મશાલ રેલી દરમિયાન વિદ્યાર્થીઓ અને યુવાનોના હક્કોની રક્ષા માટે સતત સંઘર્ષ ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. યુવક કોંગ્રેસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે શિક્ષણ વ્યવસ્થામાં વિશ્વાસ જળવાઈ રહે, વિદ્યાર્થીઓને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સંગઠન પોતાની લડત અવિરત ચાલુ રાખશે. રેલીના અંતે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી અને પરીક્ષા વ્યવસ્થામાં વ્યાપક સુધારાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી.
----------

Comments