Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં ૧૧ જુલાઈએ યોજાશે લોક અદાલત

17 June



ભુજ - કચ્છઉદય : રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ આગામી ૧૧ જુલાઈના રોજ કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત તથા સ્પેશિયલ મેજિસ્ટ્રીયલ સિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય નાગરિકોને લાંબા સમયથી ચાલતા વિવાદો અને કેસોના ઝડપી, સરળ અને પરસ્પર સમજૂતીથી નિરાકરણ માટે આ એક મહત્વપૂર્ણ તક બની રહેશે.લોક અદાલતમાં અદાલતોમાં પેન્ડિંગ રહેલા વિવિધ સમાધાનપાત્ર કેસોનો નિકાલ કરવામાં આવશે. તેમાં ફોજદારી સમાધાનપાત્ર ગુનાઓના કેસો, જમીન સંપાદન વળતર કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટ હેઠળના ચેક રિટર્ન કેસો, ગ્રાહક તકરારો, બેન્ક રિકવરી કેસો, વીજ કંપનીઓના બાકી વસૂલાતના કેસો, મજૂર વિવાદો, મોટર અકસ્માત વળતર દાવાઓ, લગ્ન અને પારિવારિક વિવાદો તેમજ અન્ય દિવાની કેસોનો સમાવેશ થાય છે.આ ઉપરાંત હજુ સુધી અદાલતમાં દાખલ ન થયેલા પ્રિ-લિટિગેશન કેસો પણ લોક અદાલતમાં રજૂ કરી શકાશે. જેમાં બેન્ક રિકવરી, વીજળી અને પાણીના બાકી બિલો, મજૂર વિવાદો, ચેક રિટર્ન સંબંધિત કેસો સહિત જાહેર ઉપયોગી સેવાઓને લગતા પ્રશ્નોના સમાધાનનો માર્ગ ખુલ્લો રહેશે. પક્ષકારો પરસ્પર સંમતિથી વિવાદોનો ઉકેલ લાવી સમય અને ખર્ચ બંનેની બચત કરી શકશે. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા વાહન અકસ્માત વળતર સંબંધિત કેસોમાં અગાઉથી ખાસ પ્રિ-કન્સિલિએશન સિટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેથી અકસ્માત પીડિતોને ઝડપથી વળતર મળી શકે અને લાંબી કાનૂની પ્રક્રિયાથી રાહત મળે.બીજી તરફ ટ્રાફિક નિયમોના ભંગ બદલ બાકી રહેલા ઈ-ચલણ અને દંડની રકમો ભરપાઈ કરવા માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ભુજ અને ગાંધીધામની ટીમો દ્વારા મોનિટરિંગ કરીને ટ્રાફિક નિયમભંગ કરનાર વાહનચાલકોને નોટિસો પાઠવવામાં આવી રહી છે. સંબંધિત વાહનચાલકોને સમયસર દંડ ભરવા તાકીદ કરવામાં આવી છે. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ લોક અદાલતનો લાભ લઈને પોતાના વિવાદોનો પરસ્પર સમજૂતીથી કાયમી અને ઝડપી ઉકેલ લાવે. લોક અદાલતમાં થયેલા સમાધાનને અદાલતી હુકમ જેટલી જ કાનૂની માન્યતા પ્રાપ્ત હોય છે અને તેની સામે કોઈ અપીલ પણ થતી નથી, જેના કારણે બંને પક્ષોને અંતિમ અને સંતોષકારક ન્યાય પ્રાપ્ત થાય છે. લોક અદાલત અંગે વધુ માહિતી માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, જિલ્લા ન્યાયાલય, કચ્છ-ભુજ (ફોન : ૦૨૮૩૨-૨૫૪૯૩૦ - ૭૪૮૬૦ ૪૪૯૭૦) અથવા તાલુકા કાનૂની સેવા સમિતિઓ રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, ભુજ, નખત્રાણા, દયાપર, નલિયા, માંડવી અને મુન્દ્રાની કચેરીઓનો સંપર્ક કરી શકાય છે. 
-------

Comments

COMMENT / REPLY FROM