Trending News
સ્થાનિક સમાચાર

૨૧ જૂનના રોજ સમગ્ર કચ્છમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે

17 June


જિલ્લાકક્ષાનો કાર્યક્રમ ભુજ સ્મૃતિવન ખાતે યોજાશે : તાલુકા કક્ષાએ પણ યોગ દિવસની ઉજવણીથશે : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન અંગે અધિક કલેકટર પ્રણવ વિઠાણીના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

ભુજ - કચ્છઉદય : દર વર્ષે ૨૧ જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કચ્છમાં જિલ્લાકક્ષાની તેમજ તાલુકાકક્ષાની ઉજવણીને લઈને અધિક કલેકટર પ્રોટોક્લ પ્રણવ વીઠાણી અધ્યક્ષતામાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન જિલ્લા તથા તાલુકાકક્ષાની ઉજવણીના આયોજન અને વ્યવસ્થાપન  અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.અધિક કલેકટરે અધિકારીઓને માર્ગદર્શન આપતા જિલ્લા અને તાલુકાકક્ષાના આયોજન અને વ્યવસ્થાપન અંગે વિગતો મેળવીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સિંગલયુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તેમજ કાર્યક્રમ સ્થળ સ્વચ્છતા પર ભાર દેવા ખાસ સૂચના આપી હતી. આ સાથે જિલ્લાકક્ષાના, તાલુકાકક્ષા, મહાનગરપાલિકા તથા નગરપાલિકાના કાર્યક્રમોની તૈયારી અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવીને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ ઉપરાંત, બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, વીજપુરવઠો, યોગાકોચ અને પ્રોટોકોલ મુજબ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે તે અંગે જરૂરી સૂચનો કર્યા હતા. કચ્છ જિલ્લાકક્ષાનો કાર્યક્રમ સ્મૃતિવન ખાતે ભુજ ખાતે યોજવામાં આવશે. જ્યારે નખત્રાણામાં ટી.ડી.વેલાણી હાઈસ્કૂલ, માંડવીમાં જી.એમ.બી.પોર્ટ એરીયા,અંજારમાં મુરલીધર આહિર બોર્ડિંગ, અબડાસામાં આદર્શ કુમાર છાત્રાલય, લખપતમાં પી.એમ.લીંબાણી સ્કૂલ દયાપર, ગાંધીધામમાં રમત-ગમત સંકુલ, મુન્દ્રામાં કોસ્ટ ગાર્ડ સ્ટેશન, ભચાઉમાં પટેલ બોર્ડિંગ અને રાપરમાં સ્વામીનારાયણ ગુરૂકુલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે. આ બેઠક દરમિયાન નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યોગ સંયોજક અને યોગ બોર્ડના પ્રતિનિધિઓ સહિત વિવિધ વિભાગોના સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-------------

Comments

COMMENT / REPLY FROM