Trending News
સ્થાનિક સમાચાર

સરહદી લખપતના મુરચબાણ પંથકમાં બેન્ટોનાઈટ ખનીજની બેફામ ચોરી

17 June



તંત્રની ઘોર ઉદાસીનતા સામે સ્થાનિકોમાં પ્રચંડ રોષ : કીમતી ખનીજ સંપત્તિનું ગેરકાયદેસર નિકંદન કાઢતા ભૂમાફિયાઓ : સરકારી તિજોરીને કરોડો રૂપિયાના ચૂના વચ્ચે સ્થાનિક તંત્રની રહસ્યમય ચુપકીદી : દારૂની જેમ પોઈન્ટ ચાલુ કરીને ગેરકાયદેસર ખનીજ ખનન સામે તંત્રને અંધાપો : તાજેતરમાં બે હીટાચી મશીન અને પાંચથી વધુ ડમ્પરો પકડાયા પછી પણ ખનન ચાલુ : મોટા હપ્તાથી શરૂ કરાયેલો ખનન આ વાતની પૃષ્ટી કરાવે છે 


ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લો પોતાના વિશાળ ભૌગોલિક વિસ્તારની સાથે-સાથે અતિ કીમતી ખનીજ સંપત્તિના ભંડાર માટે પણ સમગ્ર દેશમાં જાણીતો છે. કચ્છના પેટાળમાં રહેલી આ અમૂલ્ય ખનીજ સંપત્તિ કાયદેસર રીતે સરકારને રોયલ્ટીના માધ્યમથી વર્ષે દહાડે કરોડો રૂપિયાની આવક રળી આપે છે. ખાણ અને ખનીજ વિભાગના નિયમોનુસાર જો આ ખનન અને પરિવહન થાય તો તેનાથી સરકારી તિજોરી છલકાય છે અને સ્થાનિક સ્તરે રોજગારીની તકો પણ ઊભી થાય છે. પરંતુ દુર્ભાગ્યે, છેલ્લા કેટલાક સમયથી સરહદી કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરીનું દૂષણ અત્યંત વ્યાપક બન્યું છે. ખાસ કરીને જિલ્લાના છેવાડાના અને સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં ખનીજ માફિયાઓ તંત્રની નજર બહાર, અથવા તો તંત્રની મિલીભગતથી, મોટા પાયે રાષ્ટ્રીય સંપત્તિની લૂંટ ચલાવી રહ્યા છે, જેના કારણે સરકારને કરોડો રૂપિયાના મહેસૂલનું નુકસાન વેઠવું પડી રહ્યું છે.આ સમગ્ર ખનીજ ચોરીના નેટવર્કમાં હાલમાં લખપત તાલુકાનો મુરચબાણ વિસ્તાર સૌથી મોટું કેન્દ્ર બન્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. લખપત તાલુકાના મુરચબાણ પંથકમાં ઉત્કૃષ્ટ ગુણવત્તાવાળું બેન્ટોનાઈટ ખનીજ મળી આવે છે. આ ઉચ્ચ ગુણવત્તાના કારણે ઔદ્યોગિક ક્ષેત્રે, ખાસ કરીને રાસાયણિક પ્રક્રિયાઓ, ફાઉન્ડ્રી અને ડ્રિલિંગ જેવા ઉદ્યોગોમાં આ બેન્ટોનાઈટની માંગ સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ વધારે રહે છે. બજારમાં આ ખનીજની ઊંચી કિંમત અને વ્યાપક માંગને પગલે સ્થાનિક તેમજ બહારના ખનીજ ચોરોની નજર આ વિસ્તાર પર બગડી છે. મુરચબાણ વિસ્તારમાં દિવસ-રાત જોયા વગર બેન્ટોનાઈટ ખનીજની બેફામ ચોરી કરવામાં આવી રહી છે. મોટા-મોટા જેસીબી મશીનો અને હિટાચી જેવા ભારે વાહનો વડે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ ધમધમી રહી છે, અને પરવાનગી વગરના ડમ્પરો દ્વારા આ કીમતી ખનીજ સગેવગે કરવામાં આવી રહ્યું છે.આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે સ્થાનિક પર્યાવરણને તો ભારે નુકસાન થઈ જ રહ્યું છે, પરંતુ તેની સાથે-સાથે સરહદી વિસ્તારના ગ્રામીણ રસ્તાઓ પણ બિસ્માર બની ગયા છે. આ અતિ ગંભીર બાબત અંગે સ્થાનિક ગ્રામજનો અને જાગૃત નાગરિકો દ્વારા અવારનવાર ખાણ-ખનીજ વિભાગ તેમજ સ્થાનીય વહીવટી તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે. ગ્રામજનોએ અનેક વખત પુરાવાઓ સાથે રજૂઆતો કરી છે કે રાત્રિના અંધકારમાં અને વહેલી સવારે મોટા પાયે વાહનો ભરીને બેન્ટોનાઈટ બહાર મોકલવામાં આવે છે. આમ છતાં, જવાબદાર તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કે કડક કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની આ ઘોર ઉદાસીનતા અને નિષ્ક્રિયતાને કારણે ખનીજ ચોરોને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ તેમનો આત્મવિશ્વાસ સાતમા આસમાને પહોંચ્યો છે.સ્થાનિકોમાં હવે એવો ગણગણાટ પણ શરૂ થયો છે કે, સરહદી વિસ્તારમાં ચાલતી આટલી મોટી ગેરકાયદેસર પ્રવૃત્તિ શું ખરેખર અધિકારીઓની જાણ બહાર હોઈ શકે? કે પછી આ સમગ્ર કાળા કારોબારની પાછળ કોઈ મોટા ગજાના આકાઓ અને વહીવટદારો આશીર્વાદ આપી રહ્યા છે? સામાન્ય નાગરિકોનો આક્ષેપ છે કે જ્યારે પણ રજૂઆત કરવામાં આવે છે ત્યારે માત્ર કાગળ પરની ઔપચારિકતા સિવાય કશું જ થતું નથી. જો વહેલી તકે ઉચ્ચ કક્ષાએથી આ બાબતની ગંભીર નોંધ લઈને મુરચબાણ વિસ્તારમાં ચાલતા બેન્ટોનાઈટના ગેરકાયદેસર ખનન પર કડક સકંજો કસવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં સરકારી સંપત્તિનું ધોવાણ ચાલુ રહેશે. 

Comments

COMMENT / REPLY FROM