Trending News
સ્થાનિક સમાચાર

જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ તથા પાણી સમિતિની બેઠકમાં ૯ યોજનાઓને અપાઈ બહાલી

16 June


કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક

ભુજ - કચ્છઉદય :  જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ તથા જિલ્લા પાણી સમિતિની બેઠક કલેકટર અનિલભાઈ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં વાસ્મો દ્વારા તૈયાર કરાયેલ લોકભાગીદારી વાળી કુલ રૂ. ૨૯.૮૪ લાખની માંડવી તાલુકાના પદમપર ગામની ગ્રામ્ય પેયજળ યોજનાને બહાલી આપવામાં આવી હતી તેમજ માંડવી તાલુકાના મોટી રાયણ, કોડાય (મદનપુર) તથા અંજાર તાલુકાના વીરા ગામની નવીન યોજનાઓની ચર્ચા કરવામાં આવી હતી અને તેની જરૂરિયાત યોગ્ય જણાયેલ હોવાથી ગ્રાહ્ય રાખી આ યોજનાઓ મંજૂરી અર્થે ઉચ્ચ કક્ષાએ મોકલવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાત પાણી પુરવઠા કચ્છ વિભાગ દ્વારા રીજુવીનેશન પ્રોગ્રામ ૨૦૨૬-૨૭ હેઠળ તૈયાર કરાયેલ કુલ રૂ. ૧૦૯.૮૫ લાખની વરલી, તા. ભુજ, મદનપર(સુખપર), તા. ભુજ, નાની વિરાણી, તા. માંડવી, મોમયમોરા, તા. માંડવી, જખૌ, તા. અબડાસા, ખેડોઈ, તા. અંજાર, ભલોટ, તા. અંજાર, દેશલપર, તા. મુંદ્રા, મોટી તુંબડી, તા. મુંદ્રા ગામોની કુલ ૯ યોજનાઓને બહાલી આપવામાં આવી હતી.
ગ્રામ્ય કક્ષાએ પાણી વિતરણ વ્યવસ્થાના જર્જરીત બનેલ હોય તેવા ઘટકો જેવા કે ઊંચી ટાંકીઑ કે જેના કારણે અકસ્માત સર્જાવા, જાનહાનિ થવાની સંભાવના રહે છે, તેેની ચર્ચામાં આવી ટાંકીનો સ્ટ્રક્ચર સ્ટેબીલીટી રીપોર્ટ કરી જરૂર જણાયે નિયમોનુસારની પ્રક્રિયા હાથ ધરી આવી ટાંકીઓ તોડી પાડવા સૂચના આપવામાં આવી હતી. વારંવાર પાણીની ફરિયાદો મળતી હોય તેવા ગામોમાં પૂરતા પ્રમાણમાં પાણીના સ્ટોરેજ ન હોવા, પંપ ઓપરેટર - વાલ્વ મેન ન હોવા, ગ્રામ પંચાયત - પાણી સમિતિ નિષ્ક્રિય હોય વગેરે જેવા અનેક કારણો જવાબદાર હોવાથી આવા ગામોમાં વાલ્વ મેનને રાખી, નિયમિત પાણી વેરા વસૂલાત થાય, ગામમાં આંતરિક વિતરણ વ્યવસ્થાના વિખવાદ દૂર થાય તે માટે પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ સંબંધિત તાલુકા વિકાસ અધિકારી દ્વારા સઘન પગલાં ભરવા જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. પાણી ચોરીનો પ્રશ્ન ઉકેલવા ઝુંબેશરૂપે કાર્યવાહી હાથ ધરવા, જરૂર જણાય ત્યાં ગુજરાત પાણી પુરવઠા કચેરીની ટીમ દ્વારા પોલીસ ફરિયાદ કરી પોલીસ સ્ટાફ સાથે રાખી કડક કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. હાલ ઉનાળાની સ્થિતિ હોવાથી તે અંગે ગુજરાત પાણી પુરવઠા કચેરીની ટીમ દ્વારા સચોટ અને પરિણામલક્ષી આયોજન તૈયાર કરવા, જરૂરી ફંડ, સાધનો ઉપલબ્ધ રાખવા, જરૂર મુજબ ટેન્કર દ્વારા પાણી વિતરણ સહિતની કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.
ગામની આંતરિક પાણી વિતરણ યોજનાનું સંચાલન, મરામત અને નિભાવણી કરવાની જવાબદારી સંબંધિત ગ્રામ પંચાયત - પાણી સમિતિની હોઈ પાણી યોજનાઓ માટે નિયમિત વેરા વસૂલાત થાય તેના પર ભાર મૂકવા સૂચના આપવામાં આવી હતી. આ જ રીતે ગામડાઓમાં પણ ઉદ્યોગીકરણને કારણે વસ્તી વધી રહેલ છે જેના કારણે ભવિષ્યમાં પાણીની તંગીના પ્રશ્નો ન ઉદ્દભવે તે માટે ગામડાઓમાં સંબંધિત તાલુકા વિકાસ અધિકારી દ્વારા જરૂરી સર્વે કરી ગુજરાત પાણી પુરવઠા કચેરી સાથે સંકલન સાધી પાણી માટેનું આયોજન કરવાનું રહેશે. ઉપરાંત ભવિષ્યમાં માત્ર નર્મદા પર આધારિત ન રહી સ્થાનિક સોર્સ જેવા કે કૂવા, ચેક ડેમ, તળાવ વગેરે પુનઃ રીચાર્જ કરવા, જરૂર પડ્યે નવા તળાવ, નાના ચેક ડેમ બનાવવા પર ભાર મૂકવા જણાવવામાં આવ્યું હતું.
બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડીયા, ભુજ પ્રાંત અધિકારી એ. બી. જાદવ, વાસ્મો, ભુજના કાર્યપાલક ઈજનેર નિસર્ગ પટેલ, પાણી પુરવઠા ભુજ, નખત્રાણાના કાર્યપાલક ઈજનેર  કે. જે. વાઘેલા, પાણી પુરવઠા દયાપરના નાયબ કાર્યપાલક ઈજનેર, બન્ની પેટા વિભાગ પાણી પુરવઠાના નાયબ કાર્યપાલક ઈજનેર દિવ્ય પરમાર, અંજાર પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેર અને જીડબ્લયુઆઈએલના સીનીયર મેનેજર એમ. એચ. આંતરોલીયા, પાણી પુરવઠા યાંત્રિક કચેરીના કાર્યપાલક ઈજનેર એમ. પી. રાજપૂત, નાયબ વન સંરક્ષક (પૂર્વ) શિવરાજ ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એમ. એન. ભંડેરી, સમાજ કલ્યાણ અધિકારી એસ. એમ. પ્રજાપતિ, માહિતી ખાતાના મદદનીશ જીજ્ઞાબેન વરસાણી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ડી. આઇ. દેસાઇ, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર આર. ડી. ચૌધરી, ડીઆરડીએના નિયામક નિકુંજ પરીખ, ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર ટ્‌વીંકલબેન પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) માધુરીબેન કે. પટેલ, એસપી (પશ્ચિમ) કચેરીના પીઆઇ આઈ. બી. ચૌધરી, વાસ્મોના જિલ્લા કો-ઓર્ડિનેટર ડીમ્પલબેન કે. શાહ, મેનેજર એડમીન હાર્દિક ટી. ધોળકિયા, ડીઆરડીએ એબીએમના જિલ્લા કો-ઓર્ડિનેટર મહેશ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પ્રવર્તમાન પરિસ્થિતિ મુજબ સરકારની સૂચના મુજબ ભુજ તાલુકા સિવાયના પ્રાંત અધિકારીઓ, નગરપાલિકાના મુખ્ય અધિકારીઓે, પીજીવીસીએલ કચેરીના કાર્યપાલક ઈજનેરો, કચ્છ શાખા નહેર, આદિપુરના કાર્યપાલક ઈજનેર વગેરે અધિકારીઓ ઓનલાઈન મધ્યમથી જોડાયા હતા. 
--------

Comments

COMMENT / REPLY FROM