માધાપરમાં રાજ્ય ધોરીમાર્ગ પરના ગેરકાયદેસર દબાણો અને ભારે વાહનોની બેફામ અવરજવરને કારણે સર્જાતા જીવલેણ અકસ્માતો અટકાવવા માંગ
રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના રાષ્ટ્રીય સચિવે કલેક્ટરને કરી રજૂઆત
ભુજ - કચ્છઉદય : માધાપર ગામમાંથી પસાર થતા રાજ્ય ધોરી માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી માર્ગ સલામતીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. માર્ગની બંને બાજુએ થયેલા ગેરકાયદેસર દબાણો, આડેધડ વાહનોનું પાર્કિંગ, રસ્તા પર ઉભી રહેતી નાસ્તાની લારીઓ તેમજ વધતી ટ્રાફિક અવ્યવસ્થાને કારણે નાના-મોટા અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ગાંધી સર્કલથી માધાપર પોલીસ ચોકી સુધીનો માર્ગ, બસ સ્ટેશન વિસ્તાર તથા લોકલ બોર્ડ વિસ્તાર અકસ્માતની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ બન્યો છે. આ વિસ્તારોમાં નાસ્તાની લારીઓ, દુકાનો બહાર મુકાતી ખુરશીઓ, માલસામાન તથા અન્ય અવરોધોના કારણે માર્ગ સાંકડો બની જાય છે, જેના પરિણામે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્રભાઈ ટાંકે કલેક્ટરને રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યા અનુસાર આ માર્ગ પર અગાઉ પણ અનેક દુઃખદ અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. માધાપર પોલીસ ચોકી સામે એક યુવતીએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો, તે પહેલાં ઇન્દ્રવિલા નજીક એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું તથા તાજેતરમાં ગાયત્રી મંદિર રોડ પર એક યુવાન જીવલેણ અકસ્માતનો ભોગ બન્યો છે. આવી સતત બનતી ઘટનાઓથી સમગ્ર વિસ્તારના નાગરિકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને રાહદારીઓ માટે રસ્તો ક્રોસ કરવો કે પગપાળા ચાલવું અત્યંત જોખમી બન્યું છે. જાહેર રજાઓના દિવસો તેમજ સાંજના સમયે ટ્રાફિકનું ભારણ વધતા પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે. આ ઉપરાંત માધાપર ગામની અંદરથી ભારે વાહનો, ટ્રકો અને અન્ય મોટા વાહનોની અવરજવર પણ અકસ્માતોના મુખ્ય કારણોમાંનું એક છે. આવા વાહનોના નિયંત્રણ માટે અસરકારક વ્યવસ્થા કે વૈકલ્પિક રૂટની અમલવારી જોવા મળતી નથી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓના જાનમાલને સતત જોખમ ઊભું થાય છે. સ્થાનિક નાગરિકો દ્વારા વારંવાર ગ્રામ પંચાયત સમક્ષ રજૂઆતો કરવામાં આવે છે છતાં દબાણો દૂર કરવા અથવા ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો લાવવા માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી તેવી જ રીતે માર્ગ અને મકાન વિભાગની પણ માર્ગની નિયત હદમાં થતા દબાણો દૂર કરવાની જવાબદારી હોવા છતાં યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી પરિણામે અકસ્માતોની ઘટનાઓ યથાવત રહી છે, જેથી બાબતે ગંભીરતાપૂર્વક નોંધ લઈ સંબંધિત વિભાગો, ગ્રામ પંચાયત, માર્ગ અને મકાન વિભાગ તથા ટ્રાફિક પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવા જણાવાયું છે. ખાસ કરીને રાજ્ય ધોરી માર્ગની બંને બાજુના તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે, બસ સ્ટેશન, લોકલ બોર્ડ અને અન્ય ભીડભાડવાળા વિસ્તારોમાં ટ્રાફિક નિયમન કડક બનાવવામાં આવે, આડેધડ પાર્કિંગ સામે કાર્યવાહી કરવામાં આવે, ભારે વાહનોની અવરજવર માટે સમયમર્યાદા અથવા વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવે, સ્પીડ બ્રેકર, ઝિબ્રા ક્રોસિંગ, ચેતવણી બોર્ડ અને અન્ય માર્ગ સલામતીના સાધનો સ્થાપિત કરવામાં આવે, નિયમિત ટ્રાફિક પેટ્રોલિંગ અને દેખરેખ વધારવામાં આવે, જાહેર હિત તથા નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખી તાત્કાલિક અસરકારક કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે.
-----------------

Comments