Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં જળસંચયના નામે કરોડોનું ‘ખનીજ કૌભાંડ’

16 June




કરોડોના જળસંચયના કામો તળાવ અને ડેમ માત્ર ખનીજવાળી જમીનો પર જ કેમ મંજૂર થાય છે? : કચ્છના પ્રબુદ્ધ નાગરિકોનો વેદક સવાલ 


અબડાસાના  ખીરસરા વિઝાણ ગામે બેન્ટોનાઇટ ચોરીની નવી ‘સફેદ મોડસ ઓપરેન્ડી’નો પર્દાફાશ : સરકારી રોયલ્ટીના ઓથા હેઠળ દસ ગણો માલ બારોબાર સગેવગે કરવાનું ઉપરથી નીચે સુધીનું મિલીભગતનું મોટું નેટવર્ક સક્રિય : અમુક ગામોમાં સાથરી જમીન બેઠી નથી અને ખનનની મંજુરી કેવી રીતે મળી..? અબડાસા પ્રાત અને કચ્છ કલેકટર તપાસ કરાવશે..?

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં પાણીની અછત અને જળસંચયના પવિત્ર નામે ખનીજ માફિયાઓ દ્વારા આચરવામાં આવી રહેલું કરોડો રૂપિયાનું આયોજનબદ્ધ કૌભાંડ હવે ચર્ચાનો વિષય બન્યું છે. સમગ્ર જિલ્લામાં એક ચોંકાવનારો સવાલ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે કે, કચ્છમાં સરકારી તળાવો અને ડેમ માત્ર એવા જ વિસ્તારો કે ગામોમાં કેમ મંજૂર થાય છે જ્યાં વિપુલ પ્રમાણમાં કિંમતી ખનીજ ભરેલું હોય? જે ગામો ખરેખર પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે પરંતુ ત્યાં જમીનની અંદર કોઈ ખનીજ નથી, તેવા ગામોમાં તળાવો કે ડેમ મંજૂર કરાવવા માટે વર્ષો સુધી ધક્કા ખાવા પડે છે, જ્યારે ખનીજથી સમૃદ્ધ જમીનો પર રાતોરાત તળાવ ખોદવાની મંજૂરીઓ મળી જાય છે. આ કોઈ સંયોગ નથી, પરંતુ ખનીજ માફિયાઓ દ્વારા જનતા અને સરકારની આંખોમાં ધૂળ નાખીને આચરવામાં આવી રહેલી ખનીજ ચોરીની એક અત્યંત ચાલાકીભરી ‘સફેદ મોડસ ઓપરેન્ડી’ છે. પવન ચકકી કે અન્ય કોઈ કામ ખાનગી કે સરકારી કામ થતા હોય તો ખાણ ખનીજ એનઓસી લેવામાં આવે છે કે નીચ ખનીજ નથી તો પછી તળાવમાં આ  ઓનઓસી નહી લેવામાં આવતી હશે..? કે પછી અન્ય કોઈ કારણ હશે..?
આ સમગ્ર કૌભાંડની શૈલી સમજવા જેવી છે. ખનીજ માફિયાઓ તંત્ર સાથે મિલીભગત કરીને જે તે ગામમાં તળાવ કે ડેમ ઊંડો કરવાનો અથવા નવો બનાવવાનો પ્રસ્તાવ પાસ કરાવી લે છે. એકવાર તળાવ મંજૂર થઈ જાય એટલે નિયમ મુજબ ખનીજ ખોદવાની અને તેના પરિવહનની સરકારી રોયલ્ટી મળી જાય છે. આ રોયલ્ટી મળવાને કારણે કાયદાકીય રીતે કોઈ તેમને નડી શકતું નથી. પરંતુ આ રોયલ્ટી તો માત્ર દેખાડવા પૂરતી હોય છે. વાસ્તવિકતા એ છે કે ડેમ કે તળાવના નામે જેટલા ટન માલની સત્તાવાર રોયલ્ટી ચૂકવવામાં આવે છે, તેનાથી દસ ગણો કિંમતી માલ કોઈપણ જાતની પરવાનગી વગર બારોબાર કાઢીને ગેરકાયદેસર રીતે વહન કરી વેચી મારવામાં આવે છે. સૌથી ગંભીર બાબત એ છે કે, ડેમ મંજૂર કર્યા પછી તંત્ર દ્વારા ક્યારેય એ માપણી કરવામાં આવતી નથી કે સ્થળ પરથી કેટલા ટન માલ કાઢવામાં આવ્યો અને કેટલી રોયલ્ટી ચૂકવાઈ. કેટલું ઉવર બરડન હતો તે ક્યાં છે. આ ખુલ્લેઆમ થતી લૂંટમાં ઉપરથી નીચે સુધીના અધિકારીઓની મિલીભગત અને આશીર્વાદ હોવાના કારણે કરોડો રૂપિયાનું કૌભાંડ બેરોકટોક ચાલી રહ્યું છે.તાજેતરમાં જ લખપત - અબડાસા  અને માંડવી તાલુકાના કેટલાક ગામોમાં જળસ્ત્રાવ,  સિંચાઈ, તળાવ, ડેમો સહિત અનેક યોજનાઓના નામે ખનીજનું ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે. તો બીજી તરફ અબડાસાના ખીરસરા વિઝાણ ગામે આ જ પેંતરા હેઠળ બેન્ટોનાઇટ ખનીજની ચોરી કરવા માટે તળાવો મંજૂર કરાવી લેવાયા હોવાનો પર્દાફાશ થયો છે. કેટલાક ગામોમાં સાથરીની જમીન બેડેલી નથી તો ત્યાં તળાવ પાસ થઈ ગયા..? તે કેવી રીતે..? તેની પણ તપાસ થાય તેવી લોકા ઈચ્છી રહ્યા છે.  આવા અનેક ગામોમાં પાણી સંગ્રહ કરવાનો હેતુ ગૌણ છે અને જમીનના પેટાળમાં રહેલું કિંમતી બેન્ટોનાઇટ ખનીજ બારોબાર સગેવગે કરવાનો ઈરાદો મુખ્ય છે. આટલું જ નહીં, હજુ પણ આવી અનેક શંકાસ્પદ ફાઈલો મંજૂરી મેળવવા માટે લાઈનમાં પડી હોવાની આધારભૂત વિગતો મળી રહી છે. આ ખનીજ માફિયાઓ એટલા ચાલાક છે કે તેઓ જમીનના કાગળોમાં પણ ગેરરીતિ આચરે છે. ખનીજવાળી સરકારી જમીન કે ગૌચરની જમીન પચાવી પાડવા માટે ૭/૧૨ ના દસ્તાવેજો કોઈ અન્ય જગ્યાના બતાવીને, મંજૂરી કોઈ બીજી જ ખનીજ સમૃદ્ધ જગ્યા પર મેળવી લેવામાં આવતી હોવાની પ્રબળ આશંકાઓ સેવાઈ રહી છે. આવા સંજોગોમાં જે તે ગામના જાગૃત નાગરિકોએ આગળ આવીને પોતાના ગામની ગૌચર જમીન બચાવવા અને આવા બોગસ કામો પર કડક નજર રાખવી અનિવાર્ય બની ગઈ છે. જો તંત્ર ખરેખર પ્રમાણિક હોય તો આ લૂંટ રોકી શકાય તેમ છે. આવા ડેમ કે તળાવમાંથી નીકળતા કિંમતી ખનીજ પર સરકારી તંત્રએ પોતાની બાજ નજર રાખવી જોઈએ અને આ ખનીજ માફિયાઓને પધરાવી દેવાને બદલે સરકાર હસ્તક લઈને તેની ખુલ્લી હરાજી કરવી જોઈએ. કચ્છના જાગૃત નાગરિકો વધુમાં જણાવે છે કે, જો તળાવમાંથી નીકળતા તમામ ખનીજનું વેચાણ સરકારી હરાજી દ્વારા કરવામાં આવે તો ખનીજ ચોરીનો આ નવો કિમીયો કાયમ માટે બંધ થઈ જાય અને સરકારની તિજોરીમાં કરોડો રૂપિયાની કાયદેસરની આવકનો ઉમેરો થાય. હવે જોવાનું એ રહે છે કે અબડાસા સહિત સમગ્ર કચ્છમાં ચાલી રહેલી જળસંચયના નામે આ ખનીજ લૂંટ સામે ઉચ્ચ વહીવટી તંત્ર કડક હાથ કામ લે છે કે પછી માફિયાઓ સાથેની આ કથિત મિલીભગત આમ જ ચાલુ રહેશે.


.......

Comments

COMMENT / REPLY FROM