Trending News
સ્થાનિક સમાચાર

મેહુલપાર્ક કોલોનીમાં હડકાયેલી ગાયને પકડી પાંજરાપોળમાં મોકલાવાઈ

15 June


રહેવાસીઓએ વ્યક્ત કર્યો આભાર

ભુજ-કચ્છઉદય : ભુજ-મુંદરા રોડ સ્થિત મેહુલપાર્ક કોલોની, વોર્ડ નં. ૧૧ વિસ્તારમાં હડકાયેલી ગાય ફરી વળતાં સ્થાનિક રહેવાસીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ગાય આક્રમક બની રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ તરફ દોડી રહી હતી તેમજ લોકોને કરડવાનો પ્રયાસ કરતી હોવાનું સામે આવતાં વિસ્તારમાં ભયની લાગણી ફેલાઈ હતી.આ અંગેની જાણ કષ્ટભંજન હનુમાનજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ મયુરસિંહ જાડેજા દ્વારા વોર્ડ નં. ૧૧ના કાઉન્સિલર ગીતાબેન અલ્પેશભાઈ પટેલને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ ગીતાબેન પટેલ તથા અલ્પેશભાઈ પટેલે મામલાની ગંભીરતા સમજી તાત્કાલિક જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. નાગરિકોની સલામતીને પ્રાથમિકતા આપતાં સંબંધિત ટીમનો સંપર્ક કરી હડકાયેલી ગાયને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ટીમે સમયસર પહોંચીને ગાયને સુરક્ષિત રીતે પકડી પાડી હતી અને ત્યારબાદ તેને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવી હતી. જેના કારણે વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો અને રહેવાસીઓએ રાહત અનુભવી હતી.સ્થાનિકોએ જણાવ્યું હતું કે ગાયની આક્રમક હરકતોને કારણે બાળકો, વૃદ્ધો અને રાહદારીઓ માટે જોખમ ઊભું થયું હતું, પરંતુ સમયસર કરવામાં આવેલી કામગીરીથી સંભવિત અકસ્માત કે જાનહાનિ ટળી હતી. રહેવાસીઓએ કાઉન્સિલર ગીતાબેન અલ્પેશભાઈ પટેલ, અલ્પેશભાઈ પટેલ અને માહિતી આપનાર મયુરસિંહ જાડેજાનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે જનહિતના પ્રશ્ને ઝડપી પ્રતિસાદ આપવો પ્રશંસનીય બાબત છે. વોર્ડ નં. ૧૧માં બનેલી આ ઘટનાએ રખડતા અને બીમાર પશુઓના પ્રશ્ને સાવચેતી રાખવાની જરૂરિયાત તરફ પણ ધ્યાન દોર્યું છે. સ્થાનિકોના મતે સમયસર લેવાયેલા પગલાંના કારણે વિસ્તારના લોકોની સુરક્ષા સુનિશ્ચિત બની શકી છે. 
--------

Comments

COMMENT / REPLY FROM