ગળપાદરમાં પૂર્વ કચ્છ એલસીબીનો દરોડો : ૭.૭૬ લાખનો વિદેશી દારૂ અને કાર કબજે
ગાંધીધામ : પૂર્વ કચ્છ જિલ્લામાં દારૂ, જુગાર અને નશીલા પદાર્થોની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત પૂર્વ કચ્છ એલસીબીએ ગળપાદર વિસ્તારમાં સફળ કાર્યવાહી કરી ૭.૭૬ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના મુજબ પૂર્વ કચ્છ એલસીબીના પીઆઈ જે.એમ. વાળાના નેતૃત્વ હેઠળ એલસીબીની ટીમ ગાંધીધામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ગળપાદર ગામે ગુરુકૃપા સોસાયટી પાછળ શંકાસ્પદ સીયાઝ કારની હિલચાલ જોવા મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી.પોલીસની હાજરીનો અણસાર મળતા કારચાલક વાહન સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો. બાદમાં પોલીસે કારની તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૭૫૦ મિલીની ૨૫૧ શીલબંધ બોટલો મળી આવી હતી, જેની કિંમત૩,૭૬,૨૪૯ હોવાનું સામે આવ્યું છે.પોલીસે દારૂના જથ્થા ઉપરાંત ૪ લાખ કિંમતની સીયાઝ કાર (નં. RJ-19-CH-1969) પણ કબજે કરી કુલ ૭,૭૬,૨૪૯નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ અંગે અજાણ્યા આરોપી સામે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧ અને ૯૮(૨) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ ફરાર આરોપીની શોધખોળ કરી રહી છે.
....

Comments