Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ફરી ધરા ધ્રૂજીઃ ભચાઉ નજીક ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

15 June



ચાર દિવસમાં બીજી વખત ભૂગર્ભીય હલચલ : પૂર્વ કચ્છના કકરવા ગામ નજીક જમીનથી ૨૧.૩ કિલોમીટરની ઊંડાઈએ કેન્દ્રબિંદુ નોંધાયું 


ભુજ - કચ્છઉદય : કચ્છની ભૌગોલિક સ્થિતિ હંમેશાંથી ભૂકંપના દ્રષ્ટિકોણથી સંવેદનશીલ રહી છે, ત્યારે સરહદી જિલ્લા કચ્છની ધરામાં ફરી એકવાર કંપન અનુભવાતાં સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આજે સવારના સમયે પૂર્વ કચ્છના ભચાઉ પંથકમાં ભૂકંપનો એક આંચકો નોંધાયો હતો, જેને પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે આ આંચકાની તીવ્રતા ઓછી હોવાના કારણે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ વારંવાર ધ્રૂજતી ધરાને લીધે લોકોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે.ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના સત્તાવાર અહેવાલ અનુસાર, આજે સવારે ૮ઃ૩૨ કલાકે કચ્છના ભચાઉથી ઉત્તર-પૂર્વ દિશાએ આશરે ૨૫ કિલોમીટર દૂર આવેલા કકરવા ગામ નજીક આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૨.૯ ની માપવામાં આવી હતી. ભૂકંપશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનની અંદર ૨૧.૩ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું, જેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય ધ્રુજારીનો અનુભવ થયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ હજુ ચાર દિવસ પહેલા એટલે કે ચાલુ મહિનાની ૧૨મી તારીખે પણ પૂર્વ કચ્છનો આ જ પંથક ધ્રૂજ્યો હતો. ૧૨મી તારીખે વહેલી સવારે ૦૨ઃ૪૦ કલાકે પૂર્વ કચ્છના દુધઈથી ૨૪ કિલોમીટર દૂર ૨.૫ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આમ, માત્ર ચાર દિવસના ટૂંકા ગાળામાં પૂર્વ કચ્છમાં બે-બે વખત હળવા આંચકા નોંધાતા સિસ્મોલોજી વિભાગ પણ આ વિસ્તાર પર સતત નજર રાખી રહ્યું છે. જોકે નિષ્ણાતોના મતે ફોલ્ટ લાઇન સક્રિય હોવાને કારણે આવા નાના આંચકા આવવા સ્વાભાવિક છે અને તેનાથી ગભરાવાની કોઈ જરૂર નથી.


 

Comments

COMMENT / REPLY FROM