માધાપરમાં બટુક ભોજન બાદ ૩૦થી વધુ બાળકોને ફુડ પોઈઝનની અસર
સાંજે ભોજન ગ્રહણ કર્યા બાદ રાત્રે બાળકોની તબિયત ખરાબ થતા માવતરો હોસ્પિટલ દોડયા : રર જેટલા બાળકોને જી.કે. જનરલમાં જયારે અન્યને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા : આરોગ્ય વિભાગે ગામમાં અસરગ્રસ્તો શોધવા સર્વે શરૂ કર્યો : બહારથી મંગાવેલા દહીંની છાસ બનાવતા તબીયત ખરાબ થઈ હોવાનું પ્રાથમિક તારણ
ભુજ - કચ્છઉદય : આજે અધિક માસની પૂર્ણાહૂતિ થઈ છે. આ પૂર્વે ગઈકાલે ભુજ તાલુકાના માધાપર ગામે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૦થી વધુ બાળકોને ફુડ પોઈઝનની અસર થતા માવતરોમાં ચિંતા ફેલાઈ છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે છેલ્લા આઠ વર્ષથી બટુક ભોજનના આયોજન કરવામાં આવે છે. આજ દિવસ સુધી આવો બનાવ બન્યો નથી. ગઈકાલે તમામ વસ્તુઓ ઘરે બનાવી હતી પરંતુ છાસ માટે દહીં બહારથી મંગાવ્યું હતું. એશ્વર્યાનગર પાસે આવેલ ડેરીમાંથી દહીં મંગાવ્યું હતું. જેની છાસ બનાવીને બાળકોને અપાઈ હતી. છાસના કારણે તબીયત બગડી હોવાનું સામે આવ્યું છે.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ માધાપર નવાવાસમાં આવેલ ઐર્શ્વયાનગરમાં આ બનાવ બન્યો હતો. ગઈકાલે સાંજે અહીં બટુક ભોજનનું આયોજન કરાયું હતું. સેવ, બુંદી, છાશ, દાળ-ભાત જમ્યા બાદ બાળકો ઘરે પહોંચ્યા અને રાત્રે તબિયત બગડવાનું શરૂ થયું હતું. બાળકોને એકાએક ઉલ્ટી, ઉબકા શરૂ થયા હતા. શરૂઆતમાં માવતરોને સામાન્ય ઘટના લાગી પરંતુ જયારે આજુબાજુમાં રહેતા તમામ બાળકોને એક સાથે ઉલ્ટી ઉબકા શરૂ થતા માવતરો ચિંતામાં મુકાયા હતા. તાત્કાલિક રાત્રે બધા જાગ્યા અને બાળકોને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં રાત્રે એક વાગ્યે દાખલ કરવામાં આવ્યા હતા. જી.કે.માં રર જેટલા બાળકોને દાખલ કરવામાં આવ્યા છે. જે તમામની ઉંમર ૩ થી ૧૩ વર્ષની છે. અન્ય બાળકોને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હોવાનું પણ સામે આવી રહ્યું છે. બનાવને પગલે માવતરો ચિંતામાં માધાપરમાં બટુકમુકાઈ ગયા છે. હાલ બાળકોને જી.કે. જનરલ હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગમાં રાખવામાં આવ્યા છે અને બાળકો સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની ગંભીરતાને પગલે હોસ્પિટલમાંથી આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી સવારથી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને આસપાસના આરોગ્ય કેન્દ્રમાંથી ટીમો બોલાવીને અસરગ્રસ્ત વિસ્તારમાં ઘરે ઘરે સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જેમાં અસર ગ્રસ્ત બાળકોને શોધવા સાથે તકલીફ જણાય તો સારવાર કરવામાં આવી રહી છે. તેમજ ફૂડ વિભાગની ટીમે જે જગ્યાએથી દહીં લીધું હતું તે ડેરીમાંથી નમૂના લીધા હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલમાં હાજર વાલીઓએ છાસના કારણે બાળકોની તબીયત ખરાબ થઈ હોવાનું એકી સૂરે જણાવ્યું હતું. આ ઘટનાએ સમગ્ર માધાપર પંથકમાં વાલીઓમાં ઉચ્ચાટ ફેલાવ્યો છે.
.........
ફુડ વિભાગની કામગીરી માત્ર ફોટો સેશન પુરતી સીમીત
ઉનાળાની ઋતુમાં ખોરાક જલ્દી ખરાબ થઈ જાય છે. તેમજ ચીજવસ્તુની ગુણવત્તા પણ હલકી કક્ષાની હોવાથી સ્વાસ્થ્ય પર સીધી અસર પડે છે. બે મહિનામાં લોડાઈ અને માધાપરમાં સામે આવેલી ફુડ પોઈઝનની ઘટના ફુડ વિભાગની નિષ્ફળતાનું પરિણામ છે. જાણકારોના કહેવા પ્રમાણે ફુડ વિભાગ માત્ર તહેવારો આવે ત્યારે મીઠાઈ લેવામાં જ વધારે રસ દાખવે છે. જે નમુનાના સેમ્પલ લેવાય તેના રીપોર્ટ ચાર મહિના પછી અને રીપોર્ટ પણ એવા લેવાય કે જે પાસ થવાના જ હોય. અનહાઈઝેનીક ફુડમાં ત્વરીત કાર્યવાહી થઈ હોય તેવો ભુજ ફુડ વિભાગનો કોઈ કિસ્સો નથી. અમદાવાદ હોય કે રાજકોટ. અવારનવાર ફુડનું ચેકીંગ થાય અને ત્વરીત પગલા લેવાય પરંતુ અહીં તો ચાર મહિના પછી રીપોર્ટ આવે છે. જમવાનું તો ચાર કલાકમાં જ હજમ થઈ જાય છે ત્યારે ફુડ વિભાગની કામગીરી માત્ર ફોટો સેશન પુરતી સીમીત બની રહી છે. ફુડ વિભાગના ઉપરી અધિકારી તરીકે કલેકટર છે ત્યારે કલેકટર કક્ષાએથી કેવા પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.
........
બે મહિના પહેલા લોડાઈમાં પણ પાણીપુરીએ ૧૦૦ લોકોને કર્યા હતા બિમાર
આજથી બે મહિના પહેલા ભુજ તાલુકાના લોડાઈ ગામે પણ ફુડ પોઈઝનની ઘટના સામે આવી હતી. જેમાં ગામના લોકોએ એક જ જગ્યાએથી પાણીપુરી ખાધી હતી. તે બાદ ઝાડા - ઉલ્ટી શરૂ થતા અસરગ્રસ્તોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જોત જોતામાં ૧૦૦થી વધુ લોકોને હોસ્પિટલના ખાટલામાં દાખલ થવાની ફરજ પડી હતી. આ ઘટનાએ લોડાઈની યાદ તાજી કરી હતી.
............

Comments