ગઢશીશા સમીપે વાંઢપટ્ટા માં અમુક ખનીજ માફીયાઓ બેફામ : ફલાઈંગસ્કવોર્ડની લાલઆંખ- હવે ખાણખનિજ વિભાગ ત્રાટકશે?
ભુજના બે લીઝ ધારકોએ કરાર ખતથી ચલાવવા રાખેલી ખાણમાં ઉંડાણમાં નીચે ઉતરવા માટે બનાવાયેલી ચાડી આવી વિવાદમાં : તંત્ર તપાસ કરે કે, આ ચાડી લીઝમાં છે કે પછી સરકારી ખરાબામાં બનાવ દેવાઈ છે? કોની મંજુરીથી બનાવી છે? આવી મંજુરી આપી શકાય ખરી? ચાડી બનાવવા જે ખોદાણ થયુ હશે તેમાંથી નીકળેલ ખનીજ કયાં ઠલવાયું? કોને જાણ કરીને આ ખનીજની હેરફેર કરેલી છે? ઓવરબર્ડન કેટલુ ઉસેડી લેવાયુ બારોબાર? : બાજુમાં નાના તળવાનું પુરાણ કરી માલ કોની પરવાનગીથી ઠલવાઈ રહ્યો છે? અનેક સવાલો આવ્યા સપાટી પર..! :
કચ્છ કલેકટરશ્રી અનિલ રાણવસીયા પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગને આપે ઉંડી તપાસ કરી કડક કાર્યવાહીની સ્પષ્ટ સુચના
મૌખિક બાતમીના આધારે ટીમને મોકલી આપી હતી, અમારા કાર્યક્ષેત્ર અનુસાર તપાસ કરાઈ હતી તે વખતે લિજમાંથી જ ખોદાણ જણાયુ હતુ, ઉપરાંત પણ સરકારી જમીનમા ખોદાણ સંદર્ભે ફરીથી તપાસ કરાવીશું : શ્રી મેહુલ શાહ (ફલાઈંક સ્કવોડ ખાણખનિજ વિભાગ કચ્છ)
ભુજઃ કચ્છના ગઢશીસા વિસ્તાર પાસે આવેલા વાંઢ પટ્ટામાં છેલ્લા કેટલાક સમયથી અમુક ખનીજ ચોરો અને માફિયાઓ દ્વારા બેફામ રીતે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. લીઝ મંજૂર થઈ હોય તેના સિવાયની બહારની સરકારી જમીનમાંથી ખનન કરવું તેમજ બહારથી બેન્ટોનાઈટ સહિતના કિંમતી ખનીજોનો જથ્થો લાવીને અહીં ઠાલવવો અને તેની ગેરકાયદેસર હેરફેર કરવાની પ્રવૃત્તિઓ દિન-પ્રતિદિન વધી રહી છે. આ મામલે ક્યારેક સ્થાનિક પોલીસ, ક્યારેક એલ.સી.બી. તો ક્યારેક કચ્છની ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ આવીને ખનીજ ચોરો સામે લાલ આંખ કરી રહી છે.દરમ્યાન જ ચર્ચાતી વિગતો અનુસાર બે દિવસ પહેલાં જ વાંઢ વિસ્તારના સર્વે નંબર ૪૧૮ ના વિશાળ પટ્ટામાં આવેલી સરકારી જમીન અને ખરાબામાં મોટા પાયે ગેરકાયદેસર ખોદકામ થતું હોવાની રજૂઆત મળતાં, ફ્લાઈંગ સ્ક્વોડના ડેપ્યુટી ડાયરેક્ટરશ્રિ મેહુલ શાહ દ્વરા તાત્કાલિક ધોરણે પોતાની ટીમને સ્થળ તપાસ માટે મોકલી આપી હતી. જો કે, પ્રાથમિક તપાસ દરમિયાન આ ખોદકામ મંજૂર થયેલી લીઝ વિસ્તારની અંદર જ હોવાનું જણાવાતા તે સમયે આગળની કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી.સ્થાનિક સૂત્રો અને જાણકારોના જણાવ્યા અનુસાર, અહીં મૂળ લીઝ ધારક કોઈ અન્ય વ્યક્તિ છે,
પરંતુ કરારના (કોન્ટ્રેક્ટ) આધારે ભુજના બે મોટા ગજાના આસામીઓ આ લીઝ પર મોટા પ્રમાણમાં ખનન કાર્ય કરી રહ્યા છે. આ ખનીજ ચોરોએ નિયમોને નેવે મૂકીને જમીનમાં એટલા ઊંડા ખાડા પાડી દીધા છે કે વાહનો નીચે લઈ જવા માટે તેઓએ સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર રીતે ‘ચાડી’ (રસ્તો) બનાવી દીધી છે.આ બાબતે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે, ચાડી બનાવવા માટે અને નીચે ઉતરવા માટે જે મોટો ખાડો ખોદવામાં આવ્યો, તે સરકારી ખરાબાની જમીનનો માલ-માટી (ઓવરબર્ડન) આ પાર્ટીએ ક્યાં ઠાલવ્યો?લીઝ મંજૂરી સિવાયની બહારની જમીનમાંથી નીકળેલો આ કિંમતી જથ્થો ક્યાં
પહોંચાડવામાં આવ્યો? આ રહસ્ય પરથી હજુ પડદો ઊંચકાયો નથી.આ લીઝની બિલકુલ બાજુમાં આવેલું એક નાનકડું કુદરતી તળાવ પણ આ ખનીજના વેસ્ટ અને માટીના કારણે પુરાઈ ગયું છે, ત્યાં પણ ગેરકાયદેસર રીતે જથ્થો ખાલી કરાયો હોવાની ચર્ચા છે.સ્થાનિક જનતામાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે જ્યારે ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે સ્થળ પર તપાસ કરી, ત્યારે તેમને આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કે સરકારી જમીન પર કરાયેલા દબાણનો અંદાજ કેમ ન આવ્યો? જો આ બાબત તેમના કાર્યક્ષેત્રમાં ન આવતી હોય, તો તેઓએ પશ્ચિમ કચ્છ ખાણ-ખનીજ વિભાગની સ્થાનિક ટીમને તાત્કાલિક બોલાવીને સંયુક્ત તપાસ કરવી જોઈતી હતી. લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ, સરકારી હિતમાં જો કોઈ પણ ગેરરીતિ થઈ હોય તો આ લીઝને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા સુધીની કડક કાર્યવાહી થવી જોઈએ, અન્યથા વાંઢ વિસ્તારમાં બહારથી ઉતરી આવેલા તત્વો આ જ રીતે આડેધડ ખનીજ ચોરી કરીને પર્યાવરણ અને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા રહેશે.આ સમગ્ર મામલે ફ્લાઈંગ સ્ક્વોડના ઉચ્ચ અધિકારી શ્રી મેહુલ શાહની સાથે વાતચીત કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, અમને આ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન અંગેની મૌખિક રજુઆત મળી હતી, જેના આધારે અમારી ટીમે સ્થળ પર જઈ તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં ખોદકામ લીઝ એરિયાની અંદર જ જોવા મળ્યું છે અને હાલ કોઈ લેખિત કે મૌખિક નવી ફરિયાદ મળી નથી. તેમ છતાં, આસપાસના વિસ્તારોની સ્થિતિ અને તથ્યોને ધ્યાને રાખીને આગામી દિવસોમાં વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવશે.
.........
ખનીજચોરીકાંડ સામે ઉઠતા વેધક સવાલો?
૧. સરકારી જમીનનો માલ ક્યાં ગયો?ઃ ચાડી (રસ્તો) બનાવવા અને ઊંડાણવાળો ખાડો ખોદવા માટે સરકારી ખરાબાની જે માટી-માલ (ઓવરબર્ડન) કાઢવામાં આવ્યો, તે આખરે કઈ જગ્યાએ ઠાલવવામાં આવ્યો? તેનો હિસાબ કોની પાસે છે? ર. તળાવ પૂરી દેવા પાછળ કોનો હાથ?ઃ લીઝની બિલકુલ બાજુમાં આવેલું કુદરતી નાનકડું તળાવ કિંમતી ખનીજના વેસ્ટ અને માટીથી કેમ પૂરી દેવાયું? પર્યાવરણને નુકસાન કરનારા આ તત્વો સામે કેમ
પગલાં નથી લેવાયા? ૩. તપાસ ટીમ અંધારામાં કેમ રહી?ઃ ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે જ્યારે સ્થળ પર રૂબરૂ તપાસ કરી, ત્યારે તેમને સરકારી જમીન પર થયેલું આ ગેરકાયદેસર ખનન અને મોટું દબાણ કેમ નજરે ન પડ્યું? ૪. મૂળ લીઝ ધારક સામે કાર્યવાહી ક્યારે?ઃ ભુજના બે આસામીઓ કરારના નામે નિયમો ધજાગરા ઉડાવી રહ્યા છે, તો મૂળ લીઝ ધારક સામે ખાણ-ખનીજ વિભાગ ક્યારે કડક હાથ કરશે? પ. શું આ લીઝ સસ્પેન્ડ થશે?ઃ સરકારી તિજોરી અને કુદરતી સંપત્તિને બેફામ નુકસાન પહોંચાડતી આ લીઝને કાયમી ધોરણે સસ્પેન્ડ કરીને વહીવટી તંત્ર દાખલો બેસાડશે ખરું?
..........
ખનીજ-મહેસુલ-જીપીસીબી-પોલીસ કેમ
ન આદરે નીચે મુજબની કડક તપાસ..!
ગાંધીધામ : ખનીજ ચોરી, સરકારી જમીન પર દબાણ અને પર્યાવરણને નુકસાન થવાના આવા કિસ્સાઓમાં સરકારના વિવિધ વિભાગોની કાયદાકીય અને નીતિવિષયક જવાબદારીઓ નક્કી થયેલી હોય છે. આ કેસના સંદર્ભમાં કયા વિભાગની શું મુખ્ય ભૂમિકા અને જવાબદારી બને છે, તેનું વિગતવાર સરકારી વિભાગોની નીતિવિષયક જવાબદારીઓ અને કાર્યક્ષેત્રને લગતા સવાલો પણ અહી ઉઠવા પામ્યા છે.
૧. ખાણ અને ખનીજ વિભાગ : લીઝ વિસ્તારની ચકાસણીઃ મંજૂર થયેલી લીઝની સીમાઓ નક્કી કરવી અને તેની બહાર ખનન ન થાય તે જોવું.ઃ ગેરકાયદેસર ખનન પર રોકઃ મંજૂરી વિના થતા બિનઅધિકૃત ખોદકામ સામે દંડકીય અને કાયદાકીય કડક પગલાં લેવા. : લીઝ સસ્પેન્ડ કે રદ કરવીઃ જો નિયમોનો ગંભીર ભંગ કે કરારના નામે આડેધડ ખનન થતું માલૂમ પડે, તો લીઝ સસ્પેન્ડ કે બ્લેકલિસ્ટ કરવાની સત્તા. ર. મહેસુલ વિભાગ
( મામલતદાર / કલેક્ટર) : સરકારી ખરાબાનું રક્ષણઃ સરકારી જમીન, ગૌચર કે ખરાબાની જગ્યા પર થતા કોઈપણ પ્રકારના ગેરકાયદેસર દબાણ કે રસ્તા (ચાડી)ના બાંધકામને અટકાવવું. : જમીનની માપણીઃ ફ્લાઈંગ સ્ક્વોડ કે ખાણ ખનીજ વિભાગ સાથે મળીને સરકારી સર્વે નંબર (જેમ કે સર્વે નં. ૪૧૮) ની ચોક્કસ માપણી કરાવી દબાણ ખુલ્લું કરાવવું. : લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનોઃ સરકારી જમીન પચાવી પાડનાર કે તેનો વ્યવસાયિક ઉપયોગ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવો. ૩. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર્યાવરણીય મંજૂરી : ખનન પ્રવૃત્તિ માટે આપેલી ‘એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ‘ ના નિયમોનું પાલન થાય છે કે નહીં તે તપાસવું. : કુદરતી સ્ત્રોતોનું રક્ષણઃ લીઝના કારણે આસપાસના પાણીના કુદરતી સ્ત્રોતો (જેમ કે બંધ પડેલું તળાવ) પુરાઈ ન જાય કે પ્રદૂષિત ન થાય તે સુનિશ્ચિત કરવું. : ક્લોઝર નોટિસઃ પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડવા બદલ ખાણકામ તાત્કાલિક બંધ કરાવવાની અને દંડ વસૂલવાની સત્તા. ૪. સ્થાનિક પોલીસ અને LCB (Police Department): કાયદો અને વ્યવસ્થાઃ ખનીજ માફિયાઓ દ્વારા થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને રાત્રિ ખનન પર વોચ રાખવી. :
વાહનોની જપ્તીઃ ગેરકાયદેસર ખનીજની હેરફેર કરતા ડમ્પર, જેસીબી કે અન્ય વાહનોને સીઝ કરવા અને ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવો. : ચોરીનો ગુનોઃ સરકારી સંપત્તિની ચોરીના મામલે આઈ.પી.સી. ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી કરવી.
............

Comments