દિલ્હી આગકાંડ બાદ તંત્ર દોડતું થયું : ભુજમાં ૭ એકમો સામે તવાઈઃ ફાયર સેફટીના નિયમોના ધજાગરા : ૩૦ એકમોને તંત્રનું અલ્ટીમેટમ
જિલ્લા સમાહર્તા શ્રી અનિલ રાણાવસીયાની તત્કાળ લાલઆંખ સરાહનીય.!
દેશમાં કયાંય પણ મોટી દુર્ઘટનાઓ થાય ત્યારે જ સફાળું જાગતું કચ્છનું વહીવટી તંત્ર : માત્ર દેખાડો કે કાયમી ઉકેલ?
જન સુરક્ષાને ધ્યાને રાખી હાથ ધરવામાં આવેલી ઝુંબેશમાં ભુજ નગરપાલિકા અને ભાડાની સંયુક્ત ટીમે આપી આખરી ચેતવણી : શહેરના ૩૦ જેટલા જુદા જુદા પ્રીમાઈસીસમાં કરવામાં આવી તપાસ : સ્થિતિમાં સુધારો ન થાય તો સીલીંગ સહિતની કાયદાકીય કાર્યવાહીની ચીમકી
ભુજ - કચ્છઉદય : ભુજ શહેરમાં કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર જનતાની સુરક્ષાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા એક મોટી સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં બિનઅધિકૃત બેઝમેન્ટ એટલે કે ભોંયરાનો વપરાશ અને ફાયર સેફ્ટીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા તત્વો સામે ભુજ નગરપાલિકાના ફાયર વિભાગ તેમજ ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ (ભાડા)ના અધિકારીઓ અને કર્મચારીઓની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક સ્થળ તપાસ કરવામાં આવી રહી છે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર ભુજ શહેરમાં ૩૦ જેટલા પ્રીમાઈસીસની ચકાસણી કરવામાં આવી હતી. જે પૈકી સાત સ્થળો પર નિયમોનું ઉલ્લંઘન સામે આવ્યું હતું. જોકે, આ પ્રકારની કડક તપાસ પાછળનો ભૂતકાળ જોતાં જનતામાં એ સવાલ જરૂર ચર્ચાઈ રહ્યો છે કે આ કામગીરી માત્ર થોડા દિવસોનો જ ચમકારો છે કે પછી કાયમી અમલવારી? દેશમાં જ્યારે પણ કોઈ આગ કે અન્ય કોઈ મોટી દુર્ઘટના બને છે, ત્યારે કચ્છ જિલ્લાનું તંત્ર થોડા દિવસો માટે તપાસ માટે મેદાને ઉતરી પડે છે અને થોડા દિવસો સુધી કડક કાર્યવાહીના નાટક બાદ ફરી પાછી રાબેતા મુજબની સ્થિતિ થઈ જતી હોય છે, તેવો જ ઘાટ આ વખતે પણ સર્જાય તેવી પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે.અધિકારીઓની આ આકસ્મિક તપાસ દરમિયાન મુખ્યત્વે અત્યંત ગંભીર બેદરકારીઓ સામે આવી હતી, જે માનવ જિંદગીઓ સાથે સીધા ચેડાં સમાન છે. જીડીસીઆર ના નિયમો અને મંજૂર થયેલા પ્લાનની વિરુદ્ધ જઈને ભોંયરાનો વાણિજ્યિક કે અન્ય ગેરકાયદેસર હેતુ માટે ધમધમતો ઉપયોગ કરતા અનેક એકમો મળી આવ્યા હતા. એટલું જ નહીં, જાહેર જનતાની સુરક્ષા સામે ગંભીર જોખમ ઊભું થાય તે રીતે, કોઈપણ પ્રકારની પ્રાથમિક કે ફરજિયાત ફાયર ફાઈટિંગ સિસ્ટમ ગોઠવ્યા વિના આ જોખમી એકમો બેખોફ રીતે ચાલી રહ્યા હતા. સૌથી વધુ આઘાતજનક બાબત એ સામે આવી કે, આકસ્મિક આગ કે અન્ય હોનારત સમયે માનવજીવ બચાવવા માટે સૌથી અનિવાર્ય એવી ઇમર્જન્સી એક્ઝિટની કોઈ જ સુવિધા ન રાખનારા અથવા તો આ કટોકટીના રસ્તા પર જ આડેધડ સામાન ભરીને તેને સંપૂર્ણપણે બ્લોક કરી દેનારા ૭ જેટલા વેપારી એકમો આ ચકાસણી દરમિયાન આબાદ ઝડપાઈ ગયા હતા.આ ગંભીર લાપરવાહી સામે સંયુક્ત ટીમ દ્વારા સ્થળ પરના એકમોના સંચાલકો અને માલિકોને કાયદેસરના જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે કડક આદેશ કરાયો છે. આ સાથે જ, નિયમોનું આ ઘોર ઉલ્લંઘન તાકીદે બંધ કરવા માટે સ્થળ પર જ આખરી ચેતવણી આપવામાં આવી છે. તંત્ર દ્વારા એવા સંકેતો આપવામાં આવ્યા છે કે જો આગામી દિવસોમાં આ ક્ષતિઓ સુધારવામાં નહીં આવે, તો સીલિંગ સહિતની કાયદાકીય અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ હવે જોવાનું એ રહે છે કે, ભૂતકાળની જેમ આ વખતે પણ તંત્ર ‘આગ લાગે ત્યારે કૂવો ખોદવા’ જેવી નીતિ અપનાવીને થોડા દિવસોમાં શાંત પડી જશે, કે પછી આ જોખમી એકમો સામે ખરેખર કોઈ દાખલારૂપ અને સીલિંગ જેવી કડક આખરી કાર્યવાહી કરીને ભુજની જનતાને સુરક્ષાનો સાચો અહેસાસ કરાવશે.
..........
કચ્છઉદયના અહેવાલે તંત્રને દોડતું કર્યુ
દિલ્હીની હોસ્પિટલમાં ભયાવહ આગકાંડમાં ર૧ નિદોર્ષ લોકો ભડથું થઈ ગયાની ઘટના બાદ ત્વરિત જ આ પ્લેટફોર્મ પરથી તા.૦૬-૦૬-૨૦૨૬ના પાના...ન.૭ પર...કચ્છ કલેકટરશ્રી તવાઈ બોલાવે, હોસ્પિટલો, રેસ્ટોરેન્ટ, હોટલોમાં ફાયર સેફટી ઓડીટ કેમ ન આદરે, દિલ્હી ઘટનાથી મેળવે બોધપાઠનો ધાર દાર અહેવાલ રજુ કરવામા આવ્યો હતો જે બાદ ત્વરિત ધોરણે ટીમો બનાવી અને જિલ્લાભરમાં ઠેર ઠેરતપાસ હાથ ધરવામા આવી હતી.

Comments