Trending News
સ્થાનિક સમાચાર

સુમરાસર ગામે ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

13 June


સુમરાસર મહિલા મંડળ અને રાધા કૃષ્ણ મંદિર સમિતિના સંયુક્ત ઉપક્રમે આયોજિત જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠ પરથી પપ્પુ મહારાજે વહાવી અમૃતવાણી : કથા શ્રવણ માટે ઉમટ્યો કૃષ્ણ ભક્તોનો મહેરામણ 

ભુજ - કચ્છઉદય : ભુજ તાલુકાના સુમરાસર ગામે હાલ ધર્મભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. સુમરાસર મહિલા મંડળ દ્વારા આયોજિત અને શ્રી રાધા કૃષ્ણ મંદિર સમિતિના સહ આયોજનથી ગામમાં ભવ્ય ‘શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ’નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કથા શ્રવણનો દિવ્ય લહાવો લેવા માટે સમગ્ર ગ્રામજનો સહિત આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી રહ્યા છે, જેના કારણે સમગ્ર પંથકમાં ભારે ઉમંગ, ઉત્સાહ અને પવિત્ર ધાર્મિક વાતાવરણ વ્યાપી ગયું છે.આ પવિત્ર જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠ પર બિરાજીને પ્રખર વક્તા જયેશ હરેશભાઈ જોષી (પપ્પુ મહારાજ) પોતાની આગવી અને મધુર શૈલીમાં શ્રોતાઓને કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે. વ્યાસપીઠ પરથી ભગવાનનું મહાત્મ્ય સમજાવતાં તેમણે જણાવ્યું હતું કે, શ્રી હરિ સર્વની અંદર વ્યાપક છે અને ખાસ કરીને અધિક માસમાં ભગવાનની ભક્તિનું વિશેષ મહત્વ રહેલું હોય છે. ભવ્ય પોથીયાત્રાથી શરૂ થયેલી આ કથા અંતર્ગત જુદા જુદા ધાર્મિક પ્રસંગો અત્યંત ભાવપૂર્વક ઉજવવામાં આવી રહ્યા છે.
કથાના ચોથા દિવસ દરમિયાન વક્તાશ્રીએ ભગવાનના વિવિધ અવતારોની કથાનું સુંદર વર્ણન કરી, શ્રીકૃષ્ણ જન્મ પાછળ રહેલું આધ્યાત્મિક ગૂઢ રહસ્ય સમજાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, જ્યારે જ્યારે પૃથ્વી પર પાપ અને અનાચાર વધે છે, ત્યારે ત્યારે ભક્તોના રક્ષણ અને કલ્યાણ માટે ભગવાન સ્વયં અવતાર ધારણ કરે છે. કથા દરમિયાન જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાયો ત્યારે વાતાવરણ નંદઘેર આનંદ ભયોના નારાથી ગુંજી ઉઠ્યું હતું. બાલકૃષ્ણને અત્યંત ઉમંગભેર ટોપલીમાં બેસાડીને જ્યારે ગામની કૃષ્ણભક્ત મહિલાઓએ કથા મંડપમાં પ્રવેશ કર્યો, ત્યારે સમગ્ર પાંખડ ગોકુળિયું બની ગયું હોય તેવો આબેહૂબ માહોલ સર્જાયો હતો. ગત ૯મી તારીખથી શરૂ થયેલી આ ભાવવાહી ભાગવત કથાની આગામી ૧૫મી જૂના રોજ ભક્તિસભર માહોલમાં પૂર્ણાહુતિ થશે.
------------ 

 

Comments

COMMENT / REPLY FROM