Trending News
સ્થાનિક સમાચાર

પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાના અનોખા અભિગમથી કચ્છની ૫૦ દીકરીઓએ આપશે લોકરક્ષકની પરીક્ષા

13 June


પોલીસ પ્રજાનો મિત્ર


મુક્તિજીવન મહિલા કોલેજ ખાતે ત્રણ મહિના સુધી રહેવા, જમવા, પુસ્તકો અને વાહનની સંપૂર્ણ સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડીને પોલીસ તંત્રે વાલીની ભૂમિકા ભજવી



ભુજ - કચ્છઉદય : ’પોલીસ પ્રજાનો મિત્ર છે’ એ ઉક્તિ માત્ર કાગળ પર કે સ્લોગન પૂરતી સીમિત નથી, પરંતુ જો દિલમાં સંવેદના અને સેવાની ભાવના હોય તો તેને વાસ્તવિકતામાં કેવી રીતે બદલી શકાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસે પૂરું પાડ્યું છે. પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસ વડા (એસપી) વિકાસ સુંડાના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ લેવાયેલા એક અનોખા અને પ્રશંસનીય નિર્ણયને કારણે કચ્છના અંતરિયાળ અને જુદા જુદા તાલુકાઓમાંથી આવેલી આશરે ૫૦ જેટલી દીકરીઓ લોકરક્ષકની લેખિત પરીક્ષામાં કોઈપણ જાતની ચિંતા વગર સામેલ થઈ શકી છે. પોલીસ તંત્ર દ્વારા આ દીકરીઓને માત્ર માર્ગદર્શન જ નહીં, પરંતુ એક વાલીની જેમ આશરો અને તમામ સુવિધાઓ પૂરી પાડીને સફળતાના શિખરો સર કરવા માટે સક્ષમ બનાવવામાં આવી છે.કચ્છ જિલ્લાના વિવિધ ગ્રામ્ય અને પછાત વિસ્તારોમાંથી આવતી આ દીકરીઓએ અગાઉ ભુજ ખાતે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસના સીધા માર્ગદર્શન હેઠળ શારીરિક સજ્જતાની કસોટી એટલે કે ગ્રાઉન્ડ ટેસ્ટ સફળતાપૂર્વક પાસ કરી હતી. દીકરીઓને શારીરિક રીતે સક્ષમ બનાવવા માટે ભુજની મહિલા સી ટીમ દ્વારા વિશેષ તાલીમ પણ આપવામાં આવી હતી. શારીરિક કસોટી પાસ કર્યા બાદ આ દીકરીઓ આર્થિક કે અન્ય સામાજિક કારણોસર લેખિત પરીક્ષાની તૈયારીઓથી વંચિત ન રહી જાય તે માટે એસપી વિકાસ સુંડાએ સંવેદનશીલ અભિગમ અપનાવ્યો હતો. તેમના વિશેષ પ્રયાસોથી ભુજની મુક્તિજીવન મહિલા કોલેજની હોસ્ટેલ ખાતે તમામ ૫૦ દીકરીઓ માટે છેલ્લા ત્રણ મહિનાથી રહેવા તેમજ જમવાની સંપૂર્ણ વ્યવસ્થા મફત કરવામાં આવી હતી.આ આવાસ દરમિયાન જિલ્લા પોલીસ વડા દ્વારા દીકરીઓના અભ્યાસ માટે જરૂરી એવા તમામ પુસ્તકો, વાંચન સામગ્રી અને મટીરીયલની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર સમયગાળા દરમિયાન જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડા અને તેમના પત્નીએ પોતાના પરિવારની દીકરીઓ હોય તે રીતે જ આ તમામ પરીક્ષાર્થીઓની રૂબરૂ મુલાકાત લઈને કાળજી રાખી હતી. હોસ્ટેલમાં રહેતી દીકરીઓને કોઈ પણ પ્રકારની અસુવિધા ન નડે અને તેઓ માત્ર પોતાના અભ્યાસ પર જ ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે આ દંપતીએ અંગત રસ લઈને સતત તકેદારી રાખી હતી, જેને કારણે દીકરીઓમાં પણ એક પારિવારિક હૂંફ અને નવો આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો.અભ્યાસની સઘન તૈયારીઓ પૂર્ણ થયા બાદ રવિવારે રાજકોટ ખાતે લેવાનારી લોકરક્ષકની લેખિત પરીક્ષામાં ભાગ લેવા માટે આ દીકરીઓ શનિવારે ભુજથી રવાના થઈ હતી. પ્રસ્થાન પૂર્વે ભુજની મહિલા કોલેજ ખાતે એક લાગણીસભર અને ઉત્સાહવર્ધક માહોલ જોવા મળ્યો હતો, જ્યાં તમામ દીકરીઓને કુમકુમ તિલક કરીને પરીક્ષામાં ભવ્ય સફળતા મેળવવા માટે વિદાય આપવામાં આવી હતી. ભુજથી રાજકોટ પરીક્ષા કેન્દ્ર સુધી જવા-આવવા માટે પણ જિલ્લા પોલીસ વડા દ્વારા ખાસ બસની સુવિધા કરી આપવામાં આવી હતી. એટલું જ નહીં, રસ્તામાં દીકરીઓને રહેવા, જમવા સહિતની તમામ સુવિધાઓ પોલીસ તંત્ર દ્વારા પોતાના ખર્ચે સુનિશ્ચિત કરવામાં આવી હતી.શનિવારે યોજાયેલા આ વિદાય પ્રસંગે જિલ્લા ટ્રાફિક શાખાના અધિકારી રાજેશભાઈ જોશી સહિત પશ્ચિમ કચ્છ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ અધિકારીઓએ દીકરીઓને પ્રોત્સાહિત કરી હતી અને પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. રવિવારે રાજકોટ ખાતે સફળતાપૂર્વક પરીક્ષા પૂર્ણ કર્યા બાદ તમામ દીકરીઓને તે જ ખાસ બસ દ્વારા સુરક્ષિત રીતે પરત ભુજ લાવવામાં આવશે. પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની આ માનવતાવાદી અને શૈક્ષણિક ક્ષેત્રે લીધેલી અદ્ભુત પહેલની સમગ્ર કચ્છ પંથકમાં અને સોશિયલ મીડિયા પર ચોમેર પ્રશંસા થઈ રહી છે, અને લોકો કહી રહ્યા છે કે ખાખીની અંદર રહેલી આ માનવતા ખરા અર્થમાં પ્રજાની રક્ષક અને મિત્ર સાબિત થઈ છે.
------------ 

Comments

COMMENT / REPLY FROM