૨૦૧૦ પૂર્વે નિયુક્ત ૨૫ લાખ શિક્ષકોના હિતોના સંરક્ષણ માટે કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરે : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ
૧૮ જૂને જિલ્લા મુખ્યાલયોએ શાંતિપૂર્ણ ધરણા-પ્રદર્શન, પ્રશ્નો ન ઉકેલાય તો ૨૮ જૂને રાજકોટ પ્રાંત કારોબારી બેઠકમાં આગામી રણનીતિ નક્કી થશે
અમદાવાદ - કચ્છઉદય : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા પ્રાંત સ્તરીય પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ ૨૦૧૦ પૂર્વે નિયુક્ત સમગ્ર ભારતના અંદાજે ૨૫ લાખ તથા ગુજરાતના આશરે ૭૫ હજાર શિક્ષકોના સેવા હિતોના સંરક્ષણ માટે કેન્દ્ર સરકાર સમક્ષ કાયદાકીય અને નીતિગત હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી હતી.
પ્રેસ વાર્તામાં જણાવાયું હતું કે તા. ૨૩ ઓગસ્ટ, ૨૦૧૦ના રોજ એનસીટીઈ દ્વારા જાહેર કરાયેલી શિક્ષક પાત્રતા પરીક્ષા સંબંધિત અધિસૂચના તથા માનનીય સર્વોચ્ચ ન્યાયાલયના તા. ૨૯ મે, ૨૦૨૬ના નિર્ણયના અનુસંધાનમાં વર્ષ ૨૦૧૦ પૂર્વે નિયુક્ત થયેલા શિક્ષકોના હિતો અંગે સંગઠન દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. કે લાખો શિક્ષકોના સેવા હિતો, વરિષ્ઠતા, બઢતી અને અન્ય પ્રાપ્ત અધિકારોને અસર થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર યોગ્ય કાયદાકીય, નીતિગત તથા વહીવટી ઉકેલ લાવે તેવી માંગ કરવામાં આવી છે.
આ સંદર્ભે તા. ૧૮ જૂનના રોજ ગુજરાતના તમામ જિલ્લા મુખ્યાલયોએ મોટી સંખ્યામાં શિક્ષકો અને માતૃશક્તિ દ્વારા શાંતિપૂર્ણ તથા શિસ્તબદ્ધ ધરણા-પ્રદર્શન યોજાશે. જિલ્લા કલેક્ટર મારફતે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવશે. સંગઠને જણાવ્યું કે, તમામ કાર્યક્રમો સંપૂર્ણપણે કાયદા અને લોકશાહી મર્યાદાઓમાં રહીને યોજવામાં આવશે તેમ છતાં પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો અખિલ ભારતીય સ્તરે ઘડાનાર આગામી આંદોલનાત્મક કાર્યક્રમોમાં ગુજરાતના શિક્ષકો મોટી સંખ્યામાં જોડાશે.
મહાસંઘે જણાવ્યું કે અગાઉ યોજાયેલી બે પ્રદેશ કારોબારી બેઠકોમાં શિક્ષકોના વિવિધ પ્રશ્નો અંગે રાજ્યના શિક્ષણમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી તેમજ ત્યારબાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું છતાં હજુ સુધી આ મુદ્દાઓના ઉકેલ માટે સંગઠન સાથે કોઈ સત્તાવાર ચર્ચા યોજાઈ નથી.
આ ઉપરાંત તા. ૧ એપ્રિલ, ૨૦૦૫ પહેલાં નિયુક્ત જૂની પેન્શન યોજનાના પાત્ર નિવૃત્ત શિક્ષકો અને કર્મચારીઓને તાત્કાલિક પેન્શન શરૂ કરવા, તેમના બાકી રહેલા જીપીએફ એકાઉન્ટના ઓર્ડરો બહાર પાડવા તથા શિક્ષણ ક્ષેત્રના વિવિધ સંવર્ગોને લગતા મુખ્ય પડતર પ્રશ્નોનો સમયબદ્ધ અને હકારાત્મક ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે. મહાસંઘે આશા વ્યક્ત કરી છે કે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ શિક્ષકો તથા શિક્ષણ વ્યવસ્થાના હિતમાં સંગઠન સાથે રચનાત્મક ચર્ચા કરીને યોગ્ય ઉકેલ લાવશે. જો આ મુદ્દાઓ અંગે યોગ્ય પ્રગતિ નહીં થાય તો તા. ૨૮ જૂન, ૨૦૨૬ના રોજ રાજકોટ ખાતે યોજાનારી પ્રાંત કારોબારી બેઠકમાં આગામી કાર્યક્રમો અને રણનીતિ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે એવું એબીઆરએસએમ ગુજરાત- અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ અને મહામંત્રી પરેશભાઈ પટેલની યાદીમાં જણાવાયું છે.
----------

Comments