Trending News
સ્થાનિક સમાચાર

ગોવર્ધન બ્રિજ પર ડ્રેનેજ લાઈનની બેદરકારી મુદ્દે તાત્કાલિક મરામતની કોંગ્રેસની માંગ

12 June



ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નેશનલ હાઈવે-૩૪૧ પર અંજાર-સતાપર વચ્ચે આવેલા ગોવર્ધન બ્રિજ ખાતે ડ્રેનેજ લાઈનની ગંભીર ખામી અને માર્ગની બગડેલી હાલત અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. આ અંગે સમિતિએ નેશનલ હાઈવે પ્રોજેક્ટ મેનેજરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક સુધારણા કામગીરી શરૂ કરવા અનુરોધ કર્યો છે.રજૂઆતમાં જણાવાયું છે કે, ઓવરબ્રિજ પર વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે બનાવવામાં આવેલી ડ્રેનેજ લાઈન હાલ અત્યંત ખરાબ સ્થિતિમાં છે. અનેક જગ્યાએ લાઈન તૂટી જવાથી તથા યોગ્ય જાળવણીના અભાવે બ્રિજ પર પાણી ભરાવાની અને માર્ગ જોખમજનક બનવાની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે વાહનચાલકો માટે અકસ્માતનો ખતરો સતત વધી રહ્યો છે. કોંગ્રેસ સમિતિના આક્ષેપ મુજબ આ બેદરકારીના કારણે અગાઉ બે લોકોના મૃત્યુ અને આઠ જેટલા લોકો ઘાયલ થયા હોવાના ગંભીર બનાવો સામે આવ્યા છે. સતત અકસ્માતોની શક્યતા હોવા છતાં સંબંધિત વિભાગ દ્વારા યોગ્ય મરામત કે સુધારણા કામગીરી હાથ ધરવામાં ન આવતાં સ્થાનિકોમાં રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.સમિતિએ વધુમાં જણાવ્યું છે કે આ મુદ્દે અગાઉ પણ સંબંધિત અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને વિભાગને જાણ કરવામાં આવી હતી, છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. આ સાથે ચેતવણી આપવામાં આવી છે કે જો સાત દિવસની અંદર ડ્રેનેજ લાઈનની મરામત, શિફ્ટિંગ તેમજ બ્રિજની જરૂરી સુધારણા કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો જાહેર ધરણા, આંદોલન તેમજ જરૂર પડે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. કોંગ્રેસ સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે જો ભવિષ્યમાં કોઈ અકસ્માત સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી નેશનલ હાઈવે વિભાગ અને સંબંધિત કોન્ટ્રાક્ટર એજન્સી પર રહેશે. 
--------

Comments

COMMENT / REPLY FROM