મીઠીરોહરમાં ખનીજચોરો પર મામલતદાર ની તવાઈઃ ૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત : હવે ખાણ-ખનીજ વિભાગ લાલઆંખ કરશે ખરી?
યુવા મામલતદારશ્રી સીંધીની ટીમે સરપ્રાઈઝ રાઉન્ડ મારતા ૧ હિટાચી, ડમ્પર સહિત લાખોનો મુદામાલ પકડાયો : કાર્યવાહી કરી ખનીજ વિભાગને આગળની કાર્યવાહી માટે મુદામાલની કરાઈ સોંપણી
અમારી ટીમ રૂટીન સર્વે ચકાસણી-રાઉન્ડમાં હતી તે વખતે મીઠીરોહર પાસે એક હીટાચી-ડમ્પર પાસ-પરવાના વીના ખનન કરતા ઝડપાયા હતા, આગળની કાર્યવાહી હેતુસર ખાણખનિજ વિભાગને સોપી દેવાયું છે : શ્રી જાવેદ સીંધી (મામલતદાર, ગાંધીધામ) : એક મશીન, એ ડમ્પર પકડીને સોપ્યું છે, સિઝ કરી દીધુ છે, નોટીસ ફટકારી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી રહી છે : શ્રી પંડયા (સિનિયર ભુસ્તરશાસ્ત્રી, પૂર્વ કચ્છ ખાણખનીજ વિભાગ)
ખાટલે મોટી ખોટ : મામલતદારની કાર્યવાહીથી કૌભાંડ બહાર આવ્યું, હવે જોવાનું એ છે કે તંત્ર મૂળ સૂત્રધારો સુધી પહોંચે છે કે ફરી માત્ર વાહનો જ જપ્ત કરીને ફાઈલ બંધ થઈ જાય છે. : વાહનોના માલીક કોણ છે? કેટલા સમયથી ખનીજ-રેતી ચોરી આચરાતી હતી? કોના ઈશારે રેતીચોરી થતી હતી? ચોરાઉ ખનીજ રેતી કયાં ઠલવાી હતી? આ બધાય જ મુળીયા ઉકેલાય તો જ આખાય નેટવર્કમાંથી ઉચકાય પડદો
ગાંધીધામ : તાલુકાના મીઠીરોહર ગામ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન સામે ગાંધીધામ મામલતદાર જાવેદ સિંધી અને તેમની ટીમે નોંધપાત્ર કાર્યવાહી કરી એક હીટાચી મશીન અને ડમ્પર સાથે અંદાજે રૂ. ૬૫ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી ખનિજ માફિયાઓમાં ખળભળાટ મચાવી દીધો છે. રોયલ્ટી પાસ કે કોઈપણ પ્રકારની મંજૂરી વિના માટી અને ખનિજનું ખનન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવતા બંને વાહનો કબજે કરી આગળની કાર્યવાહી માટે ભુસ્તરશાસ્ત્રી, અંજાર (પૂર્વ કચ્છ)ની ટીમને સુપ્રત કરવામાં આવ્યા છે. મીઠીરોહર પટ્ટામાં લાંબા સમયથી ગેરકાયદેસર રેતી અને ખનિજ ચોરીનો કારોબાર ખુલ્લેઆમ ચાલી રહ્યો હોવાની ચર્ચાઓ વચ્ચે મામલતદારની ટીમે ઓચિંતા તપાસ દરમિયાન આ કાર્યવાહી કરી છે. સવાલ એ ઊભો થાય છે કે જ્યારે રેવન્યુ વિભાગની એક ટીમ અચાનક પહોંચી અને ગેરકાયદેસર ખનન ઝડપીને કાર્યવાહી કરી શકે છે, ત્યારે ખાણ-ખનીજ વિભાગ, પોલીસ અને અન્ય જવાબદાર એજન્સીઓ આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી કરવામાં કેમ નિષ્ફળ રહી છે?સ્થાનિક સ્તરે એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે મીઠીરોહર વિસ્તારમાં કેટલાક પ્રભાવશાળી તત્વોના આશીર્વાદથી લાંબા સમયથી રેતી અને ખનિજ ચોરીનો ધંધો ધમધમી રહ્યો છે. અગાઉ પણ આ વિસ્તારમાં ગેરકાયદેસર ખનનના કિસ્સાઓ સામે આવ્યા હોવા છતાં મૂળ સૂત્રધારો સુધી તપાસ પહોંચી નથી. પરિણામે સરકારની તિજોરીને લાખો રૂપિયાની રોયલ્ટી અને આવકનો ફટકો પડતો રહ્યો છે.હવે જરૂરી છે કે માત્ર મશીન અને વાહનો જપ્ત કરવાની કાર્યવાહી પૂરતી ન રહે, પરંતુ જે હીટાચી મશીન અને ડમ્પર ઝડપાયા છે તેના વાસ્તવિક માલિકો કોણ છે, કોના કહેવાથી ખનન થઈ રહ્યું હતું, કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલી રહી હતી અને ખનિજનો જથ્થો ક્યાં પહોંચાડવામાં આવતો હતો તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે. જો આ ગેરકાયદેસર ખનન પાછળ કોઈ સંગઠિત નેટવર્ક કાર્યરત હોય તો તેના તમામ જવાબદારો સામે ફોજદારી ફરિયાદ નોંધાવવી સમયની માંગ છે.મામલતદાર જાવેદ સિંધીની ટીમે સરકારના હિતમાં કડક કાર્યવાહી કરીને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે. હવે નજર પૂર્વ કચ્છ ખાણ-ખનીજ વિભાગ, પોલીસ, આરટીઓ અને રેવન્યુ તંત્ર પર છે કે તેઓ સંકલિત અભિયાન ચલાવી મીઠીરોહર સહિત સમગ્ર વિસ્તારમાં ધમધમતા ખનિજ અને રેતી ચોરીના કૌભાંડો પર કાયમી લગામ લગાવવાની હિંમત દાખવે છે કે નહીં. ?
...............
કચ્છઉદયના અહેવાલને તત્કાળ સમર્થન
મીઠીરોહરમાં રેચીચોર માફીયાનો આતંક, પોલીસ-ખનીજ અંધારામાં કે આંખમિચામણા? તે મથાડા સાથે આ જ પ્લેટફોર્મ પરથી આંખ ઉધાડનારો અહેવાલ રજુ થયો હતો જેની સાથે જ ગાંધીધામ મામલતદારની ટીમે અહી સફળ દરોડો પાડતા આ અહેવાલને તત્કાળ સમર્થન મળ્યુ છે.
................
સવાલોનો મારો...છે તંત્ર પાસે જવાબ?
• મીઠીરોહર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ખનન અંગે ખાણ-ખનીજ વિભાગ અજાણ હતું કે પછી આંખ આડા કાન કરાઈ રહ્યા હતા? • મામલતદારની ઓચિંતી તપાસમાં હીટાચી અને ડમ્પર ઝડપાઈ શકે તો જવાબદાર વિભાગોની નિયમિત ચકાસણીમાં આ પ્રવૃત્તિ કેમ પકડાઈ નહીં? • રોયલ્ટી પાસ અને પરવાનગી વગર ખનન થઈ રહ્યું હતું તો સરકારને કેટલા સમયથી આવકનું નુકસાન થઈ રહ્યું હતું? • ઝડપાયેલ હીટાચી મશીન અને ડમ્પરના વાસ્તવિક માલિકો કોણ છે? • ગેરકાયદેસર ખનન પાછળ કોઈ પ્રભાવશાળી ઝભ્ભા-લેંઘાધારી અથવા રાજકીય આશ્રય ધરાવતા તત્વોનો હાથ છે? • મીઠીરોહરમાંથી ખોદવામાં આવતો ખનિજ અને રેતીનો જથ્થો ક્યાં પહોંચાડવામાં આવતો હતો? • ખનનથી લઈને પરિવહન સુધીના સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંકળાયેલા છે? • અગાઉ પણ આ વિસ્તારમાં ગેરકાયદેસર ખનનના કેસ ઝડપાયા હોવા છતાં મુખ્ય સૂત્રધારો સામે કડક કાર્યવાહી કેમ થઈ નથી? • પૂર્વ કચ્છ ખાણ-ખનીજ વિભાગ, પોલીસ, આરટીઓ અને રેવન્યુ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ છે કે પછી કોઈની મિલીભગત?• માત્ર વાહનો જપ્ત કરીને કાર્યવાહી પૂર્ણ થશે કે પછી જવાબદાર માલિકો અને સૂત્રધારો સામે ફોજદારી ગુના પણ નોંધાશે? • સરકારની તિજોરીને થયેલા આર્થિક નુકસાનની જવાબદારી કોની નક્કી કરવામાં આવશે? • મીઠીરોહરના ગેરકાયદેસર ખનન કૌભાંડની તપાસ ઉચ્ચ સ્તરની એજન્સીને સોંપવામાં આવશે કે નહીં?

Comments