Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ મનપાના એન્જિનિયરો અને ઠેકેદારોની ‘સિન્ડિકેટ’નો આતંકઃ ભારતનગર ગટરોના પાણીથી તરબતર : ચોમાસા પૂર્વે જ શહેર ડૂબવાની ભીતિ

12 June



ગાંધીધામ શહેર સમાંતર જ વિસ્તાર ભારતનગરમાં ગટર-પાણી-રોડના આડેધડ અમુક કોન્ટ્રાકટર-બની બેઠલા એન્જીયરની મીલીભગતથી કામો થતા ભારતનગરવાસીઓ સમસ્યાઓના હવાલો : હાલમાં ગટર-પાણી વહી નીકળ્યા : ઠેકેદારે ગટરની ચેમ્બર પર જેસીબી રાખી દેતા આખેઆખી ચેમ્બર જ બેસી ગઈ અને પાણી-ગટર રોડ પર વહી નીકળ્યાની સર્જાઈ સ્થિતી : છતા મનપાના તંત્રના કોઈના પેટનું પાણી જ હાલતું ન હોવાની સ્થિતી


ચુંટાયેલા જનપ્રતિનિધીઓ કેમ હેરાન-પરેશાન થાય તેવા જ તિકડમ-ડીંડકો અમુક બની બેઠેલ એન્જીનીયર અને ઠેકેદારો દ્વારા થતા રહે છે, તેનો આ વધુ એક દાખલો આવ્યો સામે.!



ગાંધીધામઃ  ગાંધીધામ મહાનગરપાલિકાના ભ્રષ્ટ ઠેકેદારો અને મનઘડંત કામ કરતા અમુક એન્જિનિયરોની મિલીભગત (સિન્ડિકેટ)ના કારણે સમગ્ર ભારતનગર વિસ્તાર પાણી-પાણી થઈ ગયો છે. ગટર અને પાણીની લાઈનોના આડેધડ કરાયેલા નબળા કામોને લીધે ગટરની ચેમ્બરો બેસી ગઈ છે અને ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હજુ તો ચોમાસુ માત્ર ટકોરા મારી રહ્યું છે, ત્યાં જ જો આવી સ્થિતિ હોય, તો જ્યારે ચોમાસુ પૂરજોશમાં ત્રાટકશે ત્યારે આ સિન્ડિકેટ આખા શહેરને ડુબાડશે અને મહાનગરપાલિકાની હાલત અત્યંત બદતર થઈ જશે તેવી ગંભીર આશંકા સેવાઈ રહી છે. ગાંધીધામ શહેર જેટલો જ વિશાળ વિસ્તાર અને વસ્તીધરાવતા ભારતનગરમાં ઠેકેદારો અને એન્જીનીયરની સિન્ડીકેટ દ્વારા આચરાયેલા લોટ પાણીને લાકડાના ગુનાહિત બેદરકારી સમાન કૃત્ય હાલમાં જ દ્રશ્યો સામે આવવા પામ્યા છે. કોન્ટ્રાકટરે ગટરની ચેમ્બર પર જેસીબી ચડાવી દેતા આખી ચેમ્બર જ બેસી ગઈ અને ગટરના પાણી આજુબાજુ ફેલાઈ જવા પામ્યા હોવાની ઘટના બની છે. મનપાના વહીવટીતંત્રમાંથી કોઈના પણ પેટનું પાણી હાલતું જ ન હોય તેવી સ્થીતી બની જવાયેલી જોવાઈ રહી છે અને ભારતનગરના રહેવાસીઓ અમુક ઠેકેદાર અને બની બેઠલા એન્જીનીયરની લાપરવાહી થકી સમસ્યાઓ ભોગવી રહ્યા છે. 




.............................


ગૌમાતા ચોક પાસે ‘ખીચડી રંધાયા પછીનું ડાપણ’ઃ નવો આરસીસી રોડ ખોદી નાખ્યો!


ગાંધીધામ : કોન્ટ્રાક્ટરોની મનમાનીનો આવો જ એક કિસ્સો ગૌમાતા ચોક પાસે પણ જોવા મળ્યો હતો. અહીં કોન્ટ્રાક્ટરે નવોનકોર બનેલો આખેઆખો આરસીસી રસ્તો ખોદી નાખ્યો હતો. નવાઈની વાત એ છે કે, જે કામ માટે રસ્તો ખોદવામાં આવ્યો હતો તે લાઈનો જ ત્યાં હાજર નહોતી! આમ, લાઈન શોધવાના ચક્કરમાં નવેનવા રોડનું નખોદ વાળી નાખવામાં આવ્યું હતું. મોડે મોડે પહોંચેલા એન્જિનિયરે કોન્ટ્રાક્ટરને ખખડાવ્યો ખરો, પણ ત્યાં સુધીમાં તો ‘ખીચડી રંધાયા પછીના ડાપણ’ જેવી સ્થિતિ સર્જાઈ ચૂકી હતી અને આખો રસ્તો બિસ્માર બની ગયો હતો.


..................

જેસીબી ચડાવી દેતા આખેઆખી ચેમ્બર બેસી ગઈ, લાખોનું નુકસાન


ગાંધીધામઃ  આજરોજ ભારતનગરમાં ગટરની ચેમ્બર પર કામ કરી રહેલા ઠેકેદારના માણસોએ ઘોર બેદરકારી દાખવી આખી ચેમ્બર પર જેસીબી મૂકી દીધું હતું. પરિણામે આખેઆખી ચેમ્બર જમીનમાં બેસી ગઈ હતી, જેનાથી મહાનગરપાલિકાને મોટું આર્થિક નુકસાન થયું છે. આ અકસ્માતને કારણે ગટર અને પાણી રસ્તાઓ પર મોટા પ્રમાણમાં વહી નીકળતા રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઠેકેદારો અને એન્જિનિયરો કોઈપણ કામ ચોકસાઈપૂર્વક કે તકેદારીથી કરતા ન હોવાથી રોજેરોજ આવા મોટા ભોપાળા સામે આવી રહ્યા છે.


...............

ધારાસભ્યની લાલઆંખ છતાં તંત્ર કેમ મૌન? કમિશનર ફિલ્ડમાં ઉતરે 


ડે.કમિશ્નર સંજય રામાનુજને પણ ચોમાસા પહેલા શહેરની વિવિધ સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે રસ્તાઓ પર ઉતારો : વહીવટના નામે કચેરીમાં બેસી રહેવાશે તો ચોમાસામાં શહેરની સ્થિતી ખુબજ કફોડી થશે : અમુક એન્જીનીયર-ઠેકેદારોની સામે પણ ધાક બેસાડતો દાખલો પુરવાર કરવામાં કોની લાજનો 
તણાઈ રહ્યો છે ધૂમટો?



ગાંધીધામ : તાજેતરમાં જ સ્થાનિક ધારાસભ્યશ્રીએ મનપાના અધિકારીઓ સાથે બેઠક યોજીને આવા નબળા કામો બાબતે જવાબદારોના ઉધડા લીધા હતા અને કડક કાર્યવાહીની ચેતવણી (લાલ આંખ) આપી હતી. છતાં, હજુ સુધી મનપાનું વહીવટી તંત્ર આવા ભ્રષ્ટ ઠેકેદારો અને બની બેઠેલા એન્જિનિયરોને જાણે છાવરી રહ્યું હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે.સ્થાનિક જનતાની માંગ છે કે મહાનગરપાલિકાના નવ નિયુક્ત કમિશનર શ્રી અગાઉના કમિશનરની જેમ જ કચેરી છોડીને તાત્કાલિક ‘ફિલ્ડ’માં નીકળે અને વાસ્તવિક સ્થિતિ જુએ. આ સાથે જ ડેપ્યુટી કમિશનર સંજય રામાનુજ પણ પોતે સ્થળ ઉપર ઉતરે અને આવા બેજવાબદાર કોન્ટ્રાક્ટરો સામે ધાક બેસે તેવી કડક કાયદાકીય કાર્યવાહી કરે, જેથી આ ભ્રષ્ટ સિન્ડિકેટને તોડી શકાય અને જનતાને હાલાકીમાંથી મુક્તિ મળે.

 

Comments

COMMENT / REPLY FROM