હવે મુન્દ્રામાં રોયલ્ટી વગર અને નખત્રાણામાં ઓવરલોડ ખનીજનું ડમ્પર પકડાયું
કલેક્ટરની સૂચનાથી ખનીજ ચોરી રોકવા મહેસૂલ વિભાગની કાર્યવાહી જારી
ગઈકાલે મુરચબાણમાં પણ વાહનો પકડાયા હતા, આ વિસ્તારમાં તળાવના નામે થતા ખોદકામની તપાસ કરી ખનીજ ચોરી કાયમી ધોરણે બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠી
ભુજ - કચ્છઉદય : પશ્ચિમ કચ્છ જિલ્લામાં ખનિજચોરી અટકાવવા મહેસૂલ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અગાઉ કોટડા (જડોદર) અને હાજાપરમાં મામલતદારે ઓવરલોડ ખનિજ ભરેલા ચાર ડમ્પર પકડ્યા તે બાદ પ્રાંત અધિકારીએ નલિયા અને નખત્રાણામાં ઓવરલોડ અને રોયલ્ટી વગર ખનિજ પરિવહન કરતા ડમ્પર પકડી લીધા હતા. ગત રોજ લખપત તાલુકાના મુરચબાણમાં મામલતદારે ખનીજ ચોરી પર દરોડો પાડ્યા બાદ હવે મુન્દ્રા અને નખત્રાણા વિસ્તારમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે. મુન્દ્રા વિસ્તારમાં અવાર - નવાર રેતી અને માટી ચોરીની ફરિયાદો સામે આવે છે. આ તાલુકો પુર્વ કચ્છની ખનીજ કચેરી અંતર્ગત આવે છે. અહીં વ્યાપક ફરિયાદો છતા ખનીજ ચોરી અટકતી નથી ત્યારે મામલતદાર કલ્પનાબેન ગોંદિયા દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી અને રોયલ્ટી વગર ખનીજ માટીનું પરિવહન કરતા ડમ્પરને સાડાઉ - ગુંદાલા રોડ પરથી પકડી પાડવામાં આવ્યું હતું. વાહન સિઝ કરી પોલીસ સ્ટેશને રાખવામાં આવ્યું છે.આ તરફ નખત્રાણાના કોટડા (જ) - મથલ હાઈવે પર પ્રાંત અધિકારી દ્વારા બપોરે બે વાગ્યે તપાસ કરીને ડમ્પર નં.જીજે૧ર - સીટી - ૭૮પ૧ ને રોકી તપાસ કરતા તેમાં બ્લેકટ્રેપ ખનીજ ભરેલું હતું. રોયલ્ટી પરમીટ હતી પરંતુ વજન કરાવતા ૧૯.૮૪ મેટ્રીક ટન ખનીજ વધુ ભરવામાં આવ્યું હોઈ ૩પ લાખના વાહન સહિત કુલ ૩૭.૧પ લાખનો મુદ્દામાલ સિઝ કરી વાહન નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યું હોવાનું મામલતદાર આર.ડી. પટેલે જણાવ્યું હતું. દરમિયાન ગઈકાલે મહેસૂલ વિભાગ દ્વારા મુરચબાણ ગામની સીમમાં બેન્ટોનાઈટના ગેરકાયદે ઉત્ખન્નની બાતમીના આધારે દરોડો પાડી ૩ મોટા ડમ્પર બેન્ટોનાઈટ ભરેલા તેમજ બે હિટાચી મશીન, અને ૮ મોટા ડમ્પર પકડી પાડ્યા હતા. આ વિસ્તારના સ્થાનિક સૂત્રો જણાવે છે કે, મુરચબાણ વિસ્તારમાં પુષ્કળ ખનીજનો જથ્થો ધરબાયેલો છે. અહીં પવનચક્કી, થાંભલા અને તળાવ ઉંડા કરવાના નામે પરવાનગી મેળવી તેની આડમાં ગેરકાયદે બેન્ટોનાઈટ ઉસેડવામાં આવે છે. આ વિસ્તારના બેન્ટોનાઈટની ભારે માંગ હોવાથી ચોરી કરવામાં આવે છે. અગાઉ ઘણી વખત પોલીસે વાહનો પકડ્યા છે, ખનીજ વિભાગે વાહનો પકડ્યા છે, સ્થાનિકોએ જનતા રેડ કરી છે, કલેક્ટર કચેરીમાં રજૂઆત કર છે. તેમ છતા આ વિસ્તારમાં ખનીજ ચોરી અટકી નથી. સ્થાનિકો જણાવે છે કે, આ વિસ્તારમાં પવનચક્કી અને તળાવના નામે થયેલા ખોદકામની તપાસ કરવામાં આવે અને અહીં કાયમી ધોરણે ખનીજ ચોરી બંધ કરાવી અમુલ્ય સંપદાને પેટાળમાં સાચવી રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ કચ્છ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ અને ફ્લાઈગ સ્ક્વોર્ડ દ્વારા ખનીજ ચોરી સામે કાર્યવાહી ન કરાતા પ્રાંત અધિકારી અને મામલતદારો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ભુજ અને માંડવી તાલુકા વિસ્તારમાં પ્રાંત અધિકારી અને મામલતદાર આવી કાર્યવાહી ક્યારે કરશે તેવો સવાલ ઉઠ્યો છે.

Comments