ગાંધીધામના બે બુટલેગરો પાસા હેઠળ અટકાયત, અમદાવાદ અને સુરત જેલ હવાલે
ગાંધીધામ - કચ્છઉદયઃ કચ્છ કલેક્ટર દ્વારા મંજૂર કરાયેલા પાસા વોરંટના આધારે પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (ન્ઝ્રમ્)એ પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા બે આરોપીઓની અટકાયત કરી છે. આરોપીઓ બહારના રાજ્યોમાંથી વિદેશી દારૂ મંગાવી તેનો સંગ્રહ અને હેરફેર કરતા હોવાનું સામે આવ્યું હતું. અટકાયતમાં ધીરજભાઈ પ્રેમજીભાઈ ઘેડા (ગાંધીધામ) અને વિજય ઉર્ફે વીડી શંકરભાઈ ચંદે (ગાંધીધામ)નો સમાવેશ થાય છે. બંને વિરુદ્ધ પ્રોહિબિશન સહિતના અનેક ગુનાઓ વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે. પાસા હેઠળ અટકાયત બાદ એક આરોપીને લાજપોર જેલ, સુરત અને બીજા આરોપીને મધ્યસ્થ જેલ, અમદાવાદ મોકલવામાં આવ્યા છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ જે.એમ. વાળા, પીએસઆઈ ડી.જી. પટેલ તથા ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Comments