Trending News
સ્થાનિક સમાચાર

છેવાડાના લોકો જ સરહદના સાચા સંત્રી

11 June




રાજયના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ખાવડા, વાગડ, લખપતના ગામોની મુલાકાત લઈ લોકો સાથે કર્યો સંવાદ : મોટા દિનારામાં આઈપીએસ સુધા પાંડે અને જાટાવાડામાં એડીજીપી અજયકુમાર ચૌધરીનું ગામલોકો દ્વારા કરાયું સન્માન


ભુજ - કચ્છ ઉદય : બોર્ડર વિલેજ વિઝીટ અંતર્ગત આજથી બે દિવસ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ કચ્છમાં છે ત્યારે અલગ અલગ નિયત કરાયેલા ગામોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં સ્થાનીકો સાથે સંવાદ કરી છેવાડાના વિસ્તારમાં રહેતા લોકો અંતિમ નહીં પણ દેશના પ્રથમ ગામના લોકો છે અને સરહદના સાચા સંત્રી હોવાનું જણાવી સુરક્ષા બાબતે પોલીસ સહિતની તમામ એજન્સીઓ કટિબદ્ધ છે અને સ્થાનીકો પણ હરહંમેશ મદદ કરતા અપાવ્યા છે અને આગળ પણ તંત્રને મદદરૂપ થશે તેવો સંદેશો આપવામાં આવ્યો હતો. આજે સવારે ભુજ તાલુકાના મોટા દિનારા ગામે ડીઆઈજીપી સુધા પાંડે પહોંચ્યા હતા. જયાં પ્રથમ ગામ લોકો દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો, મહિલાઓ, બાળકો હાજર રહ્યા હતા. સ્થાનીકોએ ગામની પરિસ્થિતિ રજુ કરી હતી. પોલીસ અધિકારીએ ઉદબોધનમાં પોલીસની કામગીરી અને છેવાડાના નાગરીકોની સુરક્ષા પ્રાધાન્ય હોવા બાબતે પ્રકાશ પાડયો હતો. બપોર બાદ ડીઆઈજીપી કે. એન. ડામોર દેઢીયાની મુલાકાત લેવાના છે અને રાત્રી રોકાણ જુણા ગામમાં કરશે તેવું જાણવા મળ્યું છે. આ સિવાય કચ્છના પ્રભારી પોલીસ અધિકારી અને એડીજીપી અજયકુમાર ચૌધરીએ પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં આવતા જાટાવાડા ગામની મુલાકાત લીધી હતી. રામદેવ પીર મંદિરના પ્રાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. એસ.પી. સાગર બાગમાર, ડીવાયએસપી સાગર સાંબડા સહિતના હાજર રહ્યા હતા. આ ઉપરાંત ડીઆઈજીપી ડો. લીના પાટીલે ઉધમો અને પટાગર, એસીપી આર.ટી.સુસરાએ લખપતના પુનરાજપર અને ગુનાઉ ગામની મુલાકાત લીધી હતી. ગ્રામજનો સાથે સંવાદ કરવા ઉપરાંત સુરક્ષા એજન્સીઓ સાથે બેઠક, પોલીસ જવાનો સાથે સંવાદ, રાત્રિ સભા પણ યોજવામાં આવશે. પોલીસ અધિકારીઓ ગામોમાં સ્થાનિકના ઘરે  રાત્રિ રોકાણ કરીને પોલીસ પ્રજાનો મિત્ર છે તે ઉક્તિને સાર્થક કરશે. ગાંધીનગરથી વરિષ્ઠ પોલીસ અધિકારીઓ નાનકડા ગામોમાં આવ્યા હોઈ લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. 

 

Comments

COMMENT / REPLY FROM