નવનર્મિત વર્કશોપ થકી અંજાર ડેપો નાગરિકોને ગુણાત્મક સેવા આપી શકશે : કચ્છી શિક્ષણ રાજ્યમંત્રી
ત્રિકમભાઈ છાંગાના હસ્તે રૂ. ૪૮૫.૯૮ લાખના ખર્ચે નવનિર્મિત અંજાર એસ.ટી ડેપો - વર્કશોપનું લોકાર્પણ
અંજાર - કચ્છઉદય : ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે અંજાર ખાતે રૂા. ૪૮૫.૯૮ લાખના ખર્ચે નવનર્મિત એસ.ટી ડેપો- વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં રાજ્યમાં પરિવહન સેવાઓ વધુ સુદ્રઢ બની છે. નરેન્દ્રભાઇ મોદીએ જ્યારે ગુજરાત રાજ્યની શાસન ધુરા સંભાળી ત્યારે તેમણે પરિવહનને વધુ સુગમ અને સુવિધાસભર બનાવ્યું હતું, વર્તમાન સમયમાં ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં પરિવહન સેવાને નવા કલેવર સાથે વધુ સુવિધા સંપન્ન બનાવવામાં આવતા નાગરિકોની સુખાકારીમાં વધારો થયો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે જાહેર પરિવહન પ્રત્યે લોકોનો વિશ્વાસ વધ્યો છે. આ નવનર્મિત એસ.ટી ડેપો- વર્કશોપનું લોકાર્પણથી ગુણાત્મક સેવામાં વધારો થશે. તેમણે આ પ્રસંગે નાગરિકો તેમજ કર્મયોગીઓને ગુણાત્મક પરિવર્તન લાવવા સકારાત્મક અભિગમ સાથે ભૂમિકા ભજવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના અભૂતપૂર્વ અને સફળ કાર્યકાળને ૧૨ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી થઇ રહી છે, ત્યારે આ ગૌરવદિનને આયોજિત કાયમી સ્મૃતિરૂપ બની રહેશે.
આ કાર્યક્રમમાં અંજાર નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેક, તાલુકા પંચાયત પ્રમુખ સંદીપ ચાવડા, અંજાર પાલિકા ઉપપ્રમુખ પરેશ માલસત્તર, અંજાર પાલિકા કારોબારી ચેરમેન પ્રકાશ લોદરીયા, જિલ્લા પંચાયત સદસ્ય નરેશ ધારૂ, આશીષ ઉદવાણી, હિતેન વ્યાસ, વસંત કોડરાણી, ડેની શાહ સહિતના આગેવાનો, ઇન્ચાર્જ વિભાગીય નિયામક વી.એલ.ચૌધરી, મામલતદાર ભગવતીબેન ચાવડા, ચીફ ઓફિસર તુષારભાઇ ઝાલરીયા સહિત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
----------

Comments