દુઃખ દુર કરવા માટે કોઈ તાંત્રિક વિધિ કામ આવતી નથી : પોલીસ
અંધ વિશ્વાસના નામે ઠગાઈ કરતી ટોળકી પકડાયા બાદ ભુજ ડીવાયએસપીએ લોકોને કરી અપીલ
ભુજ - કચ્છ ઉદયઃ પદ્ધર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મમુઆરા ગામમાં ઠગાઈના ઈરાદે ફરતી ટોળકીને પકડી લેવામાં આવી હતી. આરોપીઓ ધંધામાં પ્રગતિ અને જીવનમાં દુઃખ દૂર કરવાના નામે ઠગાઈ કરતા હતા. જેમાં મુખ્ય આરોપી અરવિંદનાથ પરમાર છે, જ્યારે પરબત રાઠોડ સ્ત્રીવેશ ધારણ કરતો હતો. તેમજ અન્ય આરોપી બળવંતભાઈ વાદી પકડાયા હતા. ભુજના ડીવાયએસપી ડો. વિશ્વા શાહે માહિતી આપતા જણાવ્યું કે, તપાસ દરમિયાન સામે આવ્યું કે, આરોપીઓ પાણી પીવાના બહાને ઘરમાં પ્રવેશ મેળવતા બાદમાં અલગ અલગ દુઃખ દર્દ કહીને વિધિ કરવાના નામે પાણી મંગાવતા અને તેમાં કંકુ - ચોખા નાખી આ પાણી પી જતા બાદમાં બીજો ગ્લાસ મંગાવી જાણ બહાર તેમાં સાકર નાખી બાદમાં ઘરના મુખ્ય વ્યક્તિને કહેતા કે, આ પાણી પીઓ તેમાં વિધિ કરેલી છે. આ પાણી મીઠું છે. તેમ કહીં વિશ્વાસ જીતીને ઠગાઈ કરતા હતા. પાણીમાં સાકર નાખવાના કારણે પાણી મીઠું થતું હતું. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં સ્ત્રીવેશ ધારણ કરીને માતાજીની શક્તિ હોવાનું કહીને અંધ વિશ્વાસ ફેલાવી ઠગાઈ કરતા હતા. ડીવાયએસપીએ જણાવ્યું કે, સસ્તા સોના અને નકલી નોટની જેમ આવા ઠગાઈના બનાવોથી સાવધાન રહેવું જોઈએ. કોઈ અજાણ્યો વ્યક્તિ ઘરમાં આવે અને કહે કે તમારા ઘરમાં આ દુઃખ દર્દ છે તે માની ન લેવાય. કોઈ અજાણ્યા વ્યક્તિને ઘરમાં પ્રવેશ ન આપવો ન જોઈએ. તેની વાત પર વિશ્વાસ કરવો ન જોઈએ, ધંધામાં પ્રગતિ કે દુઃખ દૂર કરવા માટે કોઈ તાંત્રિકવિધિ કામ આવતી નથી. આવા ઠગાઈના બનાવોથી બચવા માટે અપીલ કરી હતી.

Comments