સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત કુનરીયા અને ઢોરી ગામે સ્વચ્છતા રેલી યોજાઈ
ભુજ - કચ્છઉદય : "સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશ"ના સંકલ્પને સાકાર કરવા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભુજના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત કુનરીયા અને ઢોરી ગામ ખાતે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.રેલીમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારની ઉપસ્થિતિ રહી હતી. ઉપરાંત શિક્ષણ નિરીક્ષક પૃથ્વીરાજસિંહ ઝાલા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સીટના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો, શાળા વ્યવસ્થાપન સમિતિ (એસ.એમ.સી.)ના સભ્યો, સી.આર.સી. કો-ઓર્ડિનેટરશ્રીઓ, શિક્ષકો તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત આગેવાનો દ્વારા "સ્વચ્છતા અપનાવો - રોગોને દૂર ભગાડો", "મારું ગામ સ્વચ્છ ગામ" સહિતના સ્વચ્છતા સંબંધિત સૂત્રો પોકારી ગ્રામજનોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રેલી દરમિયાન સ્વચ્છ પર્યાવરણ, કચરાના યોગ્ય નિકાલ અને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવાના સંદેશાઓ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગામના સફાઈકર્મીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સ્વચ્છતા માત્ર એક અભિયાન નહીં પરંતુ જીવનશૈલી બનવી જોઈએ તેવો સંદેશ આપ્યો હતો. સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થયો હતો. સ્વચ્છ ભારતના નિર્માણમાં દરેક નાગરિકની સક્રિય ભાગીદારી જરૂરી હોવાનું જણાવી સૌને પોતાના ઘર, શાળા અને ગામને સ્વચ્છ રાખવા અપીલ કરવામાં આવી હતી.
-----------

Comments