ભુજ પાસેના ધુનારા તળાવનો લોકભાગીદારીથી કાયાકલ્પ
માનવ ધર્મ સેવા ન્યાસ, ભુજોડી દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન ખાણેત્રુ કરાયું
ભુજ - કચ્છઉદય : ભુજ શહેરની ભાગોળે ભુજ સીમ સર્વે નંબરોમાં આવેલું અને આશરે ૭૭ એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું અવિકસિત તથા ઉપેક્ષિત એવું ઐતિહાસિક ધુનારા તળાવ લોકભાગીદારીના ઉત્કૃષ્ટ ઉદાહરણ સમું નવું જીવન પામ્યું છે. આ તળાવને ઊંડું અને સાફ-સુથરું કરવાની માંગ લાંબા સમયથી કચ્છ માલધારી સંગઠન-ટ્રસ્ટ અને જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહી હતી. આ અન્વયે માનવ ધર્મ સેવા ન્યાસ, ભુજોડી દ્વારા સરકારશ્રીના સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૬ અંતર્ગત અરજી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે તાલુકા નોડલ ઓફિસર અને નાયબ કાર્યપાલક ઇજનેરના મંજૂર આદેશ મુજબ, ૧૦૦ ટકા લોકભાગીદારીથી અને કોઈ પણ સરકારી નાણાકીય સહાય લીધા વિના, સ્વખર્ચે આ તળાવની કામગીરી હાથ ધરવાની મંજૂરી આપવામાં આવી હતી.
સરકારી નિયમો અને સહાયના અભાવે શરૂઆતમાં આ ભગીરથ કાર્યમાં મુશ્કેલીઓ પડી હતી, પરંતુ પ્રચાર-પ્રસાર અને સઘન લોક સંપર્કના કારણે જરૂરિયાતમંદ ખેડૂતો આગળ આવ્યા હતા. પોતાની જમીનની ફળદ્રુપતા સુધારવા અને રોડ-રસ્તા કે બાંધકામના લીધે ખેતરોમાં ભરાતા પાણીને અટકાવવા માટે માટીની જરૂરિયાત હોવાથી, ખેડૂતો પોતાના ખર્ચે તળાવમાંથી માટી લઈ જવા સંમત થયા હતા. ટ્રસ્ટ દ્વારા જેસીબી મશીન, હિટાચી મશીન અને ૧૦ ડમ્પર ગાડીઓની વ્યવસ્થા સંભાળવામાં આવી હતી, જેના દ્વારા તળાવમાંથી આશરે ૧૨૩૦ ડમ્પર જેટલી માટી બહાર કાઢી તળાવને ઊંડું કરવામાં આવ્યું છે.
આ જળ સંચયના પવિત્ર કાર્યથી તળાવની જળ સંગ્રહ ક્ષમતામાં ધરખમ વધારો થશે અને ભૂગર્ભ જળ રિચાર્જ થતાં પાણીના તળ ઊંચા આવશે. તળાવના બ્યુટીફિકેશન અંતર્ગત ગાંડા બાવળની સફાઈ કરવામાં આવી છે, ઉબડ-ખાબડ તળાવને સમતળ કરાયું છે અને તળાવમાં મોટા પાયે ફેંકવામાં આવેલો કચરો, કાટમાળ તથા વેસ્ટ બાંધકામ ડેમેજનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે. તળાવના આવાગમનના રસ્તેથી બાવળો હટાવીને સુંદર રસ્તો બનાવવામાં આવ્યો છે. ભુજના હયાત તળાવોમાં સૌથી મોટું આ ૭૭ એકરનું તળાવ હવે ખૂબ જ રળિયામણું બન્યું છે, જે આગામી સમયમાં માલધારીઓ, ગાયો, ભેંસો તેમજ પક્ષીઓ અને જળચર જીવો માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જેનાથી ભુજ નગરપાલિકાને પણ પાણીની વ્યવસ્થામાં મોટી મદદ મળશે.
આ ભગીરથ કાર્યમાં ખેડૂતભાઈઓ ઉપરાંત મુંબઈના યશરાજ રિસર્ચ ફાઉન્ડેશન તરફથી આર્થિક સહયોગ સાંપડ્યો હતો. માનવ ધર્મ સેવા ન્યાસ-ભુજોડીના કે.એચ.આર્ય દ્વારા આ કાર્યમાં સહયોગી બનનાર તમામ યંત્રધારકો, વાહનચાલકો, કિસાન મિત્રો અને દાતાઓનો અંતઃકરણપૂર્વક આભાર માનવામાં આવ્યો છે. ભવિષ્યમાં આ તળાવ આકર્ષણનું કેન્દ્ર બની શકે તેમ હોઈ, તેના બાકી રહેલા કાર્યો જેવા કે પાળા બાંધવા અને વૃક્ષારોપણ વગેરે માટે ભુજ નગરપાલિકા, ભાદા, સિંચાઈ વિભાગ અને રાજકીય નેતાઓ સમક્ષ યોગ્ય માવજત અને સંરક્ષણ માટે અપીલ કરવામાં આવી છે.
--------

Comments