ભુજની એપીએમસી માર્કેટની ચાર દુકાનોમાં આગથી નાસભાગ
ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ
ભુજ - કચ્છઉદય : શહેરની એપીએમસી માર્કેટમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટના અંગે આજે સવારે સાડા આઠ કલાકે ફાયર કંટ્રોલ રૂમને એક કટોકટીનો ફોન મળ્યો હતો, જેમાં જણાવાયું હતું કે માર્કેટ યાર્ડની ચાર દુકાનોમાં અચાનક આગ લાગી ગઈ છે. ઘટનાની ગંભીરતાને જોતાં ભુજ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી અને ઘટનાસ્થળે રવાના થઈ હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડના ડીસીપીઓ વિશાલ ગઢવી અને જિગ્નેશ જેઠવાના નેતૃત્વમાં ફાયરમેન રુદ્ર જોષી, મોહન રબારી, યશપાલસિંહ વાઘેલા તેમજ સુનિલ મકવાણા સહિતના જવાનોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત ઉઠાવીને ચારેય દુકાનોમાં ફેલાયેલી આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો અને સમયસર આગને વધુ આગળ વધતી અટકાવીને તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

Comments