ગાંધીધામની સીતારામ કંપનીમા પાણીના ટાકામાં ડુબી જવાથી આધેડનું કમકમાટીભર્યુ મોત
ગાંધીધામઃ કચ્છ-પૂર્વના ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મીઠીરોહર પાસે એક આકસ્મિક ડૂબી જવાની દુઃખદ ઘટના સામે આવી છે. સિતારામ કંપનીમાં કામ કરતા અને ત્યાં જ રહેતા ૫૦ વર્ષીય આધેડ લોકનાથમ બલેના અકસ્માતે પાણીના ટાંકામાં
પડી જતાં ડૂબી જવાથી તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.બનાવની પોલીસ દફતરેથી મળતી સત્તાવાર વિગત મુજબ, તા. ૦૮/૦૬/૨૦૨૬ ના રોજ સવારના આશરે ૧૦ઃ૫૦ વાગ્યાની આસપાસ આ કરુણ ઘટના ઘટી હતી. પાણીના ટાંકામાં ડૂબી ગયેલા આધેડને તાત્કાલિક સારવાર અર્થે આદિપુરની રામબાગ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબ ડૉ. શ્રી પ્રિયાબેન દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે હોસ્પિટલ વતી ઓમપ્રકાશ પારી (મોબાઈલ નંબરઃ ૯૮૨૫૨૩૧૦૫૯) ના માધ્યમથી ગાંધીધામ બી-ડિવિઝન પોલીસને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી.ઘટનાની જાણ થતાં જ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોત (અ.મોત) બી.એન.એસ.એસ. કલમ-૧૯૪ મુજબ ગુનો રજી કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકની લાશને પોસ્ટમોર્ટમ (પી.એમ.) માટે રામબાગ હોસ્પિટલના પી.એમ. રૂમમાં રાખવામાં આવી છે અને ઇન્ક્વેસ્ટ પંચનામાની કાર્યવાહી માટે માનનીય એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ (ગાંધીધામ)ને જાણ કરવામાં આવી છે.
આ કેસની પ્રાથમિક તપાસ યુ.એચ.સી. સેંધાજી એલ. પરમાર દ્વારા કરવામાં આવી છે, જ્યારે ઘટનાની આગળની વધુ તપાસ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન. બી. બામભા ચલાવી રહ્યા છે.
........................
કંપનીની ઘોર બેદરકારી અને સેફ્ટીના નિયમોના ધજાગરા
ગાંધીધામઃ આ સમગ્ર અકસ્માતમાં કંપની પ્રશાસનની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. ઔદ્યોગિક સેફ્ટીના નિયમો અનુસાર, આવા જીવલેણ પાણીના ટાંકાઓ કે ખુલ્લા અવાડાઓની આસપાસ પ્રોટેક્શન વોલ, મજબૂત ફેન્સિંગ (તારની વાડ) અથવા લોકઅપ ઢાંકણ હોવું અત્યંત અનિવાર્ય છે. કંપની દ્વારા સુરક્ષાના આ પ્રાથમિક માપદંડોની સરેઆમ અવગણના કરીને સેફ્ટીના નિયમોના ધજાગરા ઉડાડવામાં આવ્યા છે, જેના કારણે એક શ્રમિકે પોતાનો જીવ ગુમાવવો
પડ્યો છે. ફેક્ટરી એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરીને શ્રમિકોના જીવને જોખમમાં મૂકવા બદલ કંપની મેનેજમેન્ટ સામે સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
.........................
ફેક્ટરી ઇન્સ્પેક્ટર તથા હેલ્થ એન્ડ સેફ્ટી વિભાગ (આદિપુર)ની નિષ્ક્રિયતા સામે સવાલો
ગાંધીધામઃ આ ચકચારી ઘટનાને પગલે આદિપુર સ્થિત ફેક્ટરી ઇન્સ્પેક્ટર કચેરી તેમજ ઇન્ડસ્ટ્રિયલ હેલ્થ એન્ડ સેફ્ટી વિભાગની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. જનતામાં એવો આક્રોશ વ્યાપ્યો છે કે, આવા સરકારી વિભાગો માત્ર કાગળ પર જ કેમ નિયમો ચલાવે છે? આવી ગંભીર બેદરકારી દાખવતી મોટી કંપનીઓના સત્તાધીશોના કાયદેસર કેમ ઉધડા લેવામાં આવતા નથી? ઔદ્યોગિક એકમોનું સમયાંતરે સેફ્ટી ઓડિટ કરવાની મુખ્ય જવાબદારી આ વિભાગોની છે. જો ફેક્ટરી ઇન્સ્પેક્ટરે સમયસર સ્થળ તપાસ કરીને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હોત, તો કદાચ આ નિર્દોષ શ્રમિકનો જીવ બચી શક્યો હોત. સરકારી વિભાગોની આવી ઢીલી નીતિ અને લાલિયાવાડીના કારણે જ કંપનીઓ બેફામ બનીને સેફ્ટીના નિયમો નેવે મૂકે છે, જે હવે તપાસનો મોટો વિષય બન્યો છે.

Comments